લંડનઃ દેશમાં ગત ૧૨ મહિનામાં દેશનિકાલ થવા જોઈએ તેવાં ૨,૫૫૨ વિદેશી અપરાધી જેલમુક્ત થઈ શેરીઓમાં ફરતા થઈ ગયા છે. આવા ૯,૯૮૭ વિદેશી અપરાધીઓની વિક્રમી સંખ્યા હાલ કોમ્યુનિટીમાં ભળેલા છે. ૨૦૧૨માં વિદેશી અપરાધીઓની સંખ્યા ૪,૦૦૦થી ઓછી હતી જેમાં, ૧૫૦ ટકાનો વિક્રમી વધારો થયો છે.
હોમ ઓફિસના આંકડા અનુસાર દરરોજ સાત વિદેશી અપરાધી બ્રિટિશ જેલોમાંથી મુક્ત થઈ દેશનિકાલ કરાવાના બદલે શેરીઓમાં મોકળા મને ફરી રહ્યા છે. ગત ૧૨ મહિનામાં જેલની સજા પૂર્ણ થયા પછી ૨,૫૫૨ વિદેશી અપરાધીને કોમ્યુનિટીમાં છૂટા મૂકી દેવાયા છે. હાલ ૯,૯૮૭ વિદેશી અપરાધી કોમ્યુનિટીમાં જ રહે છે. આમાંથી, ૨,૬૦૦થી વધુ ક્રિમિનલ્સ પાંચ વર્ષ તેમજ ૩,૪૦૦થી વધુ અપરાધી ૧૨ મહિના કે તેથી વધુ સમયથી શેરીઓમાં ફરે છે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ હત્યારાઓ, બળાત્કારીઓ અને બાળ યોનશોષણખોરો સહિત ૩૦થી વધુ જમૈકન ક્રિમિનલ્સને ચાર્ટર્ડ ફ્લાઈટ્સમાં દેશપાર કરવાની લડાઈનો સામનો કરી રહ્યા છે. હોમ સેક્રેટરી પટેલે નવા વર્ષમાં આ સંબંધે કાયદામાં ફેરફાર સાથે દેશનિકાલની પ્રક્રિયામાં ધરમૂળ ફેરફાર સાથે તેને ઝડપી બનાવવાની ખાતરી આપી છે. બીજી તરફ, સુપર મોડેલ નાઓમી કેમ્પબેલ અને બોન્ડ ફિલ્મ અભિનેત્રી નાઓમી હેરિસ સહિત ૮૦થી વધુ અશ્વેત બ્રિટિશ એક્ટર્સ, સેલેબ્રિટીઝ અને બિઝનેસ અગ્રણીઓએ આમાં ભાગ નહિ લેવા એરલાઈન્સને પત્ર પાઠવ્યો છે.
કેટલાક ક્રિમિનલ્સના વકીલોએ છેલ્લી ઘડીએ દેશનિકાલ વિરુદ્ધ કાનૂની પડકારો દાખલ કર્યા છે અને વધુ લોકો માટે આવી અપીલો કરાશે તેવી હોમ ઓફિસની ધારણા છે. વર્તમાન નિયમો અનુસાર વિદેશી અપરાધીઓને ૧૨ મહિનાથી વધુ મુદતની જેલની સજા થઈ હોય તેમની સજા પૂર્ણ થયે આપમેળે ડિપોર્ટેશનને પાત્ર બને છે. જો તત્કાળ દેશનિકાલ કરી શકાય તેવી વાસ્તવિક સ્થિતિ હોય તો જ ઈમિગ્રેશન અટકાયતમાં રાખી શકાય તેવા કાયદાઓ હેઠળ સેંકડો અપરાધીઓ જામીન મેળવવામાં સફળ થયા છે. કોવિડ નિયંત્રણોના કારણે પણ વિદેશી અપરાધીઓની સંખ્યા શેરીઓમાં વધી છે અને એપ્રિલ-જૂનના ગાળામાં ૮૪૬ અપરાધીને મુક્ત કરાયા હતા.