લંડનઃ સરકારની નવી ચાઈલ્ડકેર યોજનાથી ત્રણમાંથી એક નર્સરી બંધ થવાની ચેતવણી અપાઈ છે. હવે ત્રણ અને ચાર વર્ષના બાળકોને સપ્તાહમાં ૩૦ કલાકની મફત સંભાળ રાખવાનો અમલ થયો છે. જોકે, વ્હાઈટ હોલ દ્વારા મળતા ભંડોળથી નર્સતીમાં બેઠકો પૂરી પાડવાનો ખર્ચ પહોંચી વળતા નહિ હોવાની દલીલ થઈ રહી છે. વધી રહેલા નાણાકીય બોજથી ગત બે મહિનામાં ૨૫ નર્સરી બંધ કરવાની ફરજ પડી છે.
પ્રી-સ્કૂલ લર્નિંગ એલાયન્સ દ્વારા ૧૪૦૦ નર્સરી, પ્રી-સ્કૂલ્સ અને બાળસંભાળ કરનારાનો અભ્યાસ કરાયો હતો. આ અભ્યાસ અનુસાર નવી ચાઈલ્ડ઼કેર સ્કીમના બોજા હેઠળ ૩૮ ટકા જેટલી નર્સરી બિઝનેસમાંથી બહાર ફેંકાઈ જવાનું જોખમ છે. અડધોઅડધ નર્સરીએ તેમની ફી અને ચાર્જીસ વધારવાની ફરજ પડશે તેમ પણ બહાર આવ્યું છે. ૭૪ ટકા નર્સરી કહે છે કે વિદ્યાર્થીને બેઠક અને મફત સંભાળ આપવા સામે સરકાર દ્વારા અપાતું ભંડોળ પર્યાપ્ત નથી. કાઉન્સિલો દ્વારા સરેરાશ પ્રતિ કલાક ૪.૯૫ પાઉન્ડની ગ્રાન્ટ અપાય છે, જે ખર્ચ કરતા એક પાઉન્ડ ઓછી છે.
આનો બીજો અર્થ એ થાય કે પરિવારોએ નવી નર્સરી શોધવાની મુશ્કેલી સહન કરવા પડશે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે ૮૨,૦૦૦ પરિવારને વધારાની ચાઈલ્ડકેરનો અધિકાર મળ્યો છે પરંતુ, તેમને આ વર્ષે નર્સરીમાં જગ્યા જ મળી નથી. નવી યોજના હેઠળ ત્રણથી ચાર વર્ષના બાળક ધરાવતા વર્કિંગ પેરન્ટ્સને સપ્તાહના ૧૫ કલાકના બદલે ૩૦ કલાકની ચાઈલ્ડકેરની સુવિધા મળશે. જો પેરન્ટ્સની વાર્ષિક આવક ૧૦૦,૦૦૦ પાઉન્ડથી વધે નહિ તેવા મોટા ભાગના પેરન્ટ્સ આ માટે લાયક ગણાશે.


