ધર્માન્તર માટે મુસ્લિમ ગેંગ દ્વારા કેદીઓની મારઝૂડ

Wednesday 19th June 2019 04:06 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સનીઉચ્ચ સુરક્ષા સાથેની જેલમાં મુસ્લિમ ગેંગના વડાઓ દ્વારા કેદીઓને ઈસ્લામમાં ધર્માન્તર કરવાની ફરજ પાડવા મારઝૂડ સહિત હિંસા આચરાતી હોવાનું મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસના રિપોર્ટમાં જણાવાયું હતું. અહેવાલ અનુસાર ધર્મના નામે ચાલતી ટોળકીઓમાં નેતાઓ, રિક્રુટર્સ, અમલ કરાવનારા અને અનુયાયીઓ હોય છે. આ ગેંગ્સ ધર્મના નામે અન્ય કેદીઓને શિકાર બનાવવા તૈયાર રહે છે તેમજ હિંસા, દબાણ અને ધાકધમકીનો ઉપયોગ કરે છે.

ક્રિશ્ચિયન પ્રિઝન પાદરી પોલ સોન્ગને લંડનની બ્રિક્સટન જેલમાંથી હાંકી કઢાયા પછી તેણે તાજેતરમાં જેલોમાં મુસ્લિમ કટ્ટરવાદીઓ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘ જો કોઈ ધર્મનિરપેક્ષ હોય અને જેલમાં શાંતિથી જીવન જીવવા માગતો હોય તો તેણે મુસ્લિમ બનવું રહ્યું. આ રીતે તેઓને રક્ષણ મળે છે. કેટલાક લોકોને હિંસા સાથે ધર્માન્તર કરવાની ફરજ પડાય છે. મને જાણ છે કારણકે મારી પાસે પણ ત્રણ-ચાર લોકો આવ્યા હતા અને મને કહ્યું હતું.’ અન્ય બિનમુસ્લિમ કેદીએ જણાવ્યું હતું,‘ લોકો પર ધર્માન્તર કરવા અને ગેંગમાં જોડાવા માટે દબાણ થતું હોય છે.’ એક કેદીએ જણાવ્યું હતું,‘ હું એમ કહું કે હું મુસ્લિમ બનવા માગતો નથી, તો કોઈક મારું સ્ટેબિંગ કરી નાખશે તેનું ધ્યાન રાખવું પડે.’

કોઈ નવી વ્યક્તિ જેલમાં આવે ત્યારે ગેન્ગના સભ્યો દ્વારા તેની સાથે મિત્રતા કેળવાય છે. તે જો ઈસ્લામ ધર્મ અંગીકાર ન કરે તો તેના વિશે તે ખબરી હોવાની અફવા ફેલાવાય છે, જેથી બીજા કેદીઓ દ્વારા તેનો બહિષ્કાર કરે. આ પછી તેની મારઝૂડ કરવામાં આવે છે. ગેંગના સભ્યોએ સંશોધકોને જણાવ્યું હતું કે તેમની અન્ય પાંખના સભ્યો કેદીઓમાં ભયનું વાતાવરણ ફેલાવે છે. કેદીઓ પાસેથી ‘ટેક્સ’ તરીકે નાણા એકત્ર કરાય છે. ગેંગ છોડવાનો પ્રયાસ કરનાર કેદીઓને સજા ભોગવવી પડી હતી. તેમાંની ગંભીર સજા ઈસ્લામને વખોડવા માટેની હતી.

ઈંગ્લેન્ડની આઠ હાઈ-સિક્યુરિટી જેલમાંથી નામ જાહેર નહિ કરાયેલી ત્રણ જેલના ૮૩ પુરુષ કેદી અને ૭૩ સ્ટાફ કર્મચારીના ઈન્ટરવ્યૂમાં આ માહિતી પ્રાપ્ત થઈ હતી. માર્ચ ૨૦૧૯ના અંતે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૩,૦૦૮ મુસ્લિમ કેદીઓ હતા, જે જેલના કુલ કેદીઓના ૧૫ ટકા જેટલાં થાય છે. ગયા વર્ષના અંતે ૧૭૫ કેદી ઈસ્લામિક આતંકવાદ સાથે સંકળાયેલા ગુના માટે સજા ભોગવી રહ્યા હતા. કેટલીક ઉચ્ચ સુરક્ષાયુક્ત જેલોમાં મુસ્લિમ કેદીઓનું પ્રમાણ વધુ હતું. માર્ચમાં કેમ્બ્રીજશાયરની વ્હાઈટમૂર જેલમાં ૪૨ ટકા અને વર્સેસ્ટરશાયરની લોંગ લાર્ટિન જેલમાં ૩૧ ટકા મુસ્લિમ કેદી હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter