સંસ્કૃતમાં સૂત્ર છે કે धर्मो रक्षति रक्षितः।એટલે કે આપણે જ્યારે આપણા મૂલ્યો, પરંપરાઓ અને ધર્મનું રક્ષણ કરીએ છીએ ત્યારે તેઓ આપણું રક્ષણ કરી આપણને માર્ગદર્શન આપે છે.
આજના ભારે ઝડપથી બદલાતાં વિશ્વમાં આપણે એમ કહેતા હોઈએ છીએ કે યુવા પેઢીઓ આધ્યાત્મિકતા, આસ્થા અને પરંપરાથી દૂર થતી જાય છે તેવા સમયે આના જેવી પળો સાચી આશા જગાવનારી બની રહે છે.
તાજેતરમાં મને ભારતસ્થિત મારા ગાઢ પારિવારિક મિત્રની 10 વર્ષીય પુત્રી શિખાને સુંદર પરંપરાગત શાસ્ત્રીય નૃત્ય કરતી નિહાળવાનો આનંદ પ્રાપ્ત થયો હતો. આ નૃત્યમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીજીની દિવ્ય ભવ્યતા અને આધ્યાત્મિક બંધનને પ્રદર્શિત કરાયું હતું. શિખાએ તેની મનોહર ભાવભંગિમા, તાલબદ્ધ લય અને સમર્પિતતા થકી આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની નાની છતાં, ગાઢપણે અર્થસભર ઝાંખીને જીવંત સ્વરૂપ આપ્યું હતું.
વર્તમાન સમયમાં સ્વાભાવિક રીતે જ જ્યારે હિપ-હોપ, ડિસ્કો અને આધુનિક ડાન્સ યુવા માનસોને આકર્ષે છે ત્યારે બાળકોને આટલા પ્રેમ અને ઉત્સાહ સાથે શાસ્ત્રીય કળા સ્વરૂપો, પ્રાચીન રીતરિવાજ અને આધ્યાત્મિક મૂલ્યોને અપનાવતા નિહાળીએ તે ખરેખર હૃદયને સ્પર્શી જાય છે.
આધુનિક વિશ્વમાં આવી પરંપરાઓ તેનું સ્થાન ગુમાવી રહ્યાનું ઘણી વખત લાગતુ હોય, પરંતુ જ્યારે પણ બાળક તેમને આસ્થા અને ગર્વ સાથે તેમને શીખવા, સમજવા અને પ્રસ્તુત કરવા તૈયાર થાય ત્યારે તે જીવંત બની રહે છે. શિખાને આ નૃત્ય પ્રસ્તુત કરતી નિહાળવી એ ખૂબ જ હૃદયસ્પર્શી પળો હતી અને આપણી સંસ્કૃતિ ભાવિ પેઢીઓનાં હૃદયમાં ધબકી રહી છે, જીવંત છે તેની યાદ અપાવનારી હતી.
-- સુભાષ પટેલ
લંડન


