લંડનઃ સેક્સકૌભાંડમાં ગુનેગાર ઠર્યા પછી ૨૦૧૨થી ૨૨ વર્ષની જેલ ભોગવી રહેલા ‘ડેડી’ તરીકે ઓળખાતા રોચડેલના ૬૪ વર્ષીય સેક્સ ગેંગલીડર શબીર એહમદ અને તેના અન્ય ત્રણ સાથીઓએ દેશનિકાલના આદેશ સામે કાનૂની જંગ છેડ્યો છે. શબીર અને તેના આઠ સાગરિતો ૧૩ વર્ષની કિશોરીઓને બળજબરીપૂર્વક મદ્યપાન અને ડ્રગ્સનું સેવન કરાવીને વારાફરતી તેમના પર દુષ્કર્મ આચરતા હતા. તેમને કોર્ટ ઓફ અપીલ સમક્ષ દલીલો રજૂ કરવાની પરવાનગી અપાઈ હતી. અહેમદ સાથે આદિલ ખાન (૪૭), અબ્દુલ રઉફ (૪૮) અને અબ્દુલ અઝીઝે (૪૬) દેશનિકાલના આદેશને પડકાર્યો છે.
નેચરલાઈઝેશન દ્વારા બ્રિટિશ સિટીઝનશીપ મેળવનારા શબીરને અગાઉ તેના વતન પાકિસ્તાન પરત મોકલી દેવાનો આદેશ કરાયો હતો. દેશનિકાલ કરવાથી તેમના બાળકોના ભવિષ્યને નુક્સાન થશે તેવા શબીરના દાવાને આ વર્ષે શરૂઆતમાં ઈમિગ્રેશન જજોએ નકારી કાઢ્યો હતો.
તેના અન્ય સાથીઓમાં મોહમ્મદ સાજિદ (૪૦), મોહમ્મ્દ અમીન(૫૦), અબ્દુલ કયુમ (૪૯), હામિદ સાફી (૨૭) અને કબીર હસન (૩૦)નો સમાવેશ થતો હતો.
શબીરે જણાવ્યું હતું ,‘ ૧૧ શ્વેત જ્યૂરી મેમ્બર્સે પૂર્વગ્રહ રાખીને મને ગુનેગાર ઠેરવ્યો હતો. આજકાલ બધી વાત માટે મુસ્લિમોને દોષિત ઠેરવવાની ફેશન બની ગઈ છે.’ ત્રણ વખત નિકાહ કરનારા શબીરે જણાવ્યું હતું કે તેને ચાર સંતાન છે અને તે યુકેમાં રહે છે. પોતે પણ ૫૦ વર્ષથી યુકેમાં છે અને તેના બેંક ખાતામાં ૮૩,૦૦૦ પાઉન્ડ બેલેન્સ છે.


