લંડનઃ નીસ્ડન મંદિર તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શુક્રવાર 8 માર્ચ 2024ના દિવસે મહાશિવરાત્રિના હિન્દુ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અનંત ઊર્જા અને આંતરિક શક્તિના પ્રતીક લોકપ્રિય હિન્દુ દેવનું મૂર્તિ- શિવલિંગ સ્વરૂપે પ્રાગટ્ય થવાના દિવસને મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે.
મંદિરના સ્વામીઓ અને ભક્તોએ દૂધ, દહીં, મધ, સાકર અને ઘીના મિશ્રણ-પંચામૃત વડે શિવલિંગને સ્નાન કરાવ્યું હતું અને બિલ્વપત્રો ચડાવ્યા હતા. તેમણે સમગ્ર વિશ્વના લોકોના આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ભક્તો અને મુલાકાતીઓ ભગવાન શિવની આરાધના પૂજા કરવા તેમજ ઉજવણીમાં ભાગ લેવા માટે સમગ્ર દિવસ દરમિયાન મંદિરની મુલાકાતે આવ્યા હતા. મંદિરમાં મૂર્તિઓ સમક્ષ વિવિધ પ્રકારના ખાદ્યપદાર્થો અને ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
હવેલીના પ્રવેશદ્વારે ભગવાન શિવના પ્રાગટ્યના પ્રતીક સ્વરૂપે બરફના શિવલિંગની રચના પણ કરવામાં આવી હતી. જે ભારતના પવિત્ર યાત્રાધામ અમરનાથનું સ્મરણ કરાવતું હતું જ્યાં બરફનું પ્રાકૃતિક શિવલિંગ રચાય છે.


