લંડનઃ એમ કહેવાય છે કે ‘ધરતીનો છેડો ઘર’ પરંતુ, ઈંગ્લેન્ડમાં ઘરવિહોણાની સંખ્યા વધીને ૨૮૦,૦૦૦ થઈ છે જે ૨૦૧૬ પછી નવ ટકા અથવા ૨૩,૦૦૦નો વધારો સૂચવે છે. આ સંખ્યા વધુ હોઈ શકે છે. કારણકે ઘરવિહોણા લોકોની નિયમિત ગણતરી કરાતી નથી. નવા અભ્યાસ અનુસાર દર ૨૦૦ બ્રિટિશરમાં ૧ વ્યક્તિ ઘરવિહોણી છે. બ્રિટિશ રાજધાની લંડનમાં સ્થિતિ સૌથી ખરાબ છે કારણકે રાજધાનીમાં દર ૫૨ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ઘર વિનાની છે.
ચેરિટી સંસ્થા ‘શેલ્ટર’ દ્વારા ગમે ત્યાં સૂઈ રહેતાં લોકો તેમજ હંગામી રહેઠાણો અને સામાજિક સેવાઓના સત્તાવાર રેકોર્ડઝના વિશ્લેષણ પછી જમાવાયું છે કે દર ૨૦૦માંથી એક વ્યક્તિ પાસે ઘર નથી. ‘This Is England: A Picture Of Homelessness In 2019’ રિપોર્ટ જણાવે છે કે વારંવાર સુવાનું સ્થાન બદલાતું રહેવાથી આંકડો ઘણો વધુ હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર ઘરવિહોણી સ્થિતિના પ્રાદેશિક વિશ્લેષણમાં લંડનની સ્થિતિ સૌથી ખરાબ ગણાવી છે જ્યાં, ૫૨ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ઘર વિનાની છે. બરો ઓફ ન્યૂહામમાં ૨૪માંથી એક વ્યક્તિ ઘરવિહોણી છે જ્યારે હેરિન્જે અને કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સી બરોમાં ૨૯માંથી એક વ્યક્તિ પાસે ઘર નથી. રાજધાનીની બહાર લૂટન (૪૬માંથી ૧), બર્મિંગહામ (૬૬માંથી ૧) તેમજ બ્રાઈટન એન્ડ હોવ (૭૫માંથી ૧)માં સ્થિતિ સારી નથી.
એક જ કિસ્સો જોઈએ તો નોર્થ-વેસ્ટ લંડનમાં બ્રેન્ટની સારાહ માર્ટિને તેના ૧૪ વર્ષના પુત્ર ઈશ્માએલ સાથે ખરાબ હાલત અને વાંદાથી ભરપૂર હંગામી રહેઠાણમાં એક વર્ષ ગાળ્યું છે. સારાહની માતાનું અવસાન થયા પછી તેમને ઘરમાંથી હાંકી કઢાયાં ત્યારથી તેઓ ઘરવિહોણા છે. હંગામી રહેઠાણમાં નાના પરિવારે અન્ય ભાડૂતો સાથે બાથરુમ અને કિચનનો વપરાશ કરવાની ફરજ પડે છે.
ચેરિટી સંસ્થાએ સોશિયલ હોમ્સની તીવ્ર અછત બાબતે તાકીદે પગલાં લેવા સરકારને ચેતવણી છે. હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ મિનિસ્ટ્રીના પ્રવક્તાએ આ મુદ્દે જણાવ્યું છે કે તમામ પ્રકારની ઘરવિહોણી સ્થિતિનો સામનો કરવા તેઓ કાઉન્સિલોને ૧.૨ બિલિયન પાઉન્ડની ફાળવણી કરી રહ્યા છે, જેથી હંગામી રહેઠાણોમાં લોકોની સંખ્યા ઘટાડી શકાય.


