લંડનઃ શેફિલ્ડના વોટરથોર્પમાં વિચિત્ર કિસ્સામાં ભારતીય મૂળના ૫૬ વર્ષીય ભરત મિસ્ત્રીની બાજુના બંગલામાં જ રહેતા વયોવૃદ્ધ બ્રિટિશ દંપતી ગ્રેહામ અને ઈરિન લીએ તેમને નડતરરુપ જણાતું વૃક્ષ અડધું કાપી નાખતા સનસનાટી મચી છે. પક્ષીઓ ૧૬ ફૂટ ઊંચાઈના વૃક્ષ પર બેસીને આંગણું ગંદુ કરતા હોવાથી પાડોશીએ આ પગલું લીધું છે. હવે અડધું કપાયેલું વૃક્ષ શેફિલ્ડમાં સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ભરત મિસ્ત્રીના આંગણામાં ૨૫ વર્ષથી ઉભેલા એક વૃક્ષના પાંદડાં ૭૦ વર્ષીય પાડોશી લી દંપતીના આંગણામાં પડતા હતા. એટલું જ નહિ, એ વૃક્ષ પર બેસતાં પંખીઓની ચરકથી પાડોશીનું આગણું ગંદું થતું હતું. એ મુદ્દે બ્રિટિશ પાડોશી ભારતીય મૂળના પરિવારથી નારાજ હતા. પાડોશીએ ભરત મિસ્ત્રીને તેની તરફના વૃક્ષમાં નેટ લગાડવાની ભલામણ કરી હતી.આ મુદ્દે ચર્ચા વિચારણા ચાલતી હતી ત્યાં જ ૨૩ જૂન બુધવારે પાડોશીએ ટ્રીકટર બોલાવીને પોતાની તરફનું વૃક્ષ સફાચટ કરી દીધું હતું. આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર થયા હતા. સ્થાનિક લોકોમાં આ અડધું કપાયેલું વૃક્ષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ભરત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ૧૬ ફૂટ ઊંચા વૃક્ષમાં પક્ષીઓ બેસવાથી અને પાંદડા ખરવાના કારણે ફળિયું ગંદુ થતું હોવાનો દાવો પાડોશીએ કર્યો હતો. તેમને આશા હતી કે પાડોશી ૨૮ વર્ષ જૂના હોવાથી તેઓ થોડાંક દિવસ ધીરજ રાખશે અને ત્યાં સુધીમાં વૃક્ષમાં નેટ લગાવવાનો નિર્ણય લઈશું અથવા તો એ તરફની વૃક્ષની ડાળીઓ કાપી નાખવા માટે ટ્રીકટર બોલાવી લેવાશે. અગાઉ, બંનેની સંમતિથી વૃક્ષને ગોળાકાર અપાયો હતો.
ભરત મિસ્ત્રીએ કહ્યું હતું કે તેમને આ ઘટનાથી ખૂબ જ દુઃખ થયું હતું. આટલા વર્ષથી ઓળખાણ હોવા છતાં તેમણે એક તરફનું વૃક્ષ કાપી નાખ્યું અને એક વખત પણ પૂછ્યું નહિ. જોકે, તેમની આવી હરકત છતાં ભારતીય પરિવાર શાંત રહ્યો હતો. મિસ્ત્રીએ ઉમેર્યું હતું કે પાડોશીને તેમની હદમાં કોઈ ફેરફાર કરવો હોય તો એ તેનો અધિકાર છે, પરંતુ અડધું કપાયેલું વૃક્ષ જો સુકાઈ જશે તો આખા પરિવારને બહુ જ અફસોસ થશે.