લંડનઃ પતિ અને પત્ની તરીકે સંગીત કારકિર્દી માટે પ્રસિદ્ધ નીતુબહેન અને મહેશભાઈ ગઢવીએ નોખું સીમાચિહ્ન હાંસલ કરવા સાથે પરિવારજનો અને મિત્રમંડળ સાથે લગ્નજીવનની 50મી વર્ષગાંઠ ઉજવી હતી.
ગઢવી દંપતીની મુલાકાત સૌપહેલા 1969માં થઈ હતી અને તેમણે ટોટેનહામ કોર્ટ રોડ પર આવેલા મંદિર રેસ્ટોરામાં 4 ઓક્ટોબર 1975ના દિવસે પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. દાયકાઓ દરમિયાન તેમનો સંગાથ અંગત અને વ્યાવસાયિક સિદ્ધિઓથી ભરપૂર રહ્યો છે.
સંગીતમય કારકિર્દી ધરાવતાં નીતુ અને મહેશ ગઢવીએ સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રતિષ્ઠિત મંચ અને સ્થળોએ પરફોર્મન્સીસ રજૂ કરવા સાથે સુમધૂર અવાજથી ઓડિયન્સીસને ઘેલું લગાડ્યું છે. તેમની અદ્ભૂત પ્રતિભા વડે તેમણે આલ્બમ્સ રેકોર્ડ કર્યાં છે અને બોલીવૂડની ફિલ્મોમાં પણ અવાજના કામણ પાથર્યાં છે. આ બધું જ તેમણે સંયુક્તપણે પરિવારનો ઉછેર કરવાની સાથોસાથ જ કર્યું છે. તેઓ નેહા અને કુણાલના પેરન્ટ્સ છે તેમજ ચાર ગ્રાન્ડચિલ્ડ્રન – ધીલાન, તારા, રાયન અને તરૂણના ગ્રાન્ડપેરન્ટ્સ પણ છે.
લગ્નગાંઠની સુવર્ણજયંતીની ઊજવણી તેમના અસીમ પ્રેમને આદરાંજલિ હોવાની સાથે જ સંગીત, પરિવાર અને સંસ્મરણોથી ભરપૂર જીવનકાળને પણ સન્માનિત કરતી અંજલિ છે.
(તસવીર સૌજન્યઃ રાજ બકરાણીઆ)


