નિર્વાહ કટોકટીઃ ક્વીને સ્ટાફનું વેતન વધાર્યું

Wednesday 08th June 2022 03:02 EDT
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે યુકેમાં પ્રવર્તમાન જીવનનિર્વાહ કટોકટીને ધ્યાનમાં લઈ વફાદાર કર્મચારીઓને પાચ ટકાનો વેતનવધારો કરી આપ્યો છે. સ્ટાફને લઘુતમ 2.5 ટકાનો વેતનમાં વધારો મળશે પરંતુ, મોટા ભાગના કર્મચારીને પાંચ ટકા સુધી વેતન વધશે. જોકે, આ વેતનવધારો ક્વીનના શાસનની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી નિમિત્તે નહિ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. તમામ સ્ટાફને ગણતરીમાં લેતાં પેલેસનું વાર્ષિક વેતનબિલ 24.1 મિલિયન પાઉન્ડ આવે છે.

શાહી સૂત્રના જણાવ્યા અનુસાર રોયલ સ્ટાફનો વેતનવધારો બે વર્ષથી સ્થગિત હતો અને હવે જીવનનિર્વાહ કટોકટીનો સામનો કરવામાં મદદ મળે તે માટે ઓછામાં ઓછો 2.5 ટકાનો વધારો આપવામાં આવ્યો છે. કર્મચારીના વ્યક્તિગત પરફોર્મન્સના આધારે વેતનવધારો પાંચ ટકા સુધીનો થશે. આ વધારાને જ્યુબિલી બોનસ તરીકે નહિ પરંતુ, ગત બે વર્ષમાં જે મહેનત કરી છે તેની કદર તરીકે ગણાવાયો છે. આંતરિક મેમો મારફત કરાયેલી જાહેરાતને તમામે વધાવી લીધી છે.

ONSના ડેટા અનુસાર આ વેતનવધારો ડિસેમ્બર 2021થી આ વર્ષના ફેબ્રુઆરી સુધીના 4 ટકાના વાર્ષિક વેતનવૃદ્ધિના દરથી પણ ઊંચો છે. એપ્રિલ મહિનામાં ચાર્ટર્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટના સર્વેમાં જણાવાયું છે કે બ્રિટિશ એમ્પ્લોયર્સ તેમના સ્ટાફને સરેરાશ 2.8 ટકા પે સેટલમેન્ટ ઓફર કરે છે. રોયલ ફેમિલી માટેના કર્મચારીઓનું વેતન ઓછું છે પરંતુ, જોબ પોઝિશનમાં મોટા ભાગે રહેવા-જમવાની સુવિધા મળે છે. કેટલાક કર્મચારીઓનું કહેવું છે કે રાજાશાહી માટે કામ કરવામાં ભારે ગર્વ થતો હોઈ તેઓ ઓછું વેતન પણ સ્વીકારી લે છે. સોવરિન ગ્રાન્ટના તાજા રિપોર્ટ મુજબ સૌથી નીચું પૂર્ણકાલીન વેતન 18,586 પાઉન્ડ અને સૌથી વધુ વેતન 250,000 પાઉન્ડ ચૂકવાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter