મારું નામ આરિશ મહેતા છે અને મારી વય 12 વર્ષની છે. મારી ઉનાળાની રજાઓમાં સારા નસીબના સહારે મને એક તક મળી ગઈ હતી. મારા પિતાના મિત્ર દિપક વોરાના પુત્ર નિખિલના લગ્ન સુંદર કન્યા અનિકા સાથે થઈ રહ્યા હતા. તેમણે વિન્ડસરના ફેરમોન્ટ ખાતે લગ્ન સમારંભ યોજવા નિર્ણય કર્યો હતો. તેમનું ઈન્વિટેશન કાર્ડ વિશિષ્ટ હતું અને બારીક કારીગરી સાથેનું હતું.
એક કલાકના ડ્રાઈવિંગ પછી હું અને મારો પરિવાર લગ્નસ્થળે પહોંચ્યા ત્યારે અમારું સ્વાગત કરતાં હોય તે રીતે વૃક્ષો લળી લળીને નીચા નમેલાં હતા અને શેરીની માફક પ્રવેશદ્વાર રચાયું હતું. આગળ વધતા ફીણસભર તદ્દન ભૂરાં જળ સાથેના સરોવરની મધ્યે ફૂવારો નિહાળ્યો હતો. આ શાનદાર સરોવરની વચ્ચે કમાનદાર પૂલ પણ હતો. આ પૂલ પર જ લગ્નવિધિ કરવામાં આવી હતી. જ્યાં વરરાજા પુરાતન ફોર્ડ મસ્ટાંગ કારની સીટ પર એવી રીતે ઉભા હતા જાણે તેઓ આધુનિક કાળમાં અશ્વ પર સવારી કરી રહ્યા હોય. અમે તો સમયસર પહોંચી ગયા હતા. આ ભવ્ય ઈમારતની તરફ અમે આગળ વધતા હતા તેમ તે ઈમારતની ભવ્યતા અમારી પર હાવી થતી ગઈ હતી. અમે ભવ્ય ઈમારતના પોર્ચમાં પહોંચ્યા અને અચાનક વરસાદ પડવાથી દરેક વ્યક્તિ અંદક પહોંચવા દોડવા લાગી હતી. વરરાજા નિખિલને નીચે લાવવામાં આવ્યો અને લોકો તેની પાછળ પાછળ આવ્યા. અમે નીચે અતિ ભવ્ય ‘બોલરૂમ’માં પહોંચ્યા ત્યારે ચમકીલા જ્વેલ્સ અને કાપડની સાથે સજાવેલી મંડપવેદીનું સ્વરૂપ અદ્ભૂત દેખાતું હતું. અમે વરરાજાની તરફ બેઠા હતા અને મહારાજે વિધિનો આરંભ કર્યો તેનાથી આનંદ અને મઝાનું વાતાવરણ છવાઈ ગયું હતું.
મિત્રો અને પરિવારજનો સુંદર રીતે સજાવેલા વરરાજા નિખિલને મંડપમાં લઈ આવ્યા હતા. વરરાજા અને નવવધૂએ કરેલી મુખ્ય વિધિઓ વિશે જણાવીશ. લગ્નવિધિના પ્રથમ પવિત્ર કદમે નવકાર મંત્ર ઉચ્ચારાવા સાથે ગણેશ ભગવાનની પ્રાર્થના કરાઈ હતી. બીજા કદમે અનિકાના પેરન્ટ્સે જળથી નિખિલના પગ ધોઈને તેનું પવિત્રીકરણ કર્યું હતું. આ પછી, વરરાજા અને નવવધૂ સામસામા બેઠાં હતા અને વચ્ચે વસ્ત્રનું આવરણ રખાયું હતું. આ પછી, બન્ને જણાએ નવા જીવનના આરંભના પ્રતીક સ્વરુપે સાત પગલાં ફર્યાં હતાં. આખરી વિધિમાં નિખિલે નવવધૂના લગ્ન થઈ ગયા છે તેનું દર્શન કરાવતા કપાળના સેંથામાં સિંદૂરની પૂરણી કરી હતી. સૌથી મઝાની વાત એ રહી કે ઘરપરિવારમાં કોનું રાજ ચાલશે તે નિશ્ચિત કરવા ખાસ રમતમાં બન્નેએ ભાગ લીધો હતો!