લંડનઃ બ્રિટિશ સરકારે મંદિરો, મસ્જીદો અને ગુરદ્વારા જેવા પુજા-પ્રાર્થનાના સ્થળોની વધારાની સુરક્ષા માટે ભંડોળ ફાળવ્યું છે. બ્રિટનમાં ૪૫ ચર્ચ, ૧૨ મસ્જીદો, એક મંદિર અને એક ગુરદ્વારા સહિત ૪૫ ધર્મસ્થાનોને કુલ ૪૦૫,૦૦૦ પાઉન્ડ સુરક્ષા પેટે અપાશે.
‘ઘૃણાનો ભોગ બનેલા દક્ષિણપૂર્વ ઇંગ્લેન્ડના એક મંદિરને સીસીટીવી, સુરક્ષા લાઇટ અને વાડ બનાવવા ૯૩૧૯ પાઉન્ડ આપ્યા હતા’ એમ હોમ ઓફિસના નિવેદનમાં જણાવાયું હતું. ઇંગ્લેન્ડની પૂર્વમાં અને અનેક હુમલાનો શિકાર બનેલી મસ્જીદને સુરક્ષાના સાધનો વસાવવા અને અજાણ્યા લોકોના આગમન સમયે એલાર્મ તેમજ દરવાજાના તાળાં ખરીદવા ૭૨૩૨ પાઉન્ડ મળ્યા હતા.વેસ્ટ મિડલેન્ડ્સમાં આવેલા તેમજ અનેક હુમલાઓ સહન કરી ચૂકેલા ચર્ચને અજાણ્યાના આગમનના એલાર્મ અને સીસીટીવી વસાવવા ૧૦,૦૧૨ પાઉન્ડ અપાયા હતા.‘પ્લેસીસ ઓફ વર્શિપ સીકયોરિટી ફંડિગ સ્કિમ’ હેઠળ નામ નહિ અપાયેલા એક મંદિરને અને ગુરદ્વારાને પણ ભંડોળ આપવાની યાદીમાં સમાવાયા હતા.
મિનિસ્ટર સારાહ ન્યુટને આશા વ્યક્ત કરી હતી કે આ ભંડોળથી ધર્મસ્થાનોને સુરક્ષા મળશે અને નફરતના માહોલને દૂર કરી શકાશે તેમજ ગુનેગારો સામે કામ ચલાવવા સરળતા રહેશે.’

