લંડનઃ યુએન માન્ય ચેરિટી ધ લૂમ્બા ફાઉન્ડેશન વતી જમ્મુ અને કાશ્મીરની વિધવા ઓ માટે ભંડોળ એકત્ર કરવા આંતરરાષ્ટ્રીય કાનૂની પેઢી હર્બર્ટ સ્મિથ ફ્રીલ્સમાં ધારાશાસ્ત્રી અને પરોપકારી ક્રિસ પારસન્સે ત્રીજી ફેબ્રુઆરી સોમવારે સાયકલિંગ મેરેથોનનો આરંભ કર્યો હતો. દક્ષિણ ભારતના કન્યાકુમારીથી આરંભ કરાયેલી આ યાત્રા આશરે ૪૫ દિવસમાં ૪,૫૦૦ કિલોમીટરથી વધુ અંતર કાપી ઉત્તર ભારતના શ્રીનગર ખાતે સમાપ્ત થવાની છે. આ સાહસમાં ક્રિસ ધ લૂમ્બા ફાઉન્ડેશન વતી ગરીબ વિધવાઓ અને તેમના બાળકોને મદદ કરવા માટે ૪૫૦,૦૦૦ યુએસ ડોલરથી વધુ ભંડોળ એકત્ર કરવાનો ઉદ્દેશ ધરાવે છે.
વંચિત કે કચડાયેલા, અસલામત વર્ગ માટે ભંડોળ એકત્ર કરવાના હેતુસર ક્રિસની આ પ્રથમ યાત્રા નથી. ક્રિસ કહે છે કે સૌ પહેલા કાનૂની પેઢીમાં ૨૦૦૬માં બાળકોની ચેરિટી માટે ભંડોળ એકત્ર કરવા પ્રથમ સાયકલયાત્રા કરી હતી. આ પછી, ૨૦૧૧માં ૫૦મી વર્ષગાંઠે વિવિધ ચેરિટીઝ માટે ભંડોળ એકત્ર કરવા મેં લાંબા અંતરની સ્પોર્ટ્સ પ્રવૃત્તિ ચાલુ રાખવા નિર્ણય લીધો હતો.’
ક્રિસ આ પછીના પાંચ વર્ષમાં કાનૂની પેઢીના પ્રતિનિધિ તરીકે ભારત આવ્યા હતા. અહીં પણ તેમણે ભારતીય ચેરિટી સંસ્થાઓને મદદ કરવા નિર્ણય લીધો હતો. ભારતમાં વિધવાઓની સહાય કરતી ચેરિટી ધ લૂમ્બા ફાઉન્ડેશનના સ્થાપક લોર્ડ રાજ લૂમ્બા સાથે સહકારનો આ આરંભ હતો. તેમણે ધ લૂમ્બા ફાઉન્ડેશન માટે લંડનથી જિબ્રાલ્ટર સુધી સાયકલયાત્રાનો વિચાર કર્યો હતો.
૩૦મી લગ્નગાંઠે ૩૦ દિવસમાં ૩૦ મેરેથોન
ક્રિસે ૨૦૧૧માં લંડનથી જિબ્રાલ્ટર સુધી સાયકલયાત્રામાં ૨૦૦,૦૦૦ પાઉન્ડનું ભંડોળ એકત્ર કર્યું હતું. તેમણે ૨૦૧૫માં પોતાની ૩૦મી લગ્નગાંઠ નિમિત્તે વધુ એક સાહસ વિચાર્યું અને ૩૦ દિવસમાં ૩૦ મેરેથોન ચાલવાનો નિર્ણય લીધો હતો. આ સાહસમાં તેમણે ફરી લૂમ્બા ફાઉન્ડેશન માટે ૩૦૦,૦૦૦ પાઉન્ડનું ભંડોળ એકત્ર કર્યું હતું. આ સાહસની શરૂઆત મુંબઈથી થઈ હતી અને મહારાષ્ટ્રના કાંઠે રહી ગોવાથી કર્ણાટકના મેંગલોર તેમજ પૂર્વમાં જઈ વેસ્ટર્ન ઘાટમાંથી પસાર થઈ બેંગલોર પહોંચવા સુધીમાં તેમણે ૧૨૦૦ કિલોમીટરથી વધુ અંતર પાર કર્યું હતું.
ક્રિસ ૨૦૧૧થી લૂમ્બા ફાઉન્ડેશનના એમ્બેસેડર તરીકે કાર્યરત છે. તેઓ કહે છે કે,‘ભારતમાં પતિના મૃત્યુ પછી ઘણી વિધવાઓ ગરીબીમાં સડે છે. લૂમ્બા ફાઉન્ડેશન સશક્તિકરણ કાર્યક્રમો કાર્યક્રમો થકી વિધવાઓ પોતાની અને પરિવારને સપોર્ટ કરી શકે તે માટે તેમને સ્વનિર્ભર બનાવવા કૌશલ્ય તાલીમ સહિત અન્ય મદદ પૂરી પાડે છે.’ તેમણે દિલ્હી અને વારાણસીમાં વિધવાઓની મુલાકાત પણ લીધી છે અને જમ્મુ-કાશ્મીરની વિધવાઓ માટે પણ સારું ભંડોળ એકત્ર કરી શકવાની આશા દર્શાવી હતી.
ક્રિસના આ સાહસમાં ઓયો હોટેલ્સ અને યુનિલિવર જેવા કોર્પોરેટ્સનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તમે પણ https://www.justgiving.com/fundraising/chris-parsons40ની મુલાકાત લઈ યોગદાન આપી શકો છો. ક્રિસ પારસન્સ અને તેમના સાયકલયાત્રા સાહસોના નિયમિત અપડેટ્સ મેળવવા તેમના બ્લોગ https://cyclingwidows2020.home.blogની મુલાકાત લઈ શકશો.
લોર્ડ રાજ લૂમ્બા CBE અને તેમના પત્ની લેડી વીણા લૂમ્બા દ્વારા માતા પુષ્પાવતી લૂમ્બાની યાદમાં લંડન ખાતે ૧૯૯૭માં લૂમ્બા ફાઉન્ડેશનની સ્થાપના કરાઈ હતી, જેઓ ૩૭ વર્ષની નાની વયે ૧૯૫૪માં વિધવા થયાં હતાં.


