લંડનઃ યુકેમાં હવે ૨૫ ટકા કરતાં પણ ઓછાં યુગલો ધાર્મિક વિધિ પ્રમાણે લગ્ન કરે છે. આ પ્રકારના લગ્નોની સંખ્યામાં વિક્રમજનક ઘટાડો નોંધાયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા અનુસાર ૧૯૯૨થી ધાર્મિક વિધિ પ્રમાણે થતાં લગ્નની સરખામણીમાં સિવિલ મેરેજની સંખ્યા વધતી જ રહી છે.
૨૦૧૬માં થયેલાં લગ્નોમાં પહેલી વખત માત્ર ૨૪ ટકા લગ્ન ધાર્મિક વિધિ પ્રમાણે થયાં હતાં. ૨૦૧૫-૨૦૧૬ના ગાળામાં ધાર્મિકવિધિના લગ્નમાં ૪.૨ ટકાનો ઘટાડો થવા છતાં કુલ લગ્નોની સંખ્યામાં ૧.૭ ટકાનો વધારો થયો હતો. ફેમિલી લોના નિષ્ણાતોએ સૂચવ્યું હતું કે આ આંકડા દર્શાવે છે કે લગ્નો વધુ સામાજિક અને ઓછાં પવિત્ર બની રહ્યા છે અને તેની સાથે સમાજમાં ધર્મનું મહત્ત્વ ઘટી રહ્યું છે.
નોંધાયેલા કુલ ૨૪૯,૭૯૩ લગ્નોમાંથી ૬૦,૦૬૯ લગ્ન ધાર્મિક વિધિ અનુસાર કરાયા હતા. ૨૦૧૬માં ૬૧ સજાતીય લગ્ન ધાર્મિક વિધિ સાથે કરાયાં હતાં.


