20મી સદીના સૌથી મહત્ત્વપૂર્ણ સાઉથ એશિયન વ્યક્તિત્વોમાં બે ગુજરાતી થઈ ગયા, એક ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ ગાંધી અને બીજા પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણા. આ જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ પણ હતા જેમણે ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે 565 રજવાડાંને ભારતીય સંઘમાં જોડાવા સમજાવી લીધા હતા.
વર્તમાન ભારતમાં સૌથી ચાર શક્તિશાળી વ્યક્તિઓ ગુજરાતી છે. ભારતીય રાજકારણના ઉચ્ચાસને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરાજમાન છે, તો તેમના જમણા હાથ જેવા ગૃહમંત્રી અને શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ-BJP)ના મુખ્ય વ્યૂહરચનાકાર અમિત શાહ છે. ભારતીય ઈન્ડસ્ટ્રીના બે દિગ્ગજ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી છે જેમના મહાકાય કંપનીજૂથો (કોંગ્લોમેરેટ) પોર્ટ્સથી માંડી ટેલિકોમ્સ સુધીના સર્વનું સંચાલન કરે છે.
જોકે, ભારતમાં આટલી વ્યાપક વગ ઉભી કરવા છતાં, જ્યારે સંસ્કૃતિને આકાર આપવાની વાત આવે છે ત્યારે ગુજરાતીઓ ઘણા સુસ્ત કે આળસી રહ્યા હતા. મોદીનું શાસન આવ્યું ત્યાં સુધી તો ભારતનો તેના વિશેનો વિચાર આંગ્લભાષી ભદ્રલોક અને બંગાળના ઉચ્ચ બૌદ્ધિક વર્ગ દ્વારા જ નિર્માણ કરાયો હતો. ગુજરાતીઓએ તેમની સાથે લાગેલાં વેપારીવર્ગના લટકણિયાં થકી બિઝનેસ પર જ ધ્યાન કેન્દ્રિત કરેલું હતું. તેઓ મુંબઈના નાણાકીય બજારોમાં મોટી ભૂમિકા ભજવે છે, ઈસ્ટ આફ્રિકામાં કોંગ્લોમેરેટ્સની માલિકી ધરાવે છે તેમજ યુરોપ અને અમેરિકામાં હીરાના વેપારગૃહોનું સંચાલન કરે છે. બ્રિટન પણ ગુજરાતી દુકાનદારોનો દેશ છે.
જો કોઈ ભારતીય ગુજરાતીઓની બિઝનેસમાં ભૂમિકાથી આગળ વધી તેમના વિશે વિચારે તો તેમના શાકાહારીપણા અથવા રાજ્યમાં દારુબંધીની વાત હોઈ શકે. ગુજરાતની વાત આવે ત્યારે બિઝનેસ ઉપરાંત, સ્વાદિષ્ટ ભોજન અને રમખાણો પણ યાદ આવે. ભારતના પશ્ચિમ કિનારે અસમથળ લેન્ડસ્કેપમાં આશરે 70 મિલિયનની ભરચક વસ્તી સાથે ગુજરાત પણ સમગ્રતયા ભારતની માફક તેની વૈવિધ્યતાથી ઝળકી રહ્યું છે. ન્યુ યોર્કસ્થિત લેખક સલિલ ત્રિપાઠી તેમના નવા પુસ્તક ‘ધ ગુજરાતીસ’માં આ જ વૈવિધ્યતા પર પ્રકાશ પાથરે છે.
સામાન્ય રીતે કોઈ ચોક્કસ સમુદાયને સંબંધિત પુસ્તકો માટે જે તે સમુદાયના લોકોને જ રસ હોય છે. પરંતુ, વર્તમાન ભારતમાં ગુજરાતીઓના કદનું મહત્ત્વ વધી ગયું છે. મોદીએ 2014માં સમગ્ર ભારતને ગુજરાતમાં પલટી નાખવાના વચન સાથે ચૂંટણીપ્રચાર કર્યો હતો. લગભગ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યને કાર્યક્ષમ વહીવટ, બિઝનેસ કરવામાં સરળતા, ઉચ્ચ આર્થિક વિકાસ અને પ્રથમ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પર્યાય બનાવ્યું હતું.
તો પછી સવાલ એ થાય કે આ ગુજરાતીઓ છે કોણ? લેખક ત્રિપાઠીનો મત વિસ્તૃત છેઃ કોઈ પણ જે ગુજરાતી ભાષા બોલે છે, ગુજરાતમાં રહે છે અથવા તે રાજ્યમાંથી આવે છે. તેમની વ્યાખ્યામાં માત્ર હિન્દુઓ જ નહિ, જૈનો, પારસીઓ, દલિતો, આદિવાસી સમૂહો અને અનેક પ્રકારના મુસ્લિમો સમાવિષ્ટ છેઃ ‘ગુજરાતી એક ભાષા છે. તે આહાર-ડાયેટ નથી, કે ધર્મ પણ નથી અને ચોક્કસપણે કોઈ જાતિ-જ્ઞાતિ નથી.’ આ ભાષા જ હિન્દી, ઉર્દુ, અંગ્રેજી, પર્શિયન અને અરેબિકમાંથી મેળવેલા અને સમાવેલા શબ્દો થકી સમૃદ્ધ છે, જે ગુજરાતના પ્રાચીન વેપાર સંપર્કોનું પ્રતિબિંબ છે.
ગુજરાતની સર્વદેશીયતા કે કોસ્મોપોલિટાનિઝનું કારણ અને અસર પણ તેમની નસોમાં વહેતા વેપારી લક્ષણોનું પરિણામ છે. રાજ્યની વિષમ આબોહવાએ શાસકોને વેપારને પ્રોત્સાહન આપવા અને તમામ ધર્મો-સંપ્રદાયોના ઉદ્યોગસાહસિકોને આકર્ષવા પ્રેર્યા હતા. બિઝનેસ કરવાનો હોય તો તેના માટે વ્યવહારદક્ષતા અને અનુકૂળ થઈને રહેવાનું આવશ્યક છે.