લંડનઃ ધામેચા ગ્રૂપ દ્વારા તેમની 50મી વર્ષગાંઠ નિમિત્તે શનિવાર6 જૂને લંડનમાં JW મેરિઓટ ગ્રોવનર હાઉસના ગ્રેટ રૂમ ખાતે ઉજવણીના રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત પાંચ દાયકાના સમયગાળામાં પરિવારની માલિકીનો બિઝનેસ દેશભરમાં હજારો સ્વતંત્ર રિટેઈલર્સને સપ્લાય કરવા સાથે યુકેના અગ્રણી FMCG હોલસેલર્સમાં એક તરીકે વૃદ્ધિ પામ્યો છે. વિશ્વાસ, પ્રામાણિકતા અને મજબૂત સંબંધો થકી નિર્માણ પામેલા ધામેચા ગ્રૂપે એકસમાન રીતે રિટેઈલર્સ અને સપ્લાયર્સનો ભરોસો હાંસલ કર્યો છે. આ મૂલ્યો બિઝનેસની સ્થાપનાના પ્રથમ દિવસથી જ બિઝનેસના હાર્દમાં રહ્યા છે અને તેની સફળતાને તેમજ સમગ્ર યુકેમાં સ્વતંત્ર રિટેઈલર્સને સપોર્ટ કરવાની પ્રતિબદ્ધતાને સતત આગળ ધપાવતા રહ્યા છે. ગત પાંચ દાયકામાં કંપનીની સિદ્ધિઓને સન્માનવાના પ્રસંગે સાથીઓ, સપ્લાયર્સ, રીટેઈલર્સ, બિઝનેસ એસોસિયેટ્સ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને ધામેચા પરિવારના સભ્યો એકત્ર થયા હતા.
ઉજવણી પ્રસંગે બોલતા ધામેચા ગ્રૂપના સીઈઓ પ્રદીપભાઈ ધામેચાએ કંપનીની યાત્રા વિશે જણાવ્યું હતું અને તેની સફળતાને ઘડનારા નિર્ણયાત્મકતા, વિઝન અને પારિવારિક મૂલ્યો પર પ્રકાશ પાથર્યો હતો. વર્ષો દરમિયાન, ગ્રૂપ દ્વારા તેના લોકો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીમાં રોકાણ કરાતું રહ્યું જેનાથી ગ્રાહકોના અનુભવોમાં વધારો થયો અને યુકેના અગ્રણી હોલસેલર્સમાં એક તરીકે તેની પોઝિશન મજબૂત બની રહી. બિઝનેસના હાર્દમાં તેમના લોકો, કસ્ટમર્સ અને સહયોગી-સાથીઓ રહ્યાં છે જેમાંથી ઘણા તો દાયકાઓથી ધામેચા ગ્રૂપની યાત્રાનો હિસ્સો છે.
ધામેચા પરિવાર માટે સફળતા હંમેશાં તેમના બિઝનેસથી વધુ જ રહી છે. તેની યાત્રા દરમિયાન, પરિવાર હંમેશાં સમાજને પરત કરતા રહેવામાં અને તેના વિકાસમાં યોગદાન આપનારી કોમ્યુનિટીઓને સપોર્ટ કરવામાં પ્રતિબદ્ધ રહ્યો છે. મજબૂત પારિવારિક મૂલ્યો અને સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાથી પ્રેરિત ગ્રૂપે અવિરતપણે ચેરિટેબલ અને કોમ્યુનિટી ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ કર્યો છે. ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનના હિસ્સા તરીકે આ પરંપરાને જારી રાખતા પરિવારે યુનાઈટેડ કિંગ્ડમમાં વિવિધ કોમ્યુનિટી પ્રોજેક્ટ્સ માટે 750,000 પાઉન્ડથી વધુના દાનની જાહેરાત કરી હતી જેના થકી જરુરિયાતમંદોને સપોર્ટ અને સ્થાનિક સમુદાયોને મજબૂત બનાવવામાં મદદ મળી શકે.
આ ઈવેન્ટમાં દિવંગત પૂજ્ય ખોડીદાસભાઈ ધામેચા, તેમના ભાઈઓ શાંતિભાઈ અને જયંતિભાઈ તથા જેમના મૂલ્યો આજે પણ પરિવારને માર્ગદર્શન આપતા રહે છે તેવા આદરપાત્ર પૂજ્ય લાડુમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધામેચા ગ્રૂપની સફળતા તેની નોંધપાત્ર બિઝનેસ સિદ્ધિઓમાં દેખાઈ આવે છે ત્યારે પરિવારના સભ્યોએ લાડુમાનો મહાન વારસો તેમણે પોતાના સંતાનોમાં સીંચેલા સિદ્ધાંતો, કઠોર પરિશ્રમ, નમ્રતા, અનુકંપા અને ઉદારતામાં જળવાયેલો છે તેના વિશે વિચારો રજૂ કર્યા હતા. તેમનો પ્રભાવ પેઢીઓને સુધી વિસ્તરી ગયો છે અને ધામેચા પરિવારના હાર્દમાં રહેલા ચારિત્ર્ય અને મૂલ્યોનું ઘડતર કર્યું છે. તેમનું જીવન એક શક્તિશાળી સ્મરણ સ્વરૂપે ખડું છે કે સફળતાની ઘણી શાશ્વત કથાઓની પાછળ અસાધારણ માતાની શક્તિ, ધીરજ અને શાંત નેતૃત્વ રહેલું છે.
મહેમાનોએ હુંફાળા અને ઉજવણીના માહોલમાં સ્વાદિષ્ટ વ્યંજનો, મનોરંજન, સંગીત અને નૃત્યની સાંજનો આનંદ મામ્યો હતો. આ પ્રસંગે મિત્રો, બિઝનેસ એસોસિયેટ્સ અને શુભેચ્છકોને સાથે હળવામળવા તેમજ યુકેના હોલસેલ સેક્ટરમાં આદરપાત્ર નામ બનેલી કંપનીની અસાધારણ યાત્રાની ઉજવણી કરવાની અનોખી તક પૂરી પાડી હતી.


