લંડનઃ સામાન્યપણે પરિવારોને આવક અને જાવકના છેડાં મેળવવાની તકલીફ રહે જ છે. કોઈ નવા શહેરમાં રહેવાનું થાય તો ત્યાંની લિવિંગ કોસ્ટ અને સંભવિત ફાજલ નાણાની માહિતી જાણવી જરૂરી બને છે. યુકેના ૩૦ શહેરોમાં એક અભ્યાસ અનુસાર આવશ્યક ખર્ચાઓ પછી પણ કયા શહેરોના રહેવાસીઓ પાસે ફાજલ નાણા રહે છે તેને ધ્યાનમાં રાખી સૌથી સારા અને ખરાબ શહેરનું વર્ગીકરણ કરાયું છે. આ મુજબ ડર્બીના રહેવાસીઓ પાસે બીનઆવશ્યક વસ્તુઓ પાછળ વધુ ખર્ચવા માટે માસિક આશરે ૧,૪૫૬ પાઉન્ડ ફાજલ (ડિસ્પોઝેબલ ઈન્કમ) રહે છે, જ્યારે સમુદ્રીતટના શહેર બ્રાઈટનના રહેવાસીઓ પાસે આવા ખર્ચ માટે આશરે ૭૫૧ પાઉન્ડ જ ફાજલ રહે છે. લંડનમાં લોકોની આવક વધુ છે પરંતુ, જાવક પણ વધારે છે.
ઈસ્ટ મિડલેન્ડ્સના શહેર ડર્બીમાં એરોસ્પેસ ઈજનેરી જાયન્ટ રોલ્સ-રોયસ જેવી કંપનીઓ સાથે મજબૂત ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રી છે. અહીંના કામદારો તેમના નિશ્ચિત માસિક ખર્ચા કાઢ્યા પછી પણ આશરે ૧,૪૫૬ પાઉન્ડની વધુ ખરીદ કરવાની તાકાત ધરાવે છે. તેમના માસિક ખર્ચા બ્રિટિશ રાષ્ટ્રીય સરેરાશ ૨,૪૭૩ પાઉન્ડ કરતાં ૨૦૦ પાઉન્ડ જ વધુ છે. આ સર્વેમાં ૩૦ શહેરનાં સરેરાશ વેતન સામે સ્થાનિક ભાડાં તેમજ અન્ય આવશ્યક માસિક ખર્ચાની સરખામણી કરાઈ હતી. કર્મચારીની કરકપાત, નિયમિત બિલ્સ અને પ્રવાસ તથા ખોરાક સહિત અન્ય આવશ્યક ખર્ચા પછી તેમની પાસે કેટલા ફાજલ નાણા રહે છે તેની ગણતરી કરવામાં આવી હતી.
સરેરાશ બ્રિટિશ વ્યક્તિ માસિક સરેરાશ ૨,૦૭૩ પાઉન્ડની કમાણી કરે છે, જેમાંથી ભાડું, પ્રવાસ અને ખોરાક, ટેક્સ જેવી આવશ્યક બાબતો પાછળ સરેરાશ ૯૯૦ પાઉન્ડ ખર્ચ્યા પછી માસિક ૧,૦૮૩ પાઉન્ડની રકમ ફાજલ રાખી શકે છે. શહેરનો દરજ્જો ન ધરાવવાં છતાં સર્વેમાં લેવાયેલાં અને વિશાળ એકેડેમિક વસ્તી ધરાવતાં યુનિવર્સિટી ટાઉન રીડિંગના નિવાસીઓ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ માસિક ૨,૪૭૩ પાઉન્ડની કમાણી અને નિયમિત ખર્ચાઓ કર્યાં પછી ૧.૨૮૭ પાઉન્ડ ફાજલ નાણા રાખે છે તથા લંડન પછી સૌથી વધારે કમાણી ધરાવતાં બીજાં ક્રમનાં સ્થળનું બિરુદ મેળવે છે. ત્રીજો ક્રમ ૧,૨૬૪ પાઉન્ડ ફાજલ નાણા સાથે સાઉધમ્પ્ટનનો છે. આ પછીના ક્રમે સ્કોટિશ શહેરો એડિનબરા અને એબરડિન તથા મિલ્ટન કિનેસ, બેલફાસ્ટ અને સ્વિન્ડન આવે છે. યાદીમાં છેલ્લો ક્રમ બ્રાઈટનનો છે, જ્યાંના નિવાસીઓ ૧,૯૨૧ પાઉન્ડની સરેરાશ આવક સામે ૧,૧૭૦ પાઉન્ડની ઊંચી લિવિંગ કોસ્ટ ધરાવે છે.
લંડનવાસીની વાત કરીએ તો સરેરાશ ૧,૬૨૯ પાઉન્ડના માસિક ખર્ચા કાઢતા તેમની સરેરાશ ડિસ્પોઝેબલ ઈન્કમ ૧,૦૯૫ પાઉન્ડ રહે છે, જે યુકેની સરેરાશ કરતાં માત્ર ૧૨ પાઉન્ડ વધુ છે. હલ સિટી યુકેમાં માત્ર ૭૬૭ પાઉન્ડના સૌથી નીચા માસિક ખર્ચા પછી પણ ૧,૮૧૬ પાઉન્ડની નીચી સરેરાશ આવક સામે ૧,૦૪૯ પાઉન્ડ ફાજલ નાણા ધરાવે છે. પ્લીમથમાં લોકો પાસે સરેરાશ માસિક ૯૩૭ પાઉન્ડ ફાજલ નાણા રહે છે.
સૌથી ઓછી ડિસ્પોઝેબલ ઈન્કમમાં બ્રાઈટન પછી બીજો ક્રમ નોર્વિચનો છે, જ્યાંના રહેવાસી ૧,૭૬૨ પાઉન્ડની સરેરાશ માસિક આવક સામે ૮૭૨ પાઉન્ડ ફાજલ નાણા ધરાવે છે. ઓછી ડિસ્પોઝેબલ ઈન્કમ ધરાવતાં અન્ય શહેરોમાં માન્ચેસ્ટર, યોર્ક, પોર્ટ્સમથ અને એક્સટરનો સમાવેશ થાય છે.


