લંડનઃ નોર્ધર્ન સીરિયાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં જીવલેણ નર્વ ગેસ હુમલાનો ભોગ બનેલાની સારવાર કરનારા બ્રિટિશ ડોક્ટર શાજુલ ઈસ્લામે ઈડલિબ પ્રોવિન્સની હોસ્પિટલમાં આ સારવારના વિડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યા છે. ઈસ્લામ સામે બ્રિટિશ જર્નાલિસ્ટના અપહરણની ટ્રાયલમાં ત્રાસવાદના આરોપો નિષ્ફળ ગયા પછી તે સીરિયા જતો રહ્યો હતો. તેને મેડિકલ રજિસ્ટરમાંથી રદ કરવામાં આવ્યો હતો.
શાજુલ ઈસ્લામ સામે ૨૦૧૩માં ત્રાસવાદના આરોપો લાગ્યા હતા. તેની સામે ધ સન્ડે ટાઈમ્સ સહિતના અખબારોમાં કામ કરનારા બ્રિટિશ જર્નાલિસ્ટ જ્હોન કેન્ટલી અને ડચ જર્નાલિસ્ટ જેરોન ઓરેલમાન્સનું અપહરણ કરનારા જેહાદી સંગઠનના સભ્ય હોવાનો આરોપ લાગ્યો હતો. તુર્કીથી સીરિયામાં પ્રવેશ પછી તેમને બંધક બનાવાયા હતા. તેમના હાથ બાંધી દેવા ઉપરાંત, તેમની આંખો પર પાટા બાંધી રખાયા હતા.
કોર્ટમાં ઈસ્લામને ત્રાસવાદના આરોપો માટે વોન્ટેડ બ્રિટિશ નાગરિકો સાથે નોંધપાત્ર સંબંધ ધરાવવા સહિત પ્રતિબદ્ધ જેહાદી ગણાવાયા હતા. પ્રોસીક્યુશન અપહરણ કરાયેલા પત્રકારોની જુબાની મેળવવામાં નિષ્ફળ રહેવાથી ઈસ્લામ, તેના ભાઈ નાજુલ અને ત્રીજી વ્યક્તિ જુબાયેર ચૌધરી સામેનો કેસ પડી ભાંગ્યો હતો.


