દેવ પટેલનો આક્રોશઃ હું સાચો ભારતીય નથી તેવા સૂચનો બંધ કરો

Wednesday 27th March 2019 01:55 EDT
 
 

લંડનઃ ‘સ્લમડોગ મિલ્યોનેર’ ફિલ્મના અભિનેતા દેવ પટેલે ભારતીય ભૂમિકાઓ ભજવીને ‘સાંસ્કૃતિક વિનિયોગ’માં સંકળાયેલા હોવાના સૂચનો પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. લંડનના હેરોમાં ગુજરાતી માતાપિતાને ત્યાં જન્મેલા દેવે જણાવ્યું હતું કે ફિલ્મોમાં ભારતીય પાત્રોની ભૂમિકા ભજવવા બદલ તેને સતત ટીકાનો ભોગ બનવું પડે છે.

તે ફાઈવ સ્ટાર તાજ પેલેસ હોટલ પર ૨૦૦૮માં થયેલા આતંકી હુમલા પરના આગામી નાટક ‘હોટલ મુંબઈ’માં ભાગ લઈ રહ્યા છે. તેમાં તે હોટલમાં ફસાઈ ગયેલા સેંકડો મહેમાનોને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર શીખની ભૂમિકા ભજવે છે. દેવે જણાવ્યું હતું,‘ લોકો એમ કહીને મારી ટીકા કરે છે કે તે લોકો શા માટે આવા રોલ ખરા ભારતીયને શા માટે આપતા નથી ? મને આશ્ચર્ય થાય કે તેનો અર્થ શું થાય ? ’ ૨૮ વર્ષીય દેવે ઉમેર્યું હતું,‘ મારે મારા માતાપિતા સાથે વાત કરવી હોય તો ગુજરાતીમાં જ કરવી પડે છે. તે શું પૂરતું નથી ?

‘બેસ્ટ એક્ઝોટિક મેરિગોલ્ડ હોટલ’ સીરિઝમાં ભાગ લેનારા દેવે જણાવ્યું હતું,‘ હકીકત એ છે કે હું જે ફિલ્મોની પસંદગી કરું છું ત્યારે હું મારી જાતને અને મારી વિરાસતને વધુ સારી રીતે સમજવા માગું છું.’

ટેલિવિઝન ડ્રામા ‘સ્કીન્સ’ દ્વારા પહેલી વખત નાના પડદે ઝળકેલા અને તેમાં પાકિસ્તાની મૂળના મુસ્લિમ ટીનેજરની ભૂમિકા ભજવનારા દેવે જણાવ્યું હતું કે ‘હોટલ મુંબઈ’માં તે જેનું પાત્ર ભજવે છે તે અર્જૂન સહિત સમગ્ર સ્ટાફની બહાદૂરીથી તે પ્રભાવિત થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter