નવા ૧૮૦,૫૦૦ લેન્ડલોર્ડ્સે SDLT રાહતનો લાભ લીધો

Wednesday 28th November 2018 01:50 EST
 
 

લંડનઃ પહેલી વખત મકાન ખરીદનારા ૧૮૦,૫૦૦ મકાનમાલિકોએ નવા મકાન માટે સ્ટેમ્પ ડ્યૂટી લેન્ડ ટેક્સ (SDLT) માં અપાયેલી રાહતનો લાભ લીધો હોવાનું રેવન્યુ એન્ડ કસ્ટમ્સ (HMRC)ના આંકડામાં જણાવાયું હતું. ફર્સ્ટ ટાઈમ બાયર રિલીફ (FTBR) તરીકે જાણીતી નાણાં બચાવનારી આ ટેક્સ રાહત ૨૨ નવેમ્બર, ૨૦૧૭થી અમલી બની હતી અને તેને એક વર્ષ થવાની પૂર્વસંધ્યાએ જાહેર કરાયેલા નવા આંકડા મુજબ ખરીદારોએ લગભગ ૪૨૬ મિલિયન પાઉન્ડ કરતાં વધુની રકમ બચાવી હોવાનો અંદાજ છે.

ગયા મહિને રજૂ કરાયેલા બજેટમાં પ્રોપર્ટીની બજારકિંમત નહીં પરંતુ, તબક્કાવાર SDLTની ચૂકવણી પસંદ કરતી માન્ય શેર્ડ ઓનરશિપ સ્કીમ મારફતે પહેલી વખત મકાન ખરીદનારાને આ રાહત આપવામાં આવી હતી. ગયા નવેમ્બરથી માન્ય પ્રોપર્ટી વ્યવહાર પર તેને લાગુ કરાઈ હતી.

ફાયનાન્સિયલ સેક્રેટરી ટુ ધ ટ્રેઝરી, મેલ સ્ટ્રાઈડે જણાવ્યું હતું કે આ આંકડા દર્શાવે છે કે પહેલી વખત મકાન ખરીદનારાઓને રાહત આપવાનું સરકારનું પગલું યોગ્ય હતું. તેના વિના નવા મકાનમાલિકોને પ્રોપર્ટી મેળવવામાં ભારે સંઘર્ષ કરવો પડ્યો હોત. પરિસ્થિતિને યથાવત જાળવવી એ કોઈ વિકલ્પ ન હતો.

FTBR એ પહેલી વખત મકાન ખરીદનારા માટે SDLT રાહત છે. ટેક્સની આ રાહતનો ઉપયોગ ઈંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં જ્યાં પ્રોપર્ટીની ખરીદકિંમત ૫૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ ન હોય ત્યાં કરી શકાય છે. ખરીદનાર આ પ્રોપર્ટીનો ઉપયોગ પોતાના મુખ્ય રહેઠાણ તરીકે કરવા માગતો હોવો જોઈએ અને તેની માલિકીની અન્ય પ્રોપર્ટી હોવી ન જોઈએ.

આ વર્ષે જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે પ્રોપર્ટીના ૫૮,૦૦૦થી વધુ વ્યવહારોમાં આ રાહત ક્લેઈમ કરાઈ હતી. જે અગાઉના ક્વાર્ટર કરતા ૧૨ ટકા વધુ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter