લંડનઃ નેશનલ એસોસિયેશન ઓફ કેર કેટરિંગ (NACC)ના પુર્વ ચેરમેન નીલ રાડિયા સેન્ટ લ્યુક્સ હોસ્પિસ (Harrow & Brent)માં ટ્રસ્ટી તરીકે જોડાયા છે. ચેરિટી લ્યુક્સ હોસ્પિસ (Harrow & Brent) લોકોને તેમની પસંદગીના સ્થળે શ્રેષ્ઠ ગુણવત્તા સાથેની સારસંભાળ પૂરી પાડવાનું ધ્યેય ધરાવે છે. કોમ્યુનિટી કેર ટીમ્સના સપોર્ટ સાથે વૂડગ્રેન્જ ડે સર્વિસીસ સેન્ટર પણ ચલાવે છે.
નીલ કહે છે કે,‘ટ્રસ્ટીપદે નીમાવાથી હું ગૌરવ અનુભવું છું અને બોર્ડ, આપણા વોલન્ટીઅર્સ અને સમર્થકો સાથે આવશ્યક સેવા ઓફર કરવા ઉત્સુક છું. મારી પાસે ૨૦ વર્ષનો કોમર્શિયલ સેલ્સ અને માર્કેટિંગનો અનુભવ છે જેનો લાભ હોસ્પિસના વિઝન અને આપણી કોમ્યુનિટીને અપાતી સારસંભાળ પૂરી પાડવા સેન્ટ લ્યૂક્સના ટ્રસ્ટીમંડળને મળે તેમ ઈચ્છું છું. મને ભૂતકાળમાં અન્ય સખાવતી સંસ્થાઓ અને બિનનફાકારી સંગઠનો સાથે સ્વૈચ્છિક કાર્ય કરવાની તક મળી છે જેમાં, NACC અને The Food Chainના ચેરમેન હોવાનો પણ સમાવેશ થાય છે. મને વ્યક્તિલક્ષી સંભાળના મહત્ત્વનું સારું જ્ઞાન છે. હું હેરો અને બ્રેન્ટના લોકોના સમગ્રતયા લાભ માટે બોર્ડને સક્રિય સપોર્ટ આપવા તત્પર છું.’
નીલ રાડિયાએ ઉમેર્યું હતું કે,‘ મારા દાદીનું ૨૦૧૧માં અહીં અવસાન થયું ત્યારથી હું સેન્ટ લ્યૂક્સના કાર્યનો સમર્થક રહ્યો છું. મને જીવનના અંતિમ ક્ષણે અપાતી સારસંભાળનો વ્યાવસાયિક અનુભવ પણ છે. વર્ષોથી હોસ્પિસ ક્રિસમસ ઉજવણીના આયોજન અને હાલમાં જ ૨૦૧૯માં લંડન મેરેથોન સહિતના પ્રસંગોએ ફંડ એકત્રિત કરવાની પ્રવૃત્તિઓથી હોસ્પિસને મદદરુપ થવાનો આનંદ અનુભવ્યો છે.’
સેન્ટ લ્યૂક્સના ચીફ એક્ઝિક્યુટિવ અલ્પના માલદેએ જણાવ્યું હતું કે,‘ નીલ નવા ટ્રસ્ટી તરીકે બોર્ડમાં જોડાયા છે તેનો આનંદ છે. તેઓ જ્ઞાન અને અનુભવનું ભાથુ લાવવા સાથે અભૂતપૂર્વ ફંડરેઈઝિંગ રેકોર્ડ પણ ધરાવે છે. હેરો અને બ્રેન્ટના લોકોને અદ્ભૂત સેવા પૂરી પાડવામાં ચેરિટી તરીકે હોસ્પિસના ભાવિના ઘડતરમાં તેઓ હોસ્પિટના ટીમના સભ્ય તરીકે કામ કરશે.’
સેન્ટ લ્યુક્સ હોસ્પિસે કોવિડ-૧૯ મહામારીમાં મોખરે રહી કામગીરી બજાવી છે. ચેરિટીએ અતિ આવશ્યક સેવાના રક્ષણ માટે આવક વધારતા રહેવાની ખાસ જરુર છે. લોકડાઉનના ગાળામાં તેની તમામ ૧૮ ચેરિટી શોપ્સ અને ભંડોળ એકત્રીકરણના ઈવેન્ટ્સ બંધ રાખવાની ફરજ પડી હતી. હોસ્પિસની તમામ સેવા નિઃશુલ્ક છે અને લોકોની સારસંભાળના ૬૦ ટકા ફંડ માટે સ્થાનિક કોમ્યુનિટીની ઉદારતા પર આધાર રાખે છે. તે કુલ ફંડના માત્ર ૪૦ ટકા જ NHS પાસેથી મેળવે છે.


