લંડનઃ ભારતમાં લગ્નપ્રસંગે સગાંસંબંધી અને મહેમાનો દ્વારા લગ્નના ખર્ચમાં થોડીઘણી સહાય મળે તેવા હેતુસર ચાંલ્લો એટલે કે ભેટ તરીકે ચોક્કસ રકમ આપવાનો રિવાજ ચાલતો આવ્યો છે. હવે વિદેશમાં પણ આ રિવાજ શરૂ કરાય તેવી શક્યતા વધી રહી છે. લગ્નનો ખર્ચ પોસાય તેમ ન હોવાથી રોધરહામના વરરાજા બેન ફરીનાએ લગ્ન માટે ‘બિઝનેસ મોડેલ’ જાહેર કર્યું છે, જે મુજબ તેમના લગ્નમાં હાજરી આપનારા દરેક મહેમાન પાસેથી ૧૫૦ પાઉન્ડની ફી લેવામાં આવશે.
લગ્નના ભારે ખર્ચના કારણે ભાવિ પત્ની તેનો લગ્નપ્રસ્તાવ ફગાવી દેશે તેવા ભય સાથે ફરીનાએ આ ઉપાય વિચાર્યો છે. જોકે, ભાવિ વધુ ક્લેર મોરાન પણ આ યોજનાથી ખુશ છે. ૨૦૧૮ના જૂન મહિનામાં થનારા સંભવિત લગ્નનો ખર્ચ ૧૦,૦૦૦ પાઉન્ડ હશે અને તેમાં ૬૦ મહેમાનો માટે ડર્બીશાયરની સ્પા હોટેલમાં ભોજન અને ડ્રિન્ક્સ સાથે ત્રણ રાત્રિના રોકાણનો ખર્ચ પણ સામેલ છે. એક રીતે તો મહેમાનો માટે આ લગ્ન હોલિડે જેવું જ બની રહેશે તેવી દલીલ ફરીનાએ કરી છે.
અત્યારની યોજના મુજબ તો મહેમાનદીઠ ૧૫૦ પાઉન્ડનો સહયોગ ૬૦ મહેમાન દ્વારા અપાશે તેમજ યુગલના પેરન્ટ્સ લગ્નમાં હાજર રહેનારા ૨૦ બાળકો માટે દરેકના ૨૦ પાઉન્ડના હિસાબે સહયોગ આપશે. વરરાજાની માતા હોગ રોસ્ટની મિજબાની આપશે. દંપતી પણ ખોરાક અને ડ્રિન્ક્સ તથા પોતાના વસ્ત્રો માટે વધારાના ૨,૦૦૦ પાઉન્ડનો ખર્ચ ઉઠાવશે.


