નામ બડે ઓર દર્શન ખોટેઃ સુપર- રિચ બાળકો માટેની મોંઘી સ્કૂલનું મહાકૌભાંડ

Saturday 30th May 2020 00:53 EDT
 
 

લંડનઃ વિશ્વમાં સૌથી વધુ ફી મેળવતી શાળાઓમાં સ્વિટ્ઝર્લેન્ડની ઈન્સ્ટિટ્યૂટ લ રોઝેનું નામ અગ્રક્રમે છે. યુકેની એટોન કરતાં પણ તેની ફી ડબલથી પણ વધુ એટલે કે વાર્ષિક ૧૦૪,૦૦૦ પાઉન્ડ છે. આવી શાળાઓ નામ જાળવી રાખવા ખોટો પ્રચાર અને ઢાંકપીછોડો પણ કરતી રહે છે. બાળકો પર દાદાગીરીને નજરઅંદાજ કરવાના કારણસર બે દીકરીના પેરન્ટ રાધિકા અને પંકજ ઓશવાલે લ રોઝે વિરુદ્ધ કાનૂની કાર્યવાહી આરંભી છે.

રાધિકા અને પંકજ ઓશવાલ તેમની ૯ અને ૧૫ વર્ષની પુત્રીઓને  બોર્ડિંગ સ્કૂલમાં રાખવા માગતા હતા ત્યારે સ્વિટ્ઝર્લેન્ડમાં મોં બ્લાંક અને લેક જિનેવાના મનોરમ્ય દૃશ્યો નિહાળી શકાય તેવી ટેકરીઓ મધ્યે આવેલી શાળાથી પ્રભાવિત થવું સ્વાભાવિક હતું. ૧૪મી સદીના કિલ્લાની ૨૮ હેક્ટરમાં ફેલાયેલી શાળામાં બે સ્વિમિંગ પૂલ, ટેનિસ કોર્ટ્સ, શૂટિંગ રેન્જ, ઘોડેસવારી સહિતની સુવિધાઓ હતી. તે સમયે ત્યાં ૫૦ દેશના ૪૨૦ બાળકો અભ્યાસ કરતા હતા. ભારતમાં જન્મેલા ઓશવાલ દંપતીએ ફર્ટિલાઈઝર બિઝનેસમાં ૧.૫ બિલિયન પાઉન્ડની મૂડી ઉભી કરી હતી અને તેઓ સતત ઉડાઉડ કરતા હતા તે ન્યૂ યોર્ક અને દુબાઈ શહેરોથી આ શાળાનું લોકેશન બરાબર મધ્યમાં જ હતું.

જોકે, રાધિકાને ચિંતા તેના બાળકો સામે સંભવિત દાદાગીરી કે બળજબરીના વ્યવહારની હતી.  દીકરીઓના એડમિશન સમયે આ ચિંતા સામે તેમને હૈયાધારણા આપવામાં આવી કે પાંચ બાળક સામે એક શિક્ષકનો રેશિયો છે તેમજ ક્વોટા સિસ્ટમના કારણે એક જ નેશનાલિટીના ૧૦ ટકાથી વધુ બાળકોને સાથે રખાતાં ન હોવાથી કોઈ ગ્રૂપનું વર્ચસ્વ થતું નથી. તેમને ખાતરી આપી હતી કે શાળા માત્ર શારીરિક જ નહિ, માનસિક અને લાગણીશીલ બળજબરી કે દાદાગીરી બાબતે પણ ઘણી કડક છે.

દીકરીઓ શાળામાં જોડી તેના સાત વર્ષ પછી ઓશવાલ દંપતીનો ભ્રમ ભાંગી ગયો છે અને શાળા તેમના સૌથી નાના ૧૪ વર્ષીય સંતાનને રક્ષણ આપવામાં નિષ્ફળ રહેવા બદલ તેઓ સ્વિસ કોર્ટ્સમાં લ રોઝે સામે દાવો માંડી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે તેમના બાળકને તેના બેકગ્રાઉન્ડ મુદ્દે હાંસી ઉડાવાઈ અને ટોણાં મારવામાં આવ્યા હતા જેના પરિણામે, તે અનિદ્રા અને ચિંતા- એંગ્ઝાઈટીના હુમલાનો ભોગ બની છે. આમ છતાં, શાળાએ તેમની ફરિયાદો બાબતે કોઈ પગલાં લીધાં નથી. દંપતીએ કહ્યું છે કે ‘આ એકલદોકલ કેસ નથી. બાળકોને તેમના બેકગ્રાઉન્ડ, સંસ્કૃતિ અને મિત્રો બાબતે હેરાન કરાતાં હોવાના સંખ્યાબંધ રિપોર્ટ્સ છે. શાળા બાળકોની પાયાની કાળજી પર ધ્યાન આપવા કરતાં તેમને લેક જિનેવામાં નૌકાવિહાર સહિતના વૈભવી કાર્યક્રમોને પ્રાધાન્ય આપે છે. હવે તે મનમાની કરી શકે તેવા ધનાઢ્ય બાળકો માટે પ્લેગ્રાઉન્ડ જ બની ગઈ છે..’

શાળાએ આ પછી કોઈ જ ખુલાસા કે ચેતવણી વિના રાધિકાને તેમની દીકરીને આગામી શૈક્ષણિક વર્ષમાં ફરી પ્રવેશ નહિ મળે તેમ જણાવી દીધું હતું. દીકરીને નવી શાળામાં પણ જૂના સહાધ્યાયીઓ સોસિયલ મીડિયા દ્વારા કનડગત કરતા રહે છે અને તેમા નવા મિત્રોની ઉશ્કેરણી પણ કરે છે.

લ રોઝે માટે આ કાનૂની કાર્યવાહી ક્ષોભજનક બની રહે તે સ્વાભાવિક છે. શાળાના ૧૪૦ વર્ષના ઈતિહાસમાં પૂર્વ વિદ્યાર્થીઓમાં ઈરાનના સાહ, મોનાકોના પ્રિન્સ રેઈનેર, ડ્યૂક ઓફ કેન્ટ, આગા ખાન, ઈજિપ્ત, બેલ્જિયમ અને સ્પેનના રાજવીઓ, ગ્રીસના પ્રિન્સેસ મેરી-ચેન્ટેલ, અને તેમની બહેનો પીઆ ગેટ્ટી અને એલ્કઝાન્ડ્રા વોન ફર્સ્ટેનબર્ગ, ડોડી ફાયેદ, વિન્સ્ટન ચર્ચિલના ગ્રાન્ડસન, ફાઈનાન્સિયર આર્કી બુસાવનનો સમાવેશ થાય છે. જ્હોન લેનોન, રોજર મૂર, ડાયેના રોસ અને એલિઝાબેથ ટેલરના બાળકોએ પણ આ શાળામાં નિઆર્કોસ, ઓનાસીસ, રોકફેલર અને રોથ્સચાઈલ્ડ વંશના નબીરાઓ સાથે અભ્યાસ કર્યો છે.

રાધિકા ઓશવાલ કહે છે કે,‘ આમાં નાણાનું કોઈ મહત્ત્વ નથી, શાળાએ અમને ઘણી પીડા આપી છે. જીવનમાં કશાની ગેરન્ટી હોતી નથી પરંતુ, હું માનું છું કે તમે કોઈ શાળાની પસંદગી કરતા હો ત્યારે તમે શિક્ષકો પાસેથી કેટલીક જવાબદારીની અપેક્ષા રાખો છો.’ શાળાના વકીલો કહે છે કે કોર્ટ કાર્યવાહીની ગુપ્તતાના કારણસર તેઓ વિગતે ટીપ્પણી કરી શકતા નથી પરંતુ, ઓશવાલના દાવાઓ ‘ખોટાં, બદનક્ષીકારક અને સ્પ।ટપણે ફગાવી દેવાયા છે.’ જોકે, રાધિકા મક્કમ છે. તે કહે છે કે ,‘આ હું મારી દીકરી માટે જ કરું છું. મારી દીકરી જીવનના પાછલા હિસ્સા તરફ નજર કરે અને વિચારે કે તેનામાં જ કશી ખોટ હશે જેથી તેને બીજી સ્કૂલમાં જવું પડ્યું, હું આમ થવા દેવા માગતી નથી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter