લંડનઃ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) પશ્ચાદભૂ ધરાવતા બ્રિટિશરોને ઊંચા જીવનખર્ચનો સામનો કરવો પડે તેવી વધુ શક્યતા રહેલી છે. અક્ષમ કે અશક્ત લોકો પણ ચાવીરુપ ગ્રૂપ્સમાં આવે છે જેમને ‘પોવર્ટી પ્રીમિયમ’નો સામનો કરવો પડે છે જેનાથી આવશ્યક સેવાઓની કિંમત વધતી જાય છે.
એકેડેમિક્સના કહેવા અનુસાર અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સમૂહના બ્રિટિશરો સહિત ચાવીરુપ સમુદાયોએ અપ્રમાણસર ઊંચા જીવનખર્ચનો સામનો કરવાનો રહે તેવી શક્યતા વધુ છે કારણકે તેમને ‘પોવર્ટી પ્રીમિયમ’નો સામનો કરવો પડી શકે છે. કેમ્પેઈન ગ્રૂપ ‘ફેર બાય ડિઝાઈન’ દ્વારા કરાવાયેલા અને બ્રિસ્ટોલ યુનિવર્સિટીના એકેડેમિક્સ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ ઓછી આવક ધરાવતા લોકો પાસે બેન્કિંગ અને ક્રેડિટ સહિત આવશ્યક સેવાઓ માટે વધુ ચાર્જ કરાવાનું વધુ જોખમ રહે છે. રેસ, વય, અને ડિસેબિલિટી તેમજ હેલ્થ, માઈગ્રેશનનો ઈતિહાસ, સેક્સ અને ધર્મ જેવા રક્ષિત લક્ષણો સાથેના લોકો માટે પણ આ જોખમ રહેલું છે.
એકેડેમિક્સના જણાવ્યા મુજબ રંગીન વર્ણના લોકો, સિંગલ પેરન્ટ્સ તેમજ અન્ય સમૂહો ઓછાં વેતન અને ઓછી સલામતી તેમજ ગરીબ પાડોશ વિસ્તારો અને ખાનગી રેન્ટલ સેક્ટરના કાર્યક્ષેત્રોમાં વધુ પ્રમાણ ધરાવે છે. આથી તેઓ ઓછી બચત કરી શકે છે તેમજ બેન્કિંગ, ક્રેડિટ અને ઈન્સ્યુરન્સની સુવિધા મેળવવા વધુ નિયંત્રણો અથવા વધુ ખર્ચ કરવાની શક્યતા વધી જાય છે.
કોવિડ મહામારીમાં બ્રિટિશ સમાજમાં અસમાનતાઓ બહાર આવી છે પરંતુ, મહામારી અગાઉ પણ જે લોકોને ચીનવસ્તુઓ પાછળ ખર્ચા કરવાનું પરવડતું હતું તેમની સરખામણીએ કેટલાક લોકોને આવશ્યક ચીજવસ્તુઓ પાછળ વધુ ખર્ચ કરવો પડતો હતો.

