લંડનઃ યુકે સરકારે નિકેશ અશ્વિનકુમાર મહેતા OBEની રિપબ્લિક ઓફ સિંગાપોરના બ્રિટિશ હાઈ કમિશનરપદે નિમણૂક કરવાની જાહેરાત કરી છે. તેઓ મિસ કારા ઓવેન CMG CVOના સ્થાને જુલાઈ 2024થી પદભાર સંભાળશે. નિકેશ મહેતા OBEએ ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCO)માં 2002માં જોડાયા પછી અનેક રાજદ્વારી કાર્યભાર સંભાળેલા છે.
તેમની કામગીરીમાં FCO, નાટો સેક્શન (2002 થી 2003); સધર્ન ઈરાક પોલિટિકલ ઓફિસર, કોએલિશન પ્રોવિઝનલ ઓથોરિટી (2003 થી 2004); કમ્પાલા, સેકન્ડ સેક્રેટરી પોલિટિકલ (2004 થી 2007); FCO, મિડલ ઈસ્ટ અને આફ્રિકા માટે કાઉન્ટર ટેરરિઝમ રિપોર્ટિંગ ટીમ લીડર (2007 થી 2010); FCO, હેડ ઓફ ડિટેઈની ઈસ્યુઝ ટીમ, કાઉન્ટર ટેરરિઝમ ડિપા. (2010 થી 2012); કુઆલા લુમ્પુર, પોલિટિકલ કાઉન્સેલર (2012 થી 2015); ડેપ્યુટી ડાયરેક્ટર GCHQ (2015 થી 2018); સેઉલ, ડેપ્યુટી હેડ ઓફ મિશન (2018 થી 2022); નેશનલ સિક્યુરિટી કોમ્યુનિટી, ડાયરેક્ટર ફોર પોલિસી એન્ડ રિક્વાયરમેન્ટ્સ (2022 થી હાલ સુધી) નો સમાવેશ થાય છે.
નિકેશ મહેતાના પિતા અશ્વિનભાઈ મહેતા અને માતા દીનાબહેન મહેતા છે. તેમના પિતા છેક 1970ના દાયકાથી નવનાત યુથ એસોસિયેશન (NYA)ના સ્થાપક સભ્યોમાં એક છે. નિકેશ મહેતાના નાના ભાઈ ડો. રિતેન મહેતા તબીબી ક્ષેત્રે નામના ધરાવે છે અને હાલ ઈંગ્લેન્ડ વિમેન્સ ફૂટબોલ ટીમના મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. નવનાત વણિક એસોસિયેશન યુકેએ નિકેશ મહેતાને હાઈ કમિશનરપદે નિયુક્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.


