લંડનઃ બ્રિટનના નૌકાદળ રોયલ મરીનના ૪૯ વર્ષીય રિટાયર્ડ જવાન લી ‘ફ્રાન્ક’ સ્પેન્સરે સૌથી ઝડપી એકલા એટલાન્ટિક સમુદ્ર પાર કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પોતે દિવ્યાંગ હોવા છતાં તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. હેલ્ધી ફીટ બોડીવાળા વ્યક્તિનો જૂનો રેકોર્ડ સ્પેન્સરે દિવ્યાંગ હોવા છતાં તોડી નાખ્યો છે. તેઓ હલેસાવાળી હોડી મારફતે એક ખંડથી બીજા ખંડ સુધી પહોંચનાર પહેલા દિવ્યાંગ બન્યા છે. તેમણે અગાઉ ૨૦૧૬માં દિવ્યાંગ ટીમના ભાગરુપે એટલાન્ટિક સમુદ્ર પાર કરવાના સાહસમાં ઝંપલાવ્યું હતું.
લી સ્પેન્સરે હલેસાવાળી હોડી મારફતે યુરોપ (પોર્ટુગલ)થી સાઉથ અમેરિકા (ફ્રેન્ચ ગુયાના) સુધી લગભગ ૫૬૦૦ કિલોમીટરની સફર ૬૦ દિવસમાં ખેડીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમણે જૂના રેકોર્ડ કરતા ૩૬ દિવસ વહેલાં સમુદ્ર પાર કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જીવનના અઢી વર્ષની તૈયારી પછીની સાહસિક સફર દરમિયાન તેમણે ૪૦ ફૂટ ઊંચા મોજાં સહિતની મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. આખા દિવસમાં તેઓ માંડ બે કલાકની ઊંઘ લેતા હતા. તેઓ મુશ્કેલીથી કદી ગભરાયા ન હતા. તેમમે બીબીસીને જણાવ્યું હતું કે,‘રોયલ મરીન તરીકે મેં ૨૪ વર્ષ ફરજ બજાવી છે. આથી, હું મુશ્કેલીઓથી ટેવાઈ ગયો છું.’
લી સ્પેન્સર સહિત માત્ર ત્રણ વ્યક્તિએ યુરોપીય ભૂમિથી સાઉથ અમેરિકાની ભૂમિ સુધી એકલ અને વણથંભી સમુદ્રયાત્રા કરી છે. છેલ્લે નૌર્વેના સ્ટેઈન હોફે ૨૦૦૨માં પોર્ટુગલના લિસ્બનથી ગુયાનાના જ્યોર્જટાઉન સુધીની હોડીમાં મુસાફરી ૯૬ દિવસથી થોડા વધુ સમયમાં પૂર્ણ કરી હતી.
લી સ્પેન્સરે ઈરાકમાં ત્રણ અને અફઘાનિસ્તાનમાં એક વખત ફરજ બજાવી હતી. ૨૦૧૪માં એક દુર્ઘટના બાદ તેમના ડાબા પગનો ઘૂંટણથી નીચેનો ભાગ કાપવો પડ્યો હતો. રોયલ મરીન ચેરિટી માટે ભંડોળ એકઠું કરવાના હેતુ સાથેની આ ચેલેન્જ દરમિયાન તેમણે ૫૦ લાખ રૂ.થી વધુ ફાળો એકઠો કર્યો હતો.


