નશામાં ધૂત મનીષ શાહે કારથી વિદ્યાર્થીને કચડ્યોઃ છ વર્ષની જેલ

Wednesday 19th May 2021 06:11 EDT
 
 

લંડનઃ નોટિંગહામમાં ડર્બી રોડ પરના અકસ્માતમાં નશામાં ધૂત ડ્રાઈવર મનીષ શાહે યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થી વિલિયમ ક્રિસમસને કચડી નાખ્યો હતો. મનીષ શાહ અકસ્માત કરી ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. ૧૯ માર્ચ, ૨૦૨૦ની આ ઘટનામાં નોટિંગહામ ક્રાઉન કોર્ટે ૩૮ વર્ષીય મનીષ શાહને છ વર્ષ અને નવ મહિનાની જેલની સજા ફરમાવી હતી.

નોટિંગહામ ક્રાઉન કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે લફબરોના રહેવાસી મનીષ શાહે રાતના સમયે વાહન હંકારવા માટે શરાબપાનની મર્યાદાથી ત્રણ ગણો શરાબ પીધો હતો. ડર્બી રોડ પર સેઈન્સબરીની બહાર તેણે વિલિયમને અડફેટમાં લીધો હતો અને તેને રોડ પર રહેવા દઈને નાસી છૂટ્યો હતો. જોકે, પોલીસે તેને પકડી પાડ્યો હતો. તેણે શ્વાસ અને લોહીની તપાસનો ઇનકાર કર્યો હતો પરંતુ, અંતે પોલીસે યુરિનનો નમુનો મેળવ્યો હતો. તેની પાસે કારનો વીમો  કે યોગ્ય લાયસન્સ પણ ન હતું.

શાહે આ વર્ષના એપ્રિલમાં જોખમી ડ્રાઈવિંગથી મોત નીપજાવ્યા અને ખતરનાક ડ્રાઈવિંગના ગુનાની કબૂલાત કરી હતી. જજ સ્ટીવન કોપલેન્ડે સજા ફરમાવતા કહ્યું હતું કે ઘટનાની રાત્રે વાહન ચલાવવાનો તેને નિર્ણય જ વિલિયમના મોતનું એકમાત્ર કારણ હતું. શાહે અડધી સજા કસ્ટડીમાં અને બાકીની સજા લાઇસન્સ પર ભોગવવાની રહેશે. તેને આઠ વર્ષ અને ચાર મહિના સુધી ડ્રાઇવિંગ કરવા માટે અયોગ્ય ઠેરવાયો હતો.

ડોરસેટનો રહેવાસી વિલિયમ નોટિંગહામ યુનિવર્સિટીમાં પોલિટિક્સ અને ઇન્ટરનેશનલ રિલેશન્સનો અભ્યાસ કરતો હતો અને ૨૦મી વર્ષગાંઠના થોડા દિવસ અગાઉ જ મોતને ભેટ્યો હતો. નેશનલ લોકડાઉન અગાઉ યુનિવર્સિટી બંધ કરાયા પછી વિલિયમ મોતની રાત્રે ૨૦મી વર્ષગાંઠ પહેલા ઉજવણી કરવા મિત્રો સાથે ડ્રિન્કિંગ માટે બહાર નીકળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter