ધર્મસ્થાનો પ્રાર્થના માટે ખોલાશેઃ ૨૨ જૂનથી પબ્સ અને રેસ્ટોરાંની આઉટડોર સેવા

Wednesday 10th June 2020 02:19 EDT
 
 

લંડનઃ જો હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને હજુ લોકડાઉન હેઠળ રખાશે તો ૩.૫ મિલિયન નોકરીઓ ગુમાવવી પડશે તેવી ચેતવણીના પગલે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ૨૨ જૂનથી પબ્સ અને રેસ્ટોરાંની આઉટડોર સેવા ફરી શરુ કરાવી શકે છે. યુરોપમાં બિયર ગાર્ડન્સ શરુ કરી દેવાયા છે ત્યારે, ‘સેવ સમર સિક્સ’ નામે ઓળખાયેલા મિનિસ્ટર્સ જૂથને આ માટે પ્લાનિંગનો આદેશ આપી દેવાયો છે. બીજી તરફ, ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓએ એમ પણ જણાવ્યું છે કે બે મીટરનો સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમ ચાલી શકે તેમ નથી. દરમિયાન, ૧૫ જૂનથી ક્લોધિંગ અને પગરખાંની દુકાનો, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને ઈલેક્ટ્રિક શોપ્સ સહિત આવશ્યક ન ગણાય તેવાં રીટેઈલર્સ પણ ફરી ખુલી રહ્યાં છે. આ સાથે જ દેશના ચર્ચ તથા અન્ય ધર્મસ્થાનો નિયમાનુસાર સામાજિક અંતરના પાલન સાથે માત્ર વ્યક્તિગત પ્રાર્થના કરવા માટે ખોલવામાં આવશે. જોકે, સામૂહિક પ્રાર્થના, લગ્નો અને અન્ય ધાર્મિક મેળાવડાની પરવાનગી અપાશે નહિ.

ધાર્મિક સ્થાનો તેમજ પબ્સ અને રેસ્ટોરાં લોકડાઉન હળવા કરવાના સરકારના ત્રીજા તબક્કા હેઠળ ૪ જુલાઈ તે કે પછી ખોલવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ, ૧૦ લોકોની હાજરી સાથે લગ્નો અને ફ્યુનરલ્સને આગામી મહિનાથી છૂટ મળી શકે છે જ્યારે હેરડ્રેસર્સ ૪ જુલાઈ પહેલાં ખુલી શકે છે. વડા પ્રધાને ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સને હોલીડે હોટસ્પોટ્સ સુધી ‘ટ્રાવેલ કોરિડોર્સ’ની વેળાસર રચના કરી દેવા જણાવ્યું છે જેથી, ૨૮ જૂન સુધીમાં તે કાર્યરત બનાવી શકાય.

ધર્મસ્થાનોમાં પ્રાર્થનાની મર્યાદિત છૂટ

ઈંગ્લેન્ડમાં ચર્ચ સહિત અન્ય ધર્મસ્થાનોને વ્યક્તિગત પ્રાર્થના કરવા માટે ૧૫ જૂનથી ખોલવાની જાહેરાત કરાઈ છે. લોકો સામાજિક અંતરના નિયમોનું પાલન કરવા સાથે ચિંતન અને પ્રાર્થના કરી શકશે. જોકે, સામૂહિક પ્રર્થના, લગ્ન સમારંભો કે ધાર્મિક મેળાવડા યોજવા પરનો પ્રતિબંધ યથાવત છે. ડાઉનિંગ સ્ટ્રીટે સ્પષ્ટ કર્યું હતું કે લોકડાઉન હળવું કરવાના સરકારના પાંચ પરીક્ષણોમાંથી પસાર થવા સાથે જ આ બદલાવ શક્ય બનશે. અગાઉ, ધર્મસ્થાનો ૪ જુલાઈથી ખોલવાની યોજના હતી પરંતુ, કેટલીક દુકાનો ફરી ખોલાઈ છે ત્યારે ધર્મસ્થાનોની મુલાકાત લઈ શકાતી ન હોવાથી શ્રદ્ધાળુ લોકોમાં નિરાશા વ્યાપી હતી. આના પગલે ધાર્મિક સ્થળોને તબક્કાવાર અને સલામત રીતે ફરી ખોલવા બાબતે ધાર્મિક નેતાઓ સાથે સરકારી ટાસ્ક ફોર્સની ગયા મહિને રચના કરાઈ હતી.

કોમ્યુનિટીઝ સેક્રેટરી રોબર્ટ જેનરિકે જણાવ્યું હતું કે વ્યક્તિઓ દ્વારા અંગત પ્રાર્થનાથી શરુઆત કરીને ધાર્મિક સ્થળો ફરી ખોલવાને પ્રાથમિકતા અપાઈ છે. લોકોને શાંતિ, સાંત્વના, સ્થિરતા અને ગૌરવ  પ્રદાન કરવામાં ધર્મસ્થાનોનો અનન્ય ફાળો છે. કોરોના મહામારીની વિષમ પરિસ્થિતિમાં લોકોને આની વધુ જરુર છે. લોકો અત્યાર સુધી ઈસ્ટર, રામાદાન કે વૈશાખીના તહેવારો પરિવારો કે મિત્રો સાથે પરંપરાગત રીતે ઉજવી શક્યા નથી. હવે મર્યાદિતપણે ધર્મસ્થાનોની મુલાકાત શક્ય બનશે તેનું વિશેષ મહત્ત્વ રહેશે. દરેક ધર્મના લોકો પોતાના ધર્મસ્થાનોમાં પ્રાર્થના કરી શકશે તેમજ ગુમાવેલા સ્વજનો પ્રત્યે શોક વ્યક્ત કરી તેમની શાંતિ માટેની ઈચ્છા વ્યક્ત કરી શકશે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ દ્વારા ૨૪ માર્ચથી જ તેમની બધી ઈમારતો બંધ કરી દેવાઈ હોવાથી ફ્યુનરલ્સ માત્ર કબ્રસ્તાન અથવા ક્રીમેટોરિયમ્સમાં જ કરી શકાતા હતા. પાદરીઓને તેમના નિવાસેથી જ પૂજા-પ્રાર્થનાનું જીવંત પ્રસારણ કરવા પ્રોત્સાહિત કરાતા હતા.

હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીનું લોકડાઉન જોખમી

વડા પ્રધાન જ્હોન્સને દેશભરના પબ્સ અને રેસ્ટોરાં ફરી ખોલવાની દિશામાં એક ડગલું ભર્યું છે. લાંબા સમય સુધી હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને લોકડાઉન હેઠળ રાખવામાં આવશે તો ૩.૫ મિલિયન જેટલી નોકરીઓ ગુમાવવી પડશે તેવી ચેતવણી ખુદ બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ એક બેઠકમાં આપી હતી. આના પગલે વડા પ્રધાને ચાન્સેલર રિશિ સુનાક, બિઝનેસ સેક્રેટરી શર્મા, કેબનેટ ઓફિસ મિનિસ્ટર માઈકલ ગોવ, કોમ્યુનિટીઝ સેક્રેટરી રોબર્ટ જેનરિક, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સ અને કલ્ચર સેક્રેટરી ઓલિવર ડાઉડેનના બનેલા ‘સેવ સમર સિક્સ’ જૂથને ટુરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટર્સને શાળાઓના વેકેશન અગાઉ ખોલી શકાય તેમાં અવરોધો દૂર કરવાની યોજના ઘડવા આદેશ કર્યો છે. આથી, પબ્સ અને રેસ્ટોરાં ગ્રાહકોને માત્ર આઉટડોર સેવા આપી શકે તેવા નિયંત્રણ હેઠળ ૨૨ જૂનથી બિયર ગાર્ડન્સ ચાલુ કરવા પરવાનગી મળી શકે છે. સરકારની લોકડાઉન એક્ઝિટ સ્ટ્રેટેજી હેઠળ તો વહેલામાં વહેલાં ૪ જુલાઈથી પબ્સ અને રેસ્ટોરાં ફરી ખોલવાની છૂટ મળવાની શક્યતા હતી. બીજી તરફ, પબ્સ અને રેસ્ટોરાંને ફરી ખોલવાથી દેશમાં સંક્રમણનો દર ઊંચો જઈ શકે છે તેવી માન્યતા સાથે હેલ્થ નિષ્ણાતોમાં ચિંતા ફેલાઈ છે.

મિનિસ્ટર્સ પબ્સને તંબુઓ બાંધવાની વર્તમાન ૨૮ દિવસની છૂટને બમણી કરી ૫૬ દિવસની કરવાની યોજના પર કામ કરી રહ્યા છે જેથી, ગાર્ડન ધરાવતી પબ્સ ખરાબ હવામાનમાં પણ વેપાર કરી શકે. સરકાર આઉટડોર પર વધુ ધ્યાન આપી રહી છે તેના સંકેતમાં વાઈરસના ફેલાવાનું જોખમ ઓછું હોય ત્યાં અલ ફ્રેસ્કો ડાઈનિંગના નિયમો બદલવા વિચારાઈ રહ્યું છે. પેવમેન્ટ પર ટેબલ-ખુરશી મૂકવા ઈચ્છતાં કાફે અને રેસ્ટોરાંએ લોકલ ઓથોરિટી પાસેથી ‘આઉટડોર સીટિંગ લાઈસન્સ’ મેળવવું પડે છે, જેની મંજૂરીમાં સપ્તાહો લાગી જાય છે. સરકાર મંજૂરીના દિવસો ઘટાડવા અને વાર્ષિક ૫૦૦ પાઉન્ડની ફી પણ રદ કરવા માગે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ મુશ્કેલ હોય તેવી નાની શોપ્સ બહાર પેવમેન્ટ પર માર્કેટ સ્ટાઈલના સ્ટોલ લગાવી શકે તેવી યોજના પણ ઘડાઈ રહી છે.

બોરિસની સામાજિક અંતર મુદ્દે સહાનુભૂતિ

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ઉનાળા સુધીમાં લોકડાઉનને હળવું કરવા અને યુકે સામાન્ય જીવન તરફ પરત ફરે તેમ કરવા ઈચ્છે છે. આ માટે અર્થતંત્રને વેગ આપવા અને લાખો નોકરીઓને બચાવવા બે મીટરના સામાજિક અંતરને ઘટાડી એક મીટરનું કરવા માગે છે. જોકે, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક અને વિજ્ઞાનીઓ કહે છે કે ‘સલામતી પ્રથમ’નો અભિગમ જાળવી રખાશે. વિજ્ઞાનીઓ અને હેલ્થ નિષ્ણાતો કહે છે કે ઉતાવળે લોકડાઉન હળવું કરવાથી કેટલાક વિસ્તારોમાં ઈન્ફેક્શન દર ‘R’ ઊંચો જવાનું જોખમ છે. વડા પ્રધાન બે મીટરના સામાજિક અંતરની જાળવણીના નિયમમાં છૂટછાટ માટે ભારે દબાણનો સામનો કરી રહ્યા છે. આ નિયમ, બરાબર કામ કરી શકે તેમ ન હોવાની દલીલ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી દ્વારા કરાઈ રહી છે. વડા પ્રધાને એવો સંકેત આપ્યો હતો કે તેઓ આ મર્યાદા ઘટાડવા મુદ્દે સહાનુભૂતિ ધરાવે છે પરંતુ, સરકારના વિજ્ઞાનીઓએ તે સલામત નહિ હોવાની ચેતવણી આપી છે. પૂર્વ ટોરી નેતા ઈયાન ડંકન સ્મિથે કહ્યું હતું કે શાળાઓ, પબ્લિક ટ્રાન્સપોર્ટ તેમજ પબ્સ અને રેસ્ટોરાં માટે બે મીટરનો નિયમ ચાલી શકે તેમ નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા એક મીટરના અંતરને યોગ્ય ગણાવે છે તેમજ અન્ય ઘણા દેશોએ લિમિટ ઘટાડી છે. વિજ્ઞાનીઓને અર્થતંત્રની સમજ પડતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter