નવી હિન્દુ ફ્રી સ્કૂલ ખોલવા અરજી

Tuesday 24th May 2016 09:43 EDT
 
 

લેસ્ટરઃ હિન્દુ પ્રાઈમરી સ્કૂલના શૈક્ષણિક પ્રણેતાઓ દ્વારા શહેરના નોર્થ ઈસ્ટમાં ઓલ-થ્રુ સ્કુલ ખોલવા માટે અરજી કરાઈ છે. ધ અવંતિ સ્કૂલ્સ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૧૧માં લેસ્ટરની પ્રથમ હિન્દુ શાળા કૃષ્ણા અવંતિ પ્રાઈમરી સ્કૂલ ખોલવામાં આવી હતી. હવે તેમના દ્વારા પાંચથી ૧૯ વયજૂથના વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બર ૨૦૧૭થી અલગ સ્થળે સ્કૂલ ખોલવા ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનને અરજી કરાઈ છે. આ શાળા હિન્દુ લાક્ષણિકતા ધરાવશે, પરંતુ અન્ય ધર્મો અને પશ્ચાદભૂના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અપાશે.

ધ અવંતિ સ્કૂલ્સ ટ્રસ્ટના ચીફ એક્ઝીક્યુટિવ નિતેશ ગોરે જણાવ્યું હતું કે,‘ અમે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનને નવી સ્કૂલ ખોલવાની પરમિશન આપવા માર્ચ મહિનામાં અરજી કરી હતી. શહેરમાં શાળાની તીવ્ર જરૂરિયાત છે અને પેરન્ટ્સની પણ આવી માગણી છે. આ શાળા લાક્ષણિક રીતે હિન્દુ હોવાં છતાં કોઈ ચોક્કસ ધર્મ માટે વિશેષ ક્વોટા વિના પ્રવેશના માપદંડમાં તમામ ધર્મો અને પશ્ચાદભૂના વિદ્યાર્થીઓને આવકારશે. અમે હેરોમાં આના જેવું જ કાર્ય કર્યું છે અને આ મોડેલ કેવી રીતે કાર્ય કરે છે તે જાણીએ છીએ.’

સૂચિત શાળાને કોઈ નામ અપાયું નથી. પેરન્ટ્સ, ચેરિટીઝ અને ફેઈથ ગ્રૂપ્સ દ્વારા ફ્રી સ્કૂલ્સ સ્થાપી શકાય છે. તેમણે રાષ્ટ્રીય અભ્યાસક્રમ અનુસરવાનો રહેતો નથી, પરંતુ વ્યાપક અને સંતુલિત શિક્ષણ આપવું પડે છે. ટ્રસ્ટ દ્વારા હેરોમાં સેકન્ડરી તેમજ લંડનની આસપાસ અન્ય ત્રણ પ્રાઈમરીઝ ચલાવાય છે. ઓફસ્ટેડ દ્વારા ૨૦૧૩માં એવિંગ્ટનમાં કૃષ્ણા અવંતિ પ્રાઈમરીને ‘ગૂડ’ રેટિંગ અપાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter