થેરેસા મે માટે ચૂંટણીમાં કપરું ચઢાણઃ લેબર પાર્ટીનું રેટિંગ વધ્યું

Monday 05th June 2017 09:54 EDT
 
 

લંડનઃ આઠ જૂને યોજાનારી સામાન્ય ચૂંટણીને ગણતરીના દિવસ બાકી છે ત્યારે ટોરી પાર્ટીના ટેક્સ વિવાદના પગલે લેબર પાર્ટી માટે ટેકો વધી રહ્યો છે. તાજા ઓપિનિયમ પોલ અનુસાર લેબર પાર્ટી પર કન્ઝર્વેટિવ પાર્ટીની સરસાઈ છ પોઈન્ટ ઘટી છે અને થેરેસા મેની અંગત લોકપ્રિયતામાં પણ ઘટાડો થયો છે. ચૂંટણીપ્રચાર શરૂ થયો ત્યારથી લેબર પાર્ટીએ પોલ્સમાં ટોરી સરસાઈને ૧૩ પોઈન્ટ જેટલી ઘટાડી છે. આમ ચઢાણ કપરું હોવાં છતાં, કન્ઝરવેટિવ પાર્ટી નોંધપાત્ર બહુમતી મેળવી શકશે તેમ પોલ્સના તારણો કહે છે. શનિવાર રાતના સર્વેશન પોલ અનુસાર લેબર અને ટોરી પાર્ટી વચ્ચે તંગ પરિસ્થિતિ છે. લેબર પાર્ટીના પાંચ પોઈન્ટ વધીને ૩૯ પોઈન્ટ જ્યારે ટોરી પાર્ટીના છ પોઈન્ટ ઘટીને ૪૦ પોઈન્ટ અને લિબડેમના ૮ પોઈન્ટ યથાવત રહ્યાં હતાં.

ઓપિનિયમ પોલ અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટીના ૪૩ પોઈન્ટ સામે લેબર પાર્ટીએ ૩૯ પોઈન્ટ, લિબ ડેમોક્રેટસના ૬ પોઈન્ટ, Ukipના ૫ પોઈન્ટઅને ગ્રીન પાર્ટીના ૨ પોઈન્ટ છે. બીજી તરફ, ગત દિવસોના પોલ્સમાં જેરેમી કોર્બીન માટેનો સપોર્ટ દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને થેરેસા મેની લોકપ્રિયતા ઘટી છે. બ્રિટિશ નાગરિકો વડા પ્રધાન પ્રત્યે ૩૮ ટકા નેગેટિવ અને ૨૧ ટકા પોઝિટિવ મત ધરાવે છે તેની સામે જેરેમી કોર્બીનની તરફેણમાં ૪૦ ટકા પોઝિટિવ અને ૧૬ ટકા નેગેટિવ મત છે. અગાઉ, ૪૯ ટકાએ થેરેસા મે સારા વડા પ્રધાન બનશે તેવો મત દર્શાવ્યો હતો, જે આજની પળે ઘટીને ૪૨ ટકા થયો છે. બીજી તરફ, કોર્બીનની તરફેણ ૧૪ ટકા હતી તે વધીને ૨૬ ટકા થઈ છે.

ચૂંટણીપ્રચારના આરંભે થેરેસા સાથે સંતોષ અને અસંતોષ દર્શાવનારા અનુક્રમે ૪૪ ટકા અને ૧૬ ટકા હતા. કોર્બીન માટે ૨૦ ટકાને જ સંતોષ હતો પરંતુ હવે થેરેસા અને કોર્બીન સાથે સંતોષ દર્શાવનારા લગભગ સરખા એટલે કે અનુક્રમે ૩૪ ટકા અને ૩૩ ટકા છે. ત્રાસવાદમાં વધારો થઈ રહ્યો છે તેની સાથે આરોગ્ય, બ્રેક્ઝિટ અને અર્થતંત્ર વિશે રાજકીય પક્ષોની નીતિઓ પણ ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ટોરી પાર્ટી માટે ચિંતાનો વિષય એ હોઈ શકે કે ૨૦૧૫માં લેબર પાર્ટીથી વિમુખ થયેલા સમર્થકો હવે તેની તરફ પાછાં વળી રહ્યાં હોવાનું કેટલાક પોલ્સે દર્શાવ્યું છે. જોકે, પોલ્સના તારણો ચિંતાજનક હોવાં છતાં ટોરી પાર્ટીને ૮૦ બેઠકોની સરસાઈ મળશે તેમ થેરેસાના સહાયકો માની રહ્યા છે. અગાઉ, તેનાથી વધુ બેઠક મળવાનો દાવો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter