દુર્ગાપૂજા ઉત્સવ માટે સજજ્ થઈ રહેલો યુકેનો બંગાળી સમુદાય

- રુપાંજના દત્તા Friday 22nd September 2017 02:50 EDT
 
 

લંડનઃ વિશ્વના અન્ય દેશોમાં રહેતા દરેક બંગાળીને દુર્ગાપૂજાના તહેવારમાં કોલકાતાની ખૂબ યાદ આવતી જ હશે. તેઓ જે વિસ્તારોમાં રહેતા હોય ત્યાં કોલકાતામાં થતી ઉજવણીનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરે છે. દુર્ગાપૂજા દરમિયાન બ્રિટનનું હવામાન કોલકાતા જેવું હોતું નથી. બ્રિટનમાં ઠંડો કાતિલ પવન ફૂંકાતો હોય અને શિયાળો બેસી ગયો હોય છે. લોકોને તેનાથી રક્ષણ મેળવવા ઘણાં કપડા પહેરવા પડે છે. પરંતુ, બંગાળી મહિલાઓ પરંપરાગત સાડીમાં અને કુર્તા પહેરેલા પુરુષો ખુશખુશાલ ચહેરે ટ્યૂબ, બસ, કાર અને ટેક્સીમાં જતા જોવા મળે છે.

બંગાળીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મૂળ બર્દવાનના અને યુનિવર્સિટી ઓફ એડિનબરાના ડો. સુમિત કોનારે એક ઈન્ટરએક્ટિવ ગૂગલ મેપ તૈયાર કર્યો છે. જે આપને યુકેમાં આપની નજીકમાં દુર્ગાપૂજા ક્યાં છે તેની માહિતી આપશે. ૪૦થી વધુ સંસ્થાઓએ આ મેપ પર તેમની માહિતી આપી દીધી છે. તેની પાછળનો મુખ્ય હેતુ યુકેમાં યોજાયેલી તમામ દુર્ગાપૂજાનો વિસ્તૃત ખ્યાલ આપવાનો છે. તેમણે ગુજરાત સમાચાર/એશિયન વોઈસને જણાવ્યું હતું કે આ નક્શો લોકોને યોગ્ય પૂજા પરિક્રમા કરવામાં મદદરૂપ થશે. તેમાં પૂજાના આયોજકો ફોટા અને પૂજાનો કાર્યક્રમ પણ શેર કરી શકે છે.

ઈસ્ટ લંડનનો માઈલ એન્ડનો હિંદુ પ્રગતિ સંઘ લંડનમાં વર્ષ ૧૯૭૭થી તેમના મંદિરના પ્રાંગણમાં પૂજાનું આયોજન કરે છે. અગાઉ તેનું આયોજન કોમ્યુનિટી અને સ્કૂલ હોલમાં થતું. ૧૯૮૫થી તેનું આયોજન બિલ્ડીંગમાં થાય છે.

સાત વર્ષ અગાઉ બંગાળી પરંપરા જાળવી રાખવાના હેતુથી સાઉથ લંડનના ક્રોયડનમાં સ્પંદન સંસ્થા સ્થપાઈ હતી. જોકે, તેની દુર્ગાપૂજા ગયા વર્ષે કેથરિન સ્ટ્રીટ ખાતે યોજાઈ હતી. જેને ભવ્ય સફળતા મળી હતી. આ વર્ષે પણ યુવા પેઢીને સામેલ કરીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે ૨૭ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન દુર્ગાપૂજાનું આયોજન કરાયું છે.

બ્રેન્ટવુડના એસેક્સમાં રહેતા ભારતીયો બિશપ હોલ કોમ્યુનિટી સેન્ટર ખાતે આ વર્ષે ૨૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમિયાન બીજી દુર્ગાપૂજા યોજી રહ્યા છે. લંડનની વિખ્યાત કેમડન દુર્ગાપૂજાનું આ ૫૪મુ વર્ષ છે. કેમડન સેન્ટર ખાતે ૨૭ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી કરાયેલા આયોજનમાં નૃત્યનાટિકા સહિત કાર્યક્રમો રજૂ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter