લંડનઃ યુકેના સૌથી પ્રભાવશાળી બંગાળી ઉમરાવ અને વોરવિક યુનિવર્સિટીના મેન્યુફેક્ચરિંગ રિસર્ચ સેન્ટરના ચેરમેન લોર્ડ પ્રોફેસર સુશાન્તા કુમાર ભટ્ટાચાર્યનું ટુંકી માંદગી બાદ ૭૮ વર્ષની વયે નિધન થયું હતું. તેમણે જેગુઆર લેન્ડ રોવર કંપનીને ૨૦૦૮ની નાણાકીય કટોકટીની ગંભીર અસરમાંથી બચાવવામાં મદદ કરી હતી. તેમણે યુકેના મેન્યુફેક્ચરિંગ અને એન્જિનીઅરીંગ ક્ષેત્રે નોંધપાત્ર ભૂમિકાઓ ભજવી હતી. ભારત સરકારે તેમને ૨૦૦૨માં પદ્મવિભુષણ ખિતાબ એનાયત કર્યો હતો અને ૨૦૦૪માં તેમને યુકેના હાઉસ ઓફ લોર્ડ્ઝમાં સ્થાન અપાયું હતું.
લોર્ડ ભટ્ટાચાર્યનો જન્મ ૧૯૪૦માં ઢાકા ખાતે થયો હતો અને ભારત બ્રિટિશ સંસ્થાન હતું તે સમયમાં જ બેંગલોરમાં વસ્યા હતા. ખડગપુર IITમાંથી મિકેનિકલ એન્જિનીઅરીંગના સ્નાતક બન્યા પછી તેઓ ૨૧ વર્ષની વયે ૧૯૬૧માં યુકેના બર્મિંગહામમાં આવ્યા હતા. સમયાંતરે તેમણે કલ્પનાશીલ અને દીર્ઘદ્ષ્ટા શિક્ષણવિદ્ તરીકે વિવિધ સન્માન પ્રાપ્ત કર્યા હતા. પૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચરે તેમને ‘સાચા પ્રણેતા’ કહીને બિરદાવ્યા હતા. રતન તાતા સાથેની તેમની અંગત મૈત્રીએ તાતા ગ્રૂપને બ્રિટિશ કાર કંપની જેગુઆર લેન્ડ રોવરને ખરીદવા પ્રેર્યું હતું. તેમણે યુકે અને ભારત વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત બનાવવામાં તેમજ ઈન્ડો-બ્રિટિશ પાર્ટનરશિપ ઈનિશિયેટિવની સ્થાપનામાં મદદ કરી હતી.
૧૯૮૦માં વોરવિક યુનિવર્સિટીમાં જોડાયા પછી લોર્ડ ભટ્ટાચાર્યે વડા પ્રધાન થેરેસા મે સહિતના વડા પ્રધાનો, મિનિસ્ટર્સ, બિઝનેસ અગ્રણીઓ અને નીતિનિર્ણાયકોને મેન્યુફેક્ચરિંગ, ટેકનોલોજી અને ઈનોવેશનના વિષયો પર સલાહ આપવાની કામગીરી પણ બજાવી હતી. ધ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII), જેગુઆર લેન્ડ રોવર, વોરવિક યુનિવર્સિટી, કોવેન્ટ્રી સિટી કાઉન્સિલ તેમજ અન્ય સંસ્થાઓએ લોર્ડ ભટ્ટાચાર્યને અંજલિઓ આપી તેમની કામગીરી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે તેમના પ્રદાનને બિરદાવ્યું હતું.
લોર્ડ ભટ્ટાચાર્ય તેમની પાછળ આઈરિશ પત્ની બ્રિડી અને ત્રણ પુત્રી અનિતા, ટીના અને માલિની સહિતના કુટુંબને શોકાતુર અવસ્થામાં છોડી ગયા છે.