મૂળ અમદાવાદ, ગુજરાતના ત્રીજી પેઢીના ફોટોગ્રાફર દેવાંશ સોનીએ તાજેતરમાં બ્રાઈટન ખાતે પ્રથમ એક્ઝિબિશન ‘બીટવીન હોરાઈઝન્સ’ રજૂ કર્યું હતું. આ પ્રદર્શન તેમની યાત્રાને ઘડનારા બે સ્થળો ગુજરાત અને સસેક્સ વચ્ચે વિઝ્યુઅલ અને ભાવનાત્મક સેતુનું નિર્માણ કરે છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથેની મુલાકાતમાં દેવાંશભાઈએ પ્રદર્શન પાછળની પ્રેરણા, તેમના પરિવારની તસવીરી વિરાસત, તેમની સર્જનાત્મક યાત્રા અને તેમના કાર્યને ઘડનારા અનુભવો વિશે વાત કરી હતી.
પ્રશ્નઃ ‘બીટવીન હોરાઈઝન્સ’ના સર્જન તરફ દોરી જનારો મૂળ વિચાર કે ક્ષણ શું હતા?
‘બીટવીન હોરાઈઝન્સ’ રાતોરાત ઉદ્ભવેલો વિચાર નથી. હું લગભગ ત્રણ વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. હું ત્રીજી પેઢીનો ફોટોગ્રાફર છું, મારા દાદા અને પિતા પણ ફોટોગ્રાફર હતા અને 2023માં યુનિવર્સિટી ઓફ સસેક્સમાં માસ્ટર્સ ઈન ફિલ્મમેકિંગના અભ્યાસ માટે બ્રાઈટન આવ્યો હતો. ભારતમાં, મીડિયા અને ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ સાથે કામ કરવા દરમિયાન મેં પોર્ટફોલીઓ બનાવ્યો હતો, પરંતુ અહીં આવ્યા પછી હું મારી રીતે જ કશું નિર્માણ કરવા ઈચ્છતો હતો. ભારત અને સસેક્સના પોટોગ્રાફ્સને સાથે લાવવાનો આ પ્રોજેક્ટ મારા દિલની ઘણો નિકટ છે. ‘બીટવીન હોરાઈઝન્સ’ પાછળનો મૂળ વિચાર ફોટોગ્રાફી દ્વારા આ બે સ્થળો, ખાસ કરીને સસેક્સ અને પશ્ચિમ ભારતને સાંકળવાનો હતો.
પ્રશ્નઃ આ પ્રદર્શન ગુજરાત અને સસેક્સની કોસ્ટલાઈનને સાથે લાવે છે. આ બંને લેન્ડસ્કેપ્સ તમારા માટે વ્યક્તિગત શું દર્શાવે છે?
પ્રદર્શન પાછળનો મુખ્ય વિચાર સમુદ્ર અને તે કેવી રીતે આ બંને સ્થળોને સાંકળે છે તેના વિશે છે, પરંતુ ફોટોગ્રાફ્સ માત્ર લેન્ડસ્કેપ્સ વિશે નથી, તે સંવેદનાઓ વિશે અને ચોક્કસ પળની લાગણીઓ વિશે છે. ઈમેજીસ નિહાળી લોકો અટકી જાય, દૃશ્યમાં ડૂબી જાય અને કદાચ અપેક્ષિત ન હોય તેવું નિહાળે તેમ હું ઈચ્છતો હતો. મેં મોશન બ્લર અને સ્લો-શટર ફોટોગ્રાફી સહિત અલગ અલગ ફોટોગ્રાફિક ટેક્નિક્સના પ્રયોગ પણ કર્યા છે, જે તમે રોડ્સ અને વૃક્ષોની કેટલીક તસવીરોમાં નિહાળી શકો છો. અહીં થોડાં પોર્ટ્રેટ્સ પણ છે. આ આશરે 15 ફોટોગ્રાફ્સ સાથેનું નાનું એક્ઝિબિશન છે, પરંતુ પ્રત્યેક તસવીર અન્યો સાથે સંકળાયેલી છે અને સમગ્રપણે સ્ટોરીમાં યોગદાન આપે છે.
પ્રશ્નઃ ફોટોગ્રાફી તમારા પારિવારિક ઈતિહાસનો હિસ્સો છે, તમારા દાદા અને પિતા પણ ફોટોગ્રાફર હતા. ફોટોગ્રાફીના માહોલમાં ઉછેરથી તમારી દૃષ્ટિને કેવો ઘાટ મળ્યો છે?
મારો ઉછેર અમદાવાદમાં થયો હતો, જ્યાં મારા પિતા ફોટોગ્રાફી સ્ટુડિયો ચલાવતા હતા. બાળક તરીકે હું તેમનું કામ જોતો રહેતો અને તેની પ્રોસેસથી, ખાસ કરીને ફિલ્મ કેમેરા અને ફોટો રોલ્સના સમયગાળામાં હું ઘણો અભિભૂત રહેતો હતો. ફોટોગ્રાફ્સ કેવી રીતે તૈયાર થાય અને તેનાથી સંસ્મરણો સર્જાય તે નિહાળવાનું મને ગમતું. મારા દાદા પણ ફોટોગ્રાફર હતા આથી, ફોટોગ્રાફી મારા પરિવારનો હિસ્સો હતી. મેં 2015માં મારા પિતાના કેમેરાનો ઉપયોગ કરવા માંડ્યો અને ત્યારે મને સમજાઈ ગયું કે હું ખરેખર આ જ કરવા ઈચ્છતો હતો. હું સ્ટુડિયોની પરંપરાને અનુસરવા કરતા મને આપવામાં આવેલી ટેક્મિક્સ અને વારસાઈને આગળ વધારવાની સાથોસાથ મારી આગવી સ્ટાઈલ શોધવા માગતો હતો. મારા કાર્ય સાથે મારા પારિવારિક જોડાણને આગળ વધારવાનો મને ભારે ગર્વ છે.
પ્રશ્નઃ તમે જ્યારે બ્રિટનમાં ફોટોગ્રાફી કરતા હો ત્યારે તમારી ફોટોગ્રાફીમાં ગુજરાતી વિરાસત કેવી રીતે પ્રવેશી જાય છે?
જ્યારે હું અહીં ફોટોગ્રાફ્સ લેતો હોઉં ત્યારે ઘણી વખત અમદાવાદની જૂની શેરીઓ અને ત્યાં ખેંચેલી તસવીરો વિશે યાદ કરું છું. ઉદાહરણ આપું તો, ચાલતી રીક્ષામાં બેઠેલા શ્વાનની તસવીર છે, જેનાથી મને ગુજરાતની યાદ આવીિ અને તે પળે હું જાણે ત્યાં જ છું તેવી લાગણી થઈ. અહીં હું અલગ ટેક્નિક્સ અને ઉપકરણોનો ઉપયોગ કરું છું ત્યારે સૌથી મહત્ત્વની બાબત મારી કલ્પના કેવી રીતે ઘડાઈ છે તેની છે. ભારતથી સસેક્સ આવ્યાથી મારો પરિચય નવા લોકો, લેન્ડસ્કેપ્સ અને પળો સાથે થયો. સૂર્યાસ્ત જેવાં પરિચિત વિષયો પણ અહી અલગ અર્થ આપે છે. વેસ્ટ પિયર સૂર્યાસ્તની તસવીર આ નવા પરિપ્રેક્ષ્યને દર્શાવે છે છતાં, વતનની પરિચિતતા પણ આવે છે.
પ્રશ્નઃ નવા દેશમાં પોતાને સર્જનાત્મક રીતે પ્રસ્થાપિત કરવામાં સૌથી વધુ શું પડકારજનક લાગ્યુ?
સૌથી મોટો પડકાર તો પ્રોડક્શન કોસ્ટ મેનેજ કરવાનો લાગ્યો જે ખાસ કરીને પ્રથમ વખતના સોલો એક્ઝિબિશન માટે ઘણી ઊંચી રહી. શક્તિશાળી કળા અને સર્જનાત્મક કોમ્યુનિટી માટે પ્રખ્યાત શહેર બ્રાઈટનમાં પ્રદર્શનનું આયોજન ભારે પડકારજનક હતું. આમ છતાં, 100થી વધુ લોકોએ પ્રદર્શનની મુલાકાત લીધી અને ઘણો સારો પોઝિટિવ ફીડબેક મળ્યો. ઘણા લોકોએ જણાવ્યું કે તેઓ ફોટોગ્રાફ્સ સાથે જોડાઈ ગયા હતા, તેમાં ઘણી તાજગી હતી અને તેમણે આના અગાઉ જોયું હતું તેના કરતાં તદ્દન અલગ હતું.


