દાદાભાઈ નવરોજીની 200મી જન્મજયંતીએ હાઉસ ઓફ લોર્ડ્સમાં વીરાસતનું સન્માન

Wednesday 17th December 2025 05:01 EST
 
 

લંડનઃ ભારતીય રાષ્ટ્રવાદના ભીષ્મપિતામહ અને બ્રિટિશ પાર્લામેન્ટમાં બેઠક મેળવનારા સૌપ્રથમ ભારતીય દાદાભાઈ નવરોજીની 200મી જન્મજયંતી નિમિત્તે તાજેતરમાં પાર્લામેન્ટેરિયન્સ, ડિપ્લોમેટ્સ અને કોમ્યુનિટી અગ્રણીઓએ હાઉસ ઓફ લોર્ડ્સમાં એકત્ર થઈને દાદાભાઈની વીરાસતને સન્માની હતી. ‘ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખાવાયેલા દાદાભાઈનું જીવન કોઈ રીતે વર્ગીકૃત થઈ શકે તેમ નથી. તેઓ ઝોરોસ્ટ્રિ્યન પાદરી, બિઝનેસમેન, વિદ્વાન અને પ્રણેતા રાજકારણી હતા. તેઓ બ્રિટિશ જાહેર જીવનમાં પોતાનું અભૂતપૂર્વ સ્થાન હાંસલ કરે તે પહેલા 1855માં બિઝનેસ માટે ઈંગ્લેન્ડ આવ્યા હતા. આ સ્મરણીય રિસેપ્શનનું યજમાનપદ લોર્ડ કરણ બિલિમોરિયાએ સંભાળ્યું હતું. દસ્તુરજી એરવાદ યઝાદ ટી ભાદાની રાહબરી હેઠળ દાદાભાઈ નવરોજીનું આહ્વાન કરતી વિશેષ ઝોરોસ્ટ્રિયન પ્રાર્થના સાથે સાંજનો આરંભ કરાયો હતો.

આ પછી લોર્ડ બિલિમોરિયાએ પોતાની યાત્રા પર નવરોજીના પ્રભાવ વિશે અંગત વર્ણન કરવા સાથે નવરોજી સાથે પોતાની કેટલીક સામ્યતા પણ દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ઘણી રીતે હું પણ દાદાભાઈ નવરોજીના નક્શેકદમ પર ચાલ્યો છું. તેઓ બિઝનેસમેન હતા જેઓ યુકેમાં શરૂઆતમાં બિઝનેસ કરવા આવ્યા હતા. તેઓ શિક્ષણશાસ્ત્રી હતા અને એલ્ફિન્સ્ટન કોલેજમાં પહેલા પ્રોફેસર હતા અને તેમના સમગ્રતયા જીવન પર આ વિદ્વતાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેમ મારા માટે થયું છે. અને ચોક્કસપણે તેઓ રાજકારણી હતા, જેઓ આ પાર્લામેન્ટમાં ચૂંટાયેલા સર્વપ્રથમ ભારતીય, પ્રથમ વંશીય લઘુમતી સભ્ય હતા. મને પણ તેમના પગલે ચાલ્યાનું ગૌરવ છે.

તેમણે હાઉસ ઓફ લોર્ડ્સ પોતાના પ્રથમ સંબોધનને પણ ટાંક્યું હતું જેમાં તેમણે બ્રિટિશ પોલિટિક્સમાં તેમના સમુદાયની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે,‘મને મારી નાની કોમ્યુનિટીની સિદ્ધિઓનું ગૌરવ છે, માત્ર ભારતમાં નહિ પરંતુ બ્રિટનમાં પણ પ્રથમ ત્રણ એશિયન સાંસદ આપ્યા છે. સૌપ્રથમ દાદાભાઈ નવરોજી 1892માં લિબરલ સાંસદ, બીજા કન્ઝર્વેટિવ સાંસદ સર મંચેરજી ભાવનગરી અને ત્રીજા કોમ્યુનિસ્ટ અને લેબર પાર્ટીના સાંસદ કોમરેડ શાપુરજી સકલાતવાલા’ તેમણે કહ્યું હતું કે ક્રોસબેન્ચર તરીકે હાઉસ ઓફ લોર્ડ્સમાં તેમની નિયુક્તિ સાથે આ વર્તુળ પુરું થયું હતું.

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, પૂર્વ યુકે કેબિનેટ મિનિસ્ટર સર વિન્સ કેબલ, લોર્ડ નવનીત ધોળકિયા, બેરોનેસ ઉષા પ્રાશર અને માલ્કમ ડેબૂએ પણ સંબોધનો કર્યા હતા. દાદાભાઈ નવરોજીની ઉલ્લેખનીય જીવનયાત્રા, કારકિર્દીને દર્શાવતા પ્રદર્શને પણ તેમના વિચારો, સંઘર્ષો અને સિદ્ધિઓ બે સદી પછી પણ કેટલી સુસંગત છે તેની મહેમાનોને યાદ અપાવી હતી. ‘નવરોજી, ધ ફર્સ્ટ એશિયન MP: બાયોગ્રાફી ઓફ દાદાભાઈ નવરોજી, ઈન્ડિયાઝ પેટ્રિઅટ એન્ડ બ્રિટન્સ MP’ના યુકેસ્થિત લેખક ઓમર રાલ્ફે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ ઈવેન્ટમાં 1825 અને દ્વિતીય વિશ્વ યુદ્ધ વચ્ચેના ગાળામાં ભારત અને બ્રિટનના ઈતિહાસમાં દાદાભાઈ નવરોજી, સર મંચેરજી ભાવનગરી, શાપુરજી સકલાતવાલા અને લોર્ડ સિંહાએ ભજવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાથર્યો હતો.

લોર્ડ બિલિમોરિયાએ દાદાભાઈ નવરોજીની શાશ્વત વીરાસત અને આ પ્રસંગના મહત્ત્વને ટાંકી આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે માનવંતા મહેમાનો, વક્તાઓ અને આયોજકો પ્રત્યે આભાર વ્યક્ત કરવા સાથે પારસી સમુદાયના યોગદાન તેમજ ભારત અને યુકે વચ્ચે સેતુનિર્માણમાં તેમની ભૂમિકાને હૃદયાંજલિ અર્પી હતી. આ સાથે સાંજનું સમાપન થયું હતું.

ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ દાદાભાઈ નવરોજીની ટકાઉ વીરાસતને યાદ કરવા સાથે પારસી સમુદાય દ્વારા ભારત અને બ્રિટનને અપાયેલા યોગદાનનું મહત્ત્વ દર્શાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,‘પારસીઓ અનેક વિશિષ્ટતા ધરાવે છે જેમાં આઝાદી પહેલા ભારતના બીજા હાઈ કમિશનર દાદીબા મેરવાનજી દલાલને જન્મ આપવાનો સમાવેશ થાય છે જેમણે બે કે ત્રણ વર્ષ સુધી આ સ્થાન સંભાળ્યું હતું અને તેમના અનુગામી સર અતુલ ચેટરજી સાથે મળીને પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો જે આજે ઈન્ડિયા હાઉસ છે. ઈતિહાસનો આ ટુકડો યુકેમાં ભારત સરકારની સત્તાવાર ઉપસ્થિતિ સાથે પારસી સમુદાયને સાંકળે છે. ઝોરોસ્ટ્રિયન કોમ્યુનિટીની બીજી વિશિષ્ટતા એ છે કે તેઓ દરેક અર્થમાં પૃથ્વીનું સત્વ-નમક છે. તમે કશામાં પણ નમકને ઉમેરી શકો છો. આવું જ પારસી સમુદાયનું છે. તેઓ જ્યાં ગયાં ત્યાં થોડા છે પરંતુ, મીઠાંની જેમ તેઓ મૂલ્યમાં ઉમેરો કરે છે. વાસ્તવમાં નમક વિના કશું જ સારું બનતું નથી. આપણે પારસી કોમ્યુનિટી વિના કશું પણ કરીએ તેપરિપૂર્ણ હોતું નથી.’

-

પૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ સર વિન્સ કેબલે દાદાભાઈ નવરોજીની 1885માં નજીવી હારથી રાજકીય ક્ષેત્રે લાગેલા આઘાત અને પાર્લામેન્ટમાં પ્રવેશવાનાતેમના દૃઢાગ્રહને યાદ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે, ‘કન્ઝર્વેટિવ પાર્ટીના તત્કાલીન નેતા લોર્ડ સેલિસબરી અપ્રિય વિક્ટોરિયન ઈમ્પિરિયાલિસ્ટ હતા જેમણે નિર્લજ્જ ટિપ્પણી કરી હતી કે આપણે ઈંગ્લેન્ડમાં એટલી હદ સુધી પહોંચ્યા નથી કે જ્યાં કોઈ મતક્ષેત્ર અશ્વેત માનવીને ચૂંટવા ઈચ્છુક હોય. આ ટીપ્પણીથી ભારે રોષ જાગ્યો હતો અને 1892ના ઈલેક્શનમાં ફરી ઉમેદવારી કરનારા દાદાભાઈને આરામથી વિજયની વરમાળા પહેરાવી હતી.’ તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે નવરોજી આઈરિશ રાષ્ટ્રવાદ, સ્ત્રી મતાધિકાર અને કામદારોના અધિકારોની હિમાયત સાથે તત્કાલીન લિબરલ પાર્ટી કરતાં પણ વધુ પ્રગતિશીલ અને ઉદ્દામવાદી હતા. તેમણે નવરોજીની ‘ડ્રેઈન થિયરી’ તરફ ખાસ ધ્યાન ખેંચ્યું હતું જેમાં દલીલ કરાઈ હતી કે બ્રિટિશ શાસને ભારત પર ભારે આર્થિક કિંમત લાદી હતી. નવરોજીએ ત્યારે વાર્ષિક 200થી 300 મિલિયન પાઉન્ડના નુકસાનની ગણતરી માંડી હતી.

લોર્ડ નવનીત ધોળકિયાએ સંબોધનમાં જણાવ્યું હતું કે,‘દાદાભાઈ નવરોજી વિશે સૌથી રસપ્રદ બાબતોમાં એક એ છે કે તેઓ પોલિટિક્સના અલગ ક્ષેત્રોને એકસાથે લાવી શક્યા હતા. સૌપહેલા તો ભારત સંબંધે તેમના જ્ઞાન થકી તેઓ બ્રિટિશ રાજકારણમાં ભારત વિશે ઊંડી સમજણને લાવી શક્યા હતા. પરંતુ હું આનાથી વિશેષ કહેવા ઈચ્છું છું. આજના બધા વક્તાઓમાં હું ગુજરાતીઓમાં એક છું. પારસી કોમ્યુનિટીએ ઈરાન છોડ્યા પછી સૌપ્રથમ ગુજરાતમાં પગ મૂક્યો હતો અને તેમને જ્યારે પૂછાયું કે તેઓ શું યોગદાન આપશે અને તેઓ કોઈ સમસ્યા ઉભી કરશે કે કેમ, ત્યારે તેમનો પ્રતિભાવ તદ્દન સ્પષ્ટ હતો કે તેઓ કોઈ પણ મુશ્કેલી કે સમસ્યાઓ ઉભી કર્યા વિના શક્ય તેમ સરળ અને સંવાદીપણે ભળી જશે.’ તેમણે ‘ડ્રેઈન થિયરી’નો ઉલ્લેખ કરી જાતિ-રેસ વિશે હજુ પણ ચર્ચા ચાલતી હોવાની ચિંતા દર્શાવતા કહ્યું હતું કે,‘આ દેશમાં ભારતીય કોમ્યુનિટીનું યોગદાન અને આ દેશમાં પારસી કોમ્યુનિટીના યોગદાન-તેમણે કેવી રીતે પ્રગતિ સાધી, તેમણે કેવી રીતે પ્રદાન કર્યું અને તેઓ કેવી રીતે યોગદાન આપી રહ્યા છે તેને કદી ભૂલશો નહિ. આ ખુદ બ્રિટન માટે જમાપાસુ છે. આપણે તેનો સ્વીકાર કરવો જોઈેઅને તેમના યોગદાન બદલ આભાર માનવો જોઈએ.’

બેરોનેસ ઉષા પ્રાશરે આપણે દાદાભાઈ નવરોજીના જીવનમાંથી શું બોધપાઠ લઈ શકીએ તેના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘આપણે તેમના કાર્યો, તેમના અભિગમ અને તેમના જીવનમાંથી બોધપાઠ શીખી શકીએ, પ્રેરણા મેળવી શકીએ છીએ. આપણો સમય અલગ છે, પરંતુ લોકશાહી જોખમમાં છે. પોપ્યુલિઝમ વધ્યું છે, સોશિયલ મીડિયા ગેરમાહિતી અને ફેક ન્યૂઝ ફેલાવે છે અને લોકો જટિલ સમસ્યાઓના સરળ ઉપાયો તરફ નજર દોડાવે છે. ઉપરછલ્લાં અવાજો અને ઈકો ચેમ્બર્સ અર્થસભર ચર્ચાઓને દબાવી દે છે અને અસંમત થવાની આપણી ક્ષમતા પણ નીચે જઈ રહી છે. આ પરિપ્રે ક્ષ્યમાં તેમનું જીવન અને કાર્યો મારા માટે એનાલિસિસ અને સ્કોલરશિપ્સ, સારી રીતે વિચારેલી, સુનિયોજિત સ્ટ્રેટેજીસ, પ્રગતિવાદી ગઠબંધનો, નિર્ધાર અને પોલાદી નિર્ણાયકતાનું મહત્ત્વ દર્શાવે છે.’

ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE)ના પ્રેસિડેન્ટ મલ્કમ એમ ડેબૂએ જણાવ્યું હતું કે મારા મતાનુસાર સૌથી મહત્ત્વની એક વાત એ છે કે દાદાભાઈ નવરોજી ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપના સ્થાપક ટ્રસ્ટી હતા. તેમના અને અન્ય 15 સ્થાપક સભ્યોના કારણે આજે યુનાઈટેડ કિંગ્ડમમાં ZTFE સૌથી જુનું ધર્મ આધારિત ભારતીય સ્વેચ્છિક સંગઠન રહ્યું છે. દાદાભાઈ નવરોજી અને તેમના જેવા અન્ય ઘણા લોકોના અને સંસ્થાનવાદી વીરાસતના લીધે પણ આજે આપણે અહીં છીએ. આપણે રહીએ છીએ તે દેશની સેવા કરતા રહ્યા છીએ, માત્ર અમે પારસીઓ નહિ, પરંતુ સમગ્રતયા ભારતીય સમુદાય પણ.... પરંતુ, બ્રિટને પણ અમને ઘણું આપ્યું છે અને તેથી જ ઘણી ખામીઓ છતાં,અમે અહી રહીએ છીએ. જો ભારતે પારસી સમુદાયને આશ્રય આપ્યો તેનો આભાર ન માનું તો હું નગુણો કહેવાઈશ. જો ભારત અને ખાસ કરીને ગુજરાતી કોમ્યુનિટી ન હોત તો આજે અમે અહીં જીવંત કોમ્યુનિટી તરીકે ન હોત.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter