લંડનઃ યુકેમાં ૩૦,૦૦૦ અહમદીનું પ્રતિનિધિત્વ કરતીઅહમદિયા મુસ્લિમ કોમ્યુનિટી યુકે (AMC)ના વડા હઝરત મીર્ઝા મસુર અહમદ અને અન્ય સભ્યોને દેશના અન્ય મુસ્લિમો દ્વારા મળી રહેલી ધમકીના પગલે AMCએ તેની મસ્જિદોમાં એરપોર્ટ જેવી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મસ્જિદોમાં આવનાર વ્યક્તિના સામાનની તપાસ કરાઈ રહી છે, વોક ઈન મેટલ ડિટેક્ટર્સ લગાવવામાં આવ્યા છે અને ઓળખ પણ ચકાસવામાં આવી રહી છે.
એવું કહેવાય છે કે મોહમ્મદ છેલ્લા મુસ્લિમ પયગમ્બર ન હતા તેવી અહમદીઓની માન્યતાને લીધે પાકિસ્તાન જેવા દેશોમાં તેમના પર અત્યાચાર થાય છે. સુન્ની અને શિયા મુસ્લિમો અહમદીની આ માન્યતાને ઈશનિંદા ગણે છે.
મોટાભાગની ધમકીઓ તેમને સોશિયલ મીડિયા અને ટેક્સ્ટ મેસેજ દ્વારા મળી હતી. AMCની કેટલીક મસ્જિદોને કાફિર એટલે કે નાસ્તિક ગણાવવામાં આવી રહી છે. AMCના પ્રવક્તા ફારુક આફ્તાબે જણાવ્યું હતું કે અમે મુસ્લિમ છીએ તેવું જે લોકો માનતા નથી તેમને પોતાનું મંતવ્ય જણાવવાનો અધિકાર છે. પરંતુ, તેની પણ એક મર્યાદા હોવી જોઈએ કારણ કે હિંસા વાજબી નથી. અમે અસંમત હોઈ શકીએ. પરંતુ,અમને પણ ધર્મ સ્વાતંત્ર્યનો અધિકાર છે.
યુકેના કુલ ૩ મિલિયન મુસ્લિમોમાં અહમદીની વસતિ ૧ ટકા એટલે કે ૩૦,૦૦૦ છે. તેમાં મોટાભાગના પાકિસ્તાન સહિત સાઉથ એશિયન મૂળના છે. લંડનમાં ૧૫,૦૦૦ અહમદી રહે છે.

