ધાર્મિક સંપ્રદાયોના અગ્રણીઓએ શોક અને આઘાત વ્યક્ત કર્યા

Wednesday 24th May 2017 07:46 EDT
 

• માન્ચેસ્ટરમાં કરાયેલા ત્રાસવાદી હુમલાથી હિન્દુ કોમ્યુનિટીના સભ્યોમાં પણ રોષ અને આઘાતની લાગણી પ્રસરી છે. નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી કોમ્યુનિટી યુકેના પ્રેસિડેન્ટ અને એક્ઝિક્યુટીવ કમિટીના સભ્ય સી.જે.રાભેરુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ત્રાસવાદી ઘટનામાં મૃતકોના પરિવારો અને મિત્રોને ઊંડી દિલસોજી પાઠવવામાં હિન્દુ કોમ્યુનિટી પણ સામેલ છે. આ ત્રાસવાદીઓએ સમજી લેવું જોઈએ કે આવા હુમલાથી આ દેશના નૈતિક તાણાવાણાનો નાશ થવાનો નથી. અમે આ દુઃખમાં અને નિર્દોષ બાળકો પર આવા કાયર હુમલા સામે લડવા એક સાથે છીએ. આપણા દેશમાં લોકશાહી, આઝાદી, માનવ અધિકાર, તેમજ કાયદાના શાસનના મૂલ્ય થોડાં લોકો દ્વારા હિંસા અને ત્રાસવાદ ચલાવવાથી હાર પામશે નહીં.

• હિંદુ કાઉન્સિલ યુકેના ડિરેક્ટર-સેક્રેટરી જનરલ સંજય જગતિઆ તેમજ સહઅધ્યક્ષો ઉમેશ સી. શર્મા અને સત્ય મિન્હાસે સંસ્થાના ટ્રસ્ટીઓ ડિરેક્ટરો અને એક્ઝિક્યુટીવ સભ્યો વતી નિવેદનમાં જણાવ્યું હતું કે સુસાઈડ બોમ્બર દ્વારા માન્ચેસ્ટર એરીનામાં નિર્દોષ લોકોને નિશાન બનાવતા અને ખાસ કરીને બાળકો પરના ત્રાસવાદી હુમલાથી હિન્દુ કાઉન્સિલ યુકેને ઊંડો આઘાત લાગ્યો છે. મૃતકોના પરિવારો અને મિત્રોને અમારા ઊંડા આશ્વાસન અને દિલશોજી પાઠવવામાં જોડાવા સાથે તેમના માટે અમે પ્રાર્થના પણ કરીએ છીએ. યુકેની તમામ ફેઈથ કોમ્યુનિટી સાથે અમે એકતા દર્શાવી સ્પષ્ટ કરીએ છીએ કોઈપણ જાતના આવા હુમલા અમે વિભાજીત કરશે નહીં.

• માંચેસ્ટરસ્થિત રમાદાન ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટીવ મિ. મોહમ્મદ શફીકે માંચેસ્ટર ત્રાસવાદી હુમલા સંદર્ભે નિવેદનમાં જણાવ્યું હતું કે માંચેસ્ટરવાસીઓ આ હુમલાના મૃતકોનો શોક મનાવશે પરંતુ આ જંગલી ત્રાસવાદીઓ કોમ્યુનિટીઓની વિભાજિત કરવામાં સફળ થશે નહીં. અમે આ ત્રાસવાદી હુમલાને સખ્તપણે વખોડીએ છીએ. અમે હિંસાની આસુરી વિચારસરણીનો પર્દાફાશ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. રમાદાન ફાઉન્ડેશન દ્વારા ૨૪ મે બુધવાર સાંજ પાંચ વાગે માંચેસ્ટર ટાઉનહોલની બહાર બહુધાર્મિક પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

• શીખ ફાઉન્ડેશન (યુકે)ના અધ્યક્ષ ભાઈ અમરિકસિંહે માંચેસ્ટરમાં ત્રાસવાદી હુમલા અંગે પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે અમારા વિચારો અને પ્રાર્થના આ ત્રાસવાદી હુમલામાં મૃતક અને ઈજાગ્રસ્તોના પરિવારોની સાથે છે. ત્રાસવાદી હુમલામાં ઘેરાયેલા લોકોના સપોર્ટમાં તત્કાળ બહાર આવેલા માંચેસ્ટરમાં રહેતા અને કામ કરતાં શીખોને હું અભિનંદન આપું છું. શીખ ટેકસી ડ્રાઈવરોએ જોખમના સ્થળેથી લોકોને અમારા ગુરુદ્વારા સુધી પહોંચાડ્યા હતા જેમણે અજાણ્યાઓને મદદ કરવા પોતાના દ્વાર ખુલ્લા રાખ્યા હતા.

• ધ ફેડરેશન ઓફ મુસ્લિમ ઓર્ગેનાઈઝેશન્સ (FMO)ના સુલેમાન નાગદીએ માંચેસ્ટર એરીનામાં વિસ્ફોટમાં માર્યા ગયેલા અને ઈજાગ્રસ્તોના સમાચારથી ભારે આઘાત લાગ્યો હોવાનું જણાવ્યું હતું. સંપૂર્ણ હકીકતો બહાર આવવાની બાકી છે. અને તપાસ ચાલુ છે ત્યારે કોઈપણ હેતુ હોય હત્યાને કદી વાજબી ઠરાવી શકાય નહીં. આ સૌથી મુશ્કેલ સમયમાં અમારા વિચારો અને પ્રાર્થના આઘાતજનક કરુણાંતિકાથી અસરગ્રસ્ત લોકો સાથે છે. માંચેસ્ટરની કોમ્યુનિટી આ હિંસાની સામે એકસંપ થઈને ઊભી રહેશે.

• બ્રહ્માકુમારી સંસ્થાના યુરોપિયન ડિરેક્ટર સિસ્ટર જયંતીએ માન્ચેસ્ટરના ત્રાસવાદી હુમલા સંદર્ભે નિવેદનમાં જણાવ્યું હતું કે માન્ચેસ્ટરમાં ત્રાસવાદી હુમલાથી અસરગ્રસ્તોને સહાનુભૂતિ અને શાંતિની પ્રાર્થનામાં દેશ અને વિશ્વના કરોડો લોકોની સાથે અમે પણ જોડાઈએ છીએ. વાસ્તવમાં આપણે સહુ અસરગ્રસ્ત છીએ. આપણે જ્યાં પણ હોઈએ આપણા પ્રેમાળ અને શાંતિપૂર્ણ વિચારો વિશ્વાસ અને આશાનું વાતાવરણ સર્જવામાં ફાળો આપી શકે છે. આપણા વિચારો અને હૃદયમાં અનુકંપા અને હિંમત રાખીશું તો અન્યોને પણ તેમની પોતાની હિંમત અને અનુકંપાનો અનુભવ કરવાની પ્રેરણા મળશે. મન અને હૃદય શાંત અને પ્રેમાળ રહેશે તો આપણે સમગ્ર વિશ્વને અનુકંપા અને હિંમતના મૃદુ તરંગો મોકલી શકીશું. દરેકના સહકાર સાથે આપણે વિશ્વમાં શાંતિનું વાતાવરણ સર્જવામાં મદદરુપ બની શકીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter