લંડનઃ સ્વર્ગસ્થ વિનોદરાય (વિનુભાઈ) બચુભાઈ નાગ્રેચાના સંસ્મરણો અને કામગીરીના વારસાને યાદ કરવા 25 એપ્રિલ 2024ના રોજ નાગ્રેચા હોલ, લેટોન રોડ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિનુભાઈ (78)નું 22 એપ્રિલે અવસાન થયા પછી રવિવાર, 28 એપ્રિલે સિટી ઓફ લંડન સેમેટ્રી અને ક્રીમેટોરિયમમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ પ્રાર્થના સભામાં વિનુભાઈના નાના ભાઈ હસમુખભાઈએ જણાવ્યું હતું કે,‘તેઓ મારા અને અન્ય બધા માટે પિતાતુલ્ય હતા. હું તમારા સહુ સમક્ષ વચન આપું છું કે હું તેમના પગલે ચાલીશ. જેવી રીતે ભરતે ભગવાન રામની પાદુકા સિંહાસન પર રાખી હતી તે રીતે હું વિનુભાઈની પાદુકા મારા મસ્તકે રાખીશ’
ઈસ્ટ હામના સર સ્ટિફન ટિમ્સ MP એ કહ્યું હતું કે,‘વિનુભાઈ નાગ્રેચા કોમ્યુનિટીના ઘણા સારા અને ઉદાર સભ્ય હતા. તેમણે દરેકને ઉદારતાપૂર્વક મદદ કરી હતી અને બદલામાં કદી કશું માંગ્યું ન હતું. મહામારીના મુશ્કેલ સમયગાળામાં આપણે સંપૂર્ણપણે તેમના ઉદાર દાન પર આધારિત રહ્યા હતા.’
નરેન્દ્રભાઈ ઠકરારે જણાવ્યું હતું કે, ‘વિનુભાઈ માત્ર સફળ એન્ટ્રેપ્રીન્યોર જ ન હતા, તેઓ ધર્મ અને આધ્યાત્મિક મૂલ્યોના નિર્માણ કરવામાં અને શક્તિશાળી રાખવામાં મજબૂત સ્તંભ હતા. તેમની દયાળુતા અને ઉદારતાનો કોઈ જોટો જડશે નહિ.’
અજય જોબનપુત્રાએ જણાવ્યું હતું કે, ‘વિનુભાઈની સહભાગિતા માત્ર લંડન સુધી મર્યાદિત ન હતી. તેઓ યુકે, યુગાન્ડા અને ભારતમાં પણ કોમ્યુનિટી અને સંસ્કૃતિનું ઉદારતાપૂર્વક સમર્થન કરતા રહ્યા હતા.’
ઉન્મેશ દેસાઈ AMએ જણાવ્યું હતું કે, ‘કોમ્યુનિટીને વિનુભાઈનું યોગદાન દંતકથાપૂર્ણ હતું. તેમના વારસાને નાગ્રેચા ચેરિટેબલ ટ્રસ્ટ આગળ ધપાવશે.’
હર્ષદ કોઠારીએ જણાવ્યું હતું કે, ‘વિનુભાઈની જીવનકથા અને કોમ્યુનિટીને તેમના પ્રદાન વિશે એક-બે દિવસમાં કશું કહી ન શકાય. નાગ્રેચા પરિવાર તમામ સમુદાયો માટે મદદરૂપ અને ઉદાર રહ્યો હતો. સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેઓ તેમના મૂળિયાંને ભૂલ્યા નથી. વિનુભાઈ અને હસમુખભાઈ રામ અને લક્ષ્મણ જેવા હતા. હવે વિનુભાઈ આપણી સાથે રહ્યા નથી ત્યારે કોમ્યુનિટીમાં વિશાળ શૂન્યાવકાશ સર્જાયો છે. શોમેન-વ્યવસ્થાપક તો ચાલ્યા ગયા છે પરંતુ, શો આગળ વધારવો જ રહ્યો.’
ઉમીબહેન રાડીઆ, જયભાઈ વાડેર, હર્ષાબહેન જાની, રીનાબહેન, સુષ્માજી તેમજ બ્રહ્મ સમાજ, ગાયત્રી પરિવારના પ્રતિનિધિઓ અને યુકે, યુગાન્ડા અને ભારતમાંથી કોમ્યુનિટીના સભ્યોએ પણ વિનુભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


