ધનવાનોને રહેવા માટે લંડન શ્રેષ્ઠ શહેર, ન્યૂ યોર્ક દ્વિતીય ક્રમે

Wednesday 13th March 2019 03:09 EDT
 
 

લંડનઃ વિશ્વના ધનવાન લોકોને રહેવા માટે યુકેનું લંડન પુનઃ શ્રેષ્ઠ પસંદગીનું શહેર બન્યું છે. લંડને અમેરિકાના ન્યૂ યોર્કને બીજા ક્રમે ધકેલી દીધું છે. આ પછી હોંગ કોંગ, સિંગાપોર અને લોસ એન્જલસના ક્રમ આવે છે. ફાઈવ સ્ટાર હોટેલ્સની મોટી સંખ્યા અને યુનિવર્સિટીઓની ગુણવત્તાએ લંડનને પ્રથમ નંબર હાંસલ કરવામાં મદદ કરી છે. અમીરાત અને રશિયા સહિતના લોકોને રજા ગાળવા માટે પણ લંડન આકર્ષતું રહ્યું છે. બ્રેક્ઝિટ પછી અરાજકતાના સંભવિત ભયને રોકાણકારો નકારી રહ્યા છે. યુકેની રાજધાની લંડનમાં આશરે ૫૦૦૦ લોકો ૩૦ મિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવે છે. એશિયામાં ૩૦ મિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવનારા દેશોમાં ૧૯૪૭ ધનવાનો સાથે ભારત પાંચમા ક્રમે છે. 

નાઈટ ફ્રાન્કના તાજા વેલ્થ રિપોર્ટ અનુસાર લંડનમાં ૭૬ ફાઈવ સ્ટાર હોટેલ્સ અને ગુણવત્તાસભર યુનિવર્સિટીઓની સંખ્યાએ લંડનને ફરી એક વખત લાઈફસ્ટાઈલ રેન્ક્રિંગમાં પ્રથમ ક્રમ અપાવ્યો છે. આ પરિબળોના કારણે જ ૩૦ મિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા ૪,૯૪૪ અલ્ટ્રા હાઈ નેટ-વર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (UHNWI) લંડનને પોતાનું ઘર ગણાવે છે. જોકે, લંડન અહીં રહેવા ઈચ્છતા ધનવાન લોકોને જ આકર્ષિત કરતું નથી. રજા ગાળનારા લોકોમાં પણ તે લોકપ્રિય બની રહ્યું છે. યુએસ પછી, લંડન રજા ગાળવા આવનારાઓમાં અમેરિકા, નાઈજિરીઆ, ઓસ્ટ્રેલિયા, રશિયા અને અમિરાતના લોકોની બહોળી સંખ્યા છે. 

૨૦૧૮માં ૩૦ મિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા વ્યક્તિની સંખ્યા 

નોર્થ અમેરિકાઃ યુએસ-૪૭,૧૨૭, કેનેડા-૪૭૮૫

એશિયાઃ જાપાન- ૧૮,૫૩૪, ચીન-૯,૯૫૩, સિંગાપોર-૩,૫૯૮, હોંગ કોંગ-૩,૦૧૦, ભારત-૧,૯૪૭

યુરોપઃ જર્મની-૧૪,૦૪૭, યુકે-૧૨,૫૫૯, સ્વિટ્ઝર્લેન્ડ-૪,૭૬૮, ફ્રાન્સ-૪,૫૦૫, ઈટાલી-૪,૦૮૩

લેટિન અમેરિકાઃ બ્રાઝિલ-૩,૭૫૪, મેક્સિકો-૨,૭૭૮

મિડલ ઈસ્ટઃ અન્યો-૩,૨૩૧, ઈઝરાયેલ-૧,૭૩૨, તુર્કી-૧,૬૯૫

આફ્રિકાઃ સાઉથ આફ્રિકા-૬૬૧, અન્યો-૬૩૮

ઓસ્ટ્રેલેશિયાઃ ઓસ્ટ્રેલિયા-૩,૦૬૨, ન્યૂ ઝીલેન્ડ-૧,૨૯૨


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter