દરેક મુલાકાત પૂર્ણ થવા માટે નથી હોતી, કેટલીક મુલાકાતો આગળની મુલાકાતની રાહ જોવા માટે હોય છે

(નવા નયને)

- ભારતી પંકજ Wednesday 26th August 2026 06:18 EDT
 
 

Zoom પર કાર્યક્રમ પૂરો થાય છે, એક ક્લિક સાથે બધા ચહેરા અદ્રશ્ય થઈ જાય છે. સ્ક્રીન પર એક નાનકડું વાક્ય ઝબકે છે - Meeting Ended. એક ક્લિક સાથે બધા ચહેરા અદ્રશ્ય થઈ જાય છે. પરંતુ મનમાં વાતો હજી ચાલતી રહે છે. કોઈનું સ્મિત, કોઈના પ્રશ્નો, કોઈનો આભાર હૃદયમાં ગુંજે છે, ત્યારે સમજાય છે કે દરેક મુલાકાતનો અંત સ્ક્રીન નક્કી કરતું નથી.
 થોડા દિવસ પહેલા બગીચામાં એક વૃદ્ધ દંપતીને જોયું. સાંજ ઢળી હતી, પક્ષીઓ પોતાના માળા તરફ ફરી રહ્યાં હતાં. પત્નીએ ધીમેથી કહ્યું, ‘ચાલો હવે ઘરે જઈએ’. પતિએ હળવા સ્વરે જવાબ આપ્યો, ‘હજુ એક મિનિટ’.
એ ‘એક મિનિટ’ ઘડિયાળની નહોતી; એ આખા જીવનની હતી. તેમાં સાથે વીતાવેલી ઋતુઓ હતી. બોલાયેલા અને ન બોલાયેલા શબ્દો હતા. કેટલીક ક્ષણો સમયથી મપાતી નથી; તે સંબંધના ઊંડાણથી મપાય છે.
જીવનમાં ઘણી મુલાકાતો, જે પૂરી થઈ ગઈ હોય એવું દેખાય છે, પરંતુ તે આપણાં અંતરમાં આગળ જીવતી રહે છે. તેથી કેટલી વ્યક્તિઓ વિદાય લઈને પણ ક્યારેય દૂર જતાં નથી.
જીવનમાં પાછળ વળીને જોઈએ ત્યારે સમજાય છે કે આપણે કેટલાક ‘છેલ્લા દિવસો’ જીવી ચૂક્યા છીએ. પણ એમાંથી કોઈ દિવસ સાચો અંત બન્યો નથી. દરેક અંતે કોઇ નવી શરૂઆતનો હાથ પકડાવ્યો છે.
બાળપણની શાળાની છેલ્લી ઘંટી વાગે છે, એક ક્લાસરૂમ, શિક્ષક અને મિત્રોની દુનિયા પાછળ રહી જાય છે. એ સમયે કદાચ બાળકને લાગે કે કૈંક પૂરું થઈ ગયું. પરંતુ વર્ષો પછી સમજાય છે કે એ જ ઘંટડી આપણને જીવનના નવા પાઠ તરફ લઈ જતી હતી.
કોલેજનો છેલ્લો દિવસ પણ એવો જ હોય છે. હાથમાં ડિગ્રી હોય છે અને આખોમાં ભવિષ્યના સપનાં. મિત્રો સાથેના ‘સંપર્કમાં રહીશું’ જેવા વચનો સમય સાથે ધીમા પડી જાય, છતાં કોઇ જૂની તસવીર, કોઈ ગીત કે અચાનક મળેલો કોઇ સંદેશ એ દિવસોને ફરી જીવંત કરી દે છે. સમય આગળ વધી જાય છે, પરંતુ કેટલીક મુલાકાતો સમયની સીમામાં બંધાતી નથી.
લગ્નની વિદાય પણ અંત નથી. એક દીકરી બે પરિવારો વચ્ચે પ્રેમનો પુલ બની જાય છે. સંતાન ઘર છોડે ત્યારે ઓરડો શાંત લાગે, પરંતુ ઘરની દીવાલોમાં વર્ષોની લાગણી અને આશીર્વાદ જીવંત રહે છે.
આપણાં ભારતીય સ્વભાવમાં તો વિદાય પણ કેટલી મીઠી હોય છે! કોઈ મહેમાન કહે, ‘ચાલો હવે ઊઠીએ...’, ત્યારે અનુભવી યજમાન જાણે છે કે હજુ થોડો સમય માટે વાતો બાકી છે.
આજના સમયમાં તો WhatsAppની ‘Good Night’, પણ ઘણીવાર સાચી વિદાય નથી હોતી. શુભ રાત્રિ લખ્યા પછી પણ નવા સંદેશા આવી જાય, જૂની વાત આગળ વધે અને સંવાદ ફરી શરૂ થઈ જાય. કદાચ સંબંધોની સુંદરતા જ એ છે કે તેમાં પૂર્ણવિરામ ઓછા અને અલ્પવિરામ વધુ હોય છે. જીવન શીખવે છે કે દરેક છોડવું એ ગુમાવવું નથી. કેટલીક વિદાય આપણને વધુ ઊંડાણ તરફ લઈ જાય છે. કેટલીક અધૂરી વાતો આપણને ફરી મળવાની આશા આપે છે. જીવનની ઘણી ક્ષણો એવી હોય છે જ્યાં બહારથી લાગે છે કે કોઇ સંબંધ, કોઇ સંવાદ કે કોઇ યાત્રા પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ ભારતીય દર્શન આપણને શીખવે છે કે પૂર્ણતા અને અંત એક જ નથી.
ભગવત ગીતાનો પ્રસંગ યાદ આવે છે.
કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ શરૂ થયો. એ સંવાદ માત્ર યુદ્ધ માટેનું માર્ગદર્શન નહોતું, તે જીવનને સમજવાનો પ્રકાશ હતો. ગીતા પૂર્ણ થઈ. શ્રીકૃષ્ણે બોલવાનું બંધ કર્યું. અર્જુનનો પ્રશ્ન પૂર્ણ થયો.
પરંતુ શું ખરેખર એ મુલાકાત પૂરી થઈ?
ના, એ સંવાદ ત્યારથી દરેક મનુષ્યના જીવનમાં ચાલતો રહ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કર્તવ્ય અને લાગણી વચ્ચે મૂંઝાય છે, ત્યારે ગીતા ફરી બોલે છે. જ્યારે જીવનમાં નિર્ણય લેવાનો સમય આવે છે ત્યારે શ્રીકૃષ્ણના શબ્દો માર્ગદર્શન આપે છે.
કેટલાક સંવાદો એવા હોય છે કે તેઓ બોલનાર વ્યક્તિની હાજરીથી આગળ વધી જાય છે. આ જ વાત સાહિત્યમાં પણ જોવા મળે છે. કોઇ સુંદર નવલકથા પૂરી થાય છે, છેલ્લું પાનું બંધ થાય છે. પુસ્તક કબાટમાં મુકી દેવામાં આવે છે, પરંતુ શું વાર્તા પૂરી થઇ જાય છે?
ના, તેના પાત્રો આપણાં મનમાં જીવતા રહે છે. તેમની લાગણીઓ આપણને પોતાના જીવન સાથે જોડે છે. એક સારો ગ્રંથ પૂરો થતો નથી, તે વાંચકના અંતરમાં નવી યાત્રા શરૂ કરે છે. એટલે જ કહેવાય છે કે પુસ્તકનું છેલ્લું પાનું કથાનો અંત નથી; તે વાચકના મનમાં શરૂ થતી બીજી કથાનું પ્રથમ પાનું છે.
માનવ સંબંધો પણ એવા જ છે. કોઈ પ્રિય વ્યક્તિ રોજ વાત ન કરે તો પણ તેની અસર આપણાં જીવનમાં રહે છે. કોઇ ગુરુનું વાકય પણ વર્ષો પછી પણ માર્ગદર્શન આપે છે. માતાપિતાના આશીર્વાદ જીવનભર છત્ર બની રહે છે.
કદાચ આ જ અધૂરી મુલાકાતોનું સૌંદર્ય છે. અધૂરાપણું હંમેશા ખાલીપો નથી હોતો, ઘણીવાર અધૂરાપણું જ સ્મૃતિને જીવંત રાખે છે, અને ફરી મળવાની આશાને જન્મ આપે છે.
જીવનમાં પૂર્ણવિરામ કરતાં અલ્પવિરામ વધુ હોય છે. એક અધ્યાય પૂરો થાય, પરંતુ પુસ્તક આગળ વધતું રહે છે.
સમય આપણને વિદાય શીખવે છે, પરંતુ જીવન ધીમે ધીમે સમજાવે છે કે દરેક વિદાયમાં એક અદ્રશ્ય મુલાકાત છુપાયેલી હોય છે. Zoom સ્ક્રીન પર પુરો થયેલો એપિસોડ, બગીચામાં વૃદ્ધ દંપતીની ‘હજુ એક મિનિટ’, શાળાની છેલ્લી ઘંટડી, દીકરીની વિદાય, સંતાનોનો ખાલી પડેલો ઓરડો, પુસ્તકનું છેલ્લું પાનું અને કુરુક્ષેત્રમાં પૂર્ણ થયેલો ગીતા સંવાદ - આ બધું જાણે જીવન એક જ વાત વારંવાર જુદી રીતે કહે છે...
સાચા સંબંધો સમયથી પૂરા થતાં નથી; તેઓ સ્મૃતિ, સંસ્કાર અને અનુભવામાં જીવતા રહે છે.
એટલે છેલ્લે ફરીવાર એ જ વાક્ય:
‘દરેક મુલાકાત પૂર્ણ થવા માટે નથી હોતી; કેટલીક મુલાકાતો આગળની મુલાકાતની રાહ જન્માવવા માટે હોય છે. અને એ જ જીવનનું સૌંદર્ય છે, જેમાં અંતમાંથી એક નવી શરૂઆત જન્મે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter