क्षणशः कणशश्चैव विद्यामर्थं च साधयेत् ।
क्षणे नष्टे कुतो विद्या कणे नष्टे कुतो धनम् ॥
ક્ષણ ક્ષણનો સદુપયોગ કરીને જ્ઞાન-વિદ્યા પ્રાપ્ત કરી શકાય છે અને ધીમે ધીમે પૈસા બચાવીને સંપત્તિ એકત્ર કરી શકાય છે. જો ક્ષણને વેડફી દઈએ તો જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે નહિ અને જો નાની રકમ પણ ગુમાવી દેવાય તો સંપત્તિ એકત્ર કરી શકાય નહિ. આપણી પાસે એક પણ ક્ષણ ગુમાવ્યા વિના વિદ્યા પ્રાપ્તિ અને ધનસંચય કરવો જોઈએ. એક ક્ષણ ગુમાવીશું તો વિદ્યાસંચય અને સંપત્તિ એકત્ર કરી શકાશે નહિ.
"Knowledge is gained moment by moment and wealth is gathered bit by bit.
If a moment is wasted, knowledge cannot grow; if even a small amount is lost, wealth cannot accumulate."
આપણા સાપ્તાહિકમાં નોંધપાત્ર યોગદાન આપનારા વ્યક્તિત્વોમાં એક દિવંગત સુધાબહેન રસિકભાઈ ભટ્ટને આપણે ઘણા દુઃખ અને સ્નેહ સાથે યાદ કરીએ છીએ, જેમણે બરાબર એક વર્ષ અગાઉ ચિરવિદાય લીધી હતી. કેન્યાથી 2013માં યુકે સ્થળાંતર કર્યાં પછી તેઓ નિયમિતપણે તંત્રીશ્રીને ગુજરાતી અને ઈંગ્લિશ, એમ બંને ભાષામાં પત્રો લખતાં રહ્યાં હતા. તેમણે પ્રેમપૂર્વક એક સ્મરણપુસ્તિકા બનાવી હતી જેમાં તેઓ તેમના તમામ પ્રકાશિત પત્રોના કટિંગ્સ લગાવતાં હતાં, આવાં આશરે 90 પત્ર હતા!
દુર્ભાગ્યવશ, 2020 પછી તેમનું લખવાનું અને વાંચવાનું ધીમે ધીમે ઓછું થતું ગયું અને તેમની સ્મરણપુસ્તિકાની જગ્યા પણ ખાલી રહેતી ગઈ. તેમને 2022માં વાસ્ક્યુલર ડિમેન્શીઆનું નિદાન કરાયું હતું. પરિવારજનોથી વીંટળાયેલાં રહી સુધાબહેને 16 નવેમ્બર 2024ના રોજ અંતિમ શ્વાસ લીધાં હતાં. તેઓ પોતાની અનોખી રમૂજ સાથે જીવનનાં અંત સુધી પણ દરેકના ચહેરાં પર હાસ્ય લાવતાં રહ્યાં. તેમનાં મહાન જીવનને શ્રદ્ધાંજલિરૂપે તેમના પુત્ર જૈમીન ભટ્ટને અલ્ઝાઈમર સ્કોટલેન્ડના એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ ગ્લાસગોમાં કન્સલ્ટન્ટ યુરોલોજિકલ રોબોટિક સર્જ્યન છે.
સુધાબહેનનો જન્મ 16 ડિસેમ્બર 1939માં ઝાંઝીબારમાં થયો હતો. તેઓ સમાનતા, સમાવેશિતા અને વૈવિધ્યતાને આત્મસાત કરવાં સાથે સત્ય અને ન્યાય સામે અડીખમ ઉભાં રહેનારાં તરીકે મોટાં થયા. તેમના શ્રેષ્ઠ મિત્રો તમામ વંશીય પશ્ચાદભૂ અને ધર્મ સાથેના હતા. તેઓ સમર્પિત હિન્દુ હતા જેમણે અસંખ્ય લોકોને મદદ કરી હતી. 1964માં કેન્યા ખાતે સ્થળાંતર કરી ગયાં પછી તેમણે 1966માં રસિકલાલ ભટ્ટ સાથે લગ્ન કર્યાં હતા. નાઈરોબી, કેન્યા તેમની ‘કર્મભૂમિ’ બની રહી, જ્યાં તેમણે સાસુ-સસરાની કાળજી લેવાની સાથોસાથ ત્રણ સંતાનોને પણ ઉછેર્યાં. તેઓ હંમેશાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા તૈયાર રહેતા હતાં અને ઈવેન્ટ્સના આયોજનો દ્વારા કોમ્યુનિટી માટે ભંડોળ એકત્ર કરતાં રહ્યાં. તેઓ કોમ્યુનિટીના હૃદય અને આત્મારૂપ બની રહ્યાં. સુધાબહેન ડિમેન્શીઆનો શિકાર બન્યાં તેના થોડા સમય પહેલા જ તેમણે પરિવાર સમક્ષ તેમની અંતિમયાત્રા માટે તેમના વહાલા વતન નાઈરોબી લઈ જવાની વિનંતી કરી તે જરા પણ આશ્ચર્યની વાત ન હતી.
તેમના પવિત્ર આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરીએ છીએ.
ઓમ શાંતિઃ


