લંડનઃ રોટરી ક્લબ વેસ્ટમિન્સ્ટર વેસ્ટ, લંડનના સભ્ય નયન પટેલની યુકેસ્થિત સ્પેશિયાલિસ્ટ ચેરિટી લેપ્રા (Lepra)ના બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં નિયુક્તિ કરવામાં આવી છે. આ ચેરિટી ભારત, બાંગલાદેશ અને મોઝામ્બિકમાં લેપ્રસી એટલે કે રક્તપિતની નાબૂદીનું કાર્ય કરી રહી છે. પોતાની નવી કામગીરી સ્વીકારતા નયન પટેલે જણાવ્યું હતું કે, ‘રક્તપિત નાબૂદ કરવાના વૈશ્વિક યુદ્ધમાં આ બોર્ડ સાથે કામ કરવા હું ઉત્સાહી છું.’
નયન પટેલ પાર્લામેન્ટસ્થિત એનજીઓ કાઉન્સિલ ફોર એજ્યુકેશન ઈન ધ કોમનવેલ્થમાં ટ્રસ્ટીપદે હોવા સાથે રોટરી ઈન્ડિયા લિટરસી મિશન તેમજ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની સોમરવિલે કોલેજના ઓક્સફર્ડ ઈન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના એડવાઈઝરી બોરહ્ડ્સમાં પણ સેવા આપે છે. તાજેતરમાં જ નયન પટેલને ચેરિટેબલ સંસ્થાઓ અને વિશ્વભરમાં સખાવતી કાર્યોમાં યોગદાન આપવા બદલ રોટરી ઈન્ટરનેશનલના ‘સર્વિસ અબાવ સેલ્ફ’ એવોર્ડથી વિભૂષિત કરાયા હતા.
વિકસિત દેશોમાં લેપ્રસી હવે આરોગ્યની સમસ્યા રહી નથી પરંતુ, એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના મોટા ભાગના વિસ્તારોમાં લાખો લોકો તેની અસરથી પીડાય છે. રક્તપિત સાથે સંકળાયેલી દંતકથાઓ, સામાજિક-સાંસ્કૃતિક માન્યતાઓ, કલંક અને જાગૃતિનો અભાવ આજે પણ જાહેર આરોગ્યના કર્મશીલો માટે સૌથી મોટા પડકાર સમાન બની રહેલ છે.
ભારતમાં લેપ્રસી કે કુષ્ઠ રોગ ૧૩ વર્ષથી સત્તાવારપણે નાબૂદ જાહેર કરાયો છે. દર ૧૦,૦૦૦માં એક વ્યક્તિથી પણ ઓછું પ્રમાણ તેનાથી પીડાય છે. આમ છતાં, ૨૦૧૭માં આઘાતજનક રીતે લેપ્રસીનાં નવા ૧૩૫,૪૮૫ કેસ જોવાં મળ્યા હતા, જે પ્રમાણ વિશ્વના લેપ્રસી કેસીસમાં ૬૬ ટકાનું હતું. ઈસ્વી સન પૂર્વે ૬૦૦માં સૌપ્રથમ નોંધાયેલા રક્તપિત રોગ માટે માયકોબેક્ટેરિયમ લેપ્રે બેક્ટેરિયા જવાબદાર હોય છે. માનવ શરીરમાં રક્તપિતના લક્ષણો દેખાય તેને પાંચથી ૨૦ વર્ષનો લાંબો ગાળો લાગતો હોય છે. દર વર્ષે વિશ્વમાં લેપ્રસીના નવા ૨.૧૬ લાખ કેસ નોંધાય છે. ભારતમાં બાબા આમ્ટે દ્વારા ૧૯૪૯માં મહારાષ્ટ્રમાં આનંદવન વસાહત સ્થાપવામાં આવી હતી, જેના દ્વારા અત્યાર સુધી ૯૦૦,૦૦૦થી વધુ કુષ્ઠરોગીને સાજા કરાયા સાથે તેમને શિક્ષણ અને રોજગાર થકી સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનું કાર્ય કરાયું છે.


