લંડનઃ ફિન્સબરી પાર્ક મસ્જિદ પાસે ત્રાસવાદી હુમલાના પગલે હોમ સેક્રેટરી એમ્બર રડે અસલામત ધર્મસ્થાનોના રક્ષણ માટે વધારાના એક મિલિયન પાઉન્ડના ભંડોળ VFIની જાહેરાત કરી છે. VFI યોજનાનો લાભ ધર્મસ્થાનો અને સંકળાયેલા કોમ્યુનિટી સેન્ટર્સ લઈ શકશે. ગયા વર્ષે સરકારે ૨.૪ મિલિયન પાઉન્ડની પ્લેસીસ ઓફ વર્શિપ યોજના જાહેર કરી હતી તેમાં આ વધારો કરાયો છે.
હવે સંસ્થાઓ તેમની સભાઓમાં સલામતી જળવાય તે માટે સીસીટીવી, કેમેરા તેમજ રક્ષાત્મક ફેન્સિંગ સહિતના સિક્યુરિટી પગલાં માટે મદદની અરજી કરી શકશે. સરકારના હેટ ક્રાઈમ એક્શન પ્લાનના ભાગરુપે હોમ સેક્રેટરીએ ૨૨ જૂને કોમન્સમાં નવા ફંડની જાહેરાત કરી હતી.
ગત નવેમ્બરમાં ૪૫ ચર્ચ, ૧૨ મસ્જિદ, એક હિન્દુ મંદિર અને એક ગુરુદ્વારા સહિત ૫૯ ધર્મસ્થાનને આશરે ૪૦૦,૦૦૦ પાઉન્ડ અપાયા હતા. યુકેમાં હિન્દુ મંદિરોની સંખ્યા મોટી છે ત્યારે મંદિર અને ભક્તોનું રક્ષણ થાય તે માટે પણ વર્તમાન સંજોગોમાં આ સરકારી યોજનાનો લાભ લેવો આવશ્યક છે. હિન્દુ મંદિરોના ટ્રસ્ટીઓ અને સંચાલકોએ VFI યોજનાનો લાભ લેવા વિચારવું જોઈએ.
VFI યોજના વિશે વધુ માહિતી અથવા ભંડોળ મેળવવા માટે [email protected] ની મુલાકાત લેવા વિનંતી છે. ૨.૪ મિલિયન પાઉન્ડના ભંડોળમાંથી નવેમ્બર ૨૦૧૬માં પ્રથમ રાઉન્ડમાં ભંડોળ મેળવનારાની જાહેરાત કરી દેવાઈ છે. બીજા રાઉન્ડ માટેની અરજી હવે બંધ કરાઈ છે. સફળ અરજદારની જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે. તેના માટે વેબલિન્ક http://bit.ly/2t8H209 જોવા વિનંતી છે.

