લેસ્ટરઃ આકાશ ઓડેદરા કંપની (AOC)ના સહસ્થાપક અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર આનંદ ભટ્ટને ડાન્સના ક્ષેત્ર અને કોમ્યુનિટીની સેવા કરવા બદલ ક્વીન્સ ન્યૂ યર ઓનર્સ લિસ્ટ ૨૦૨૧માં સ્થાન અપાયું છે અને તેમને BEM સન્માનની નવાજેશ થઈ છે. તેમણે ૨૦૧૧માં આકાશ ઓડેદરા સાથે મળી લેસ્ટરસ્થિત AOCની સ્થાપના કરી હતી. આકાશ ઓડેદરાને પણ નૃત્ય ક્ષેત્રની સેવા બદલ BEM સન્માન પ્રાપ્ત થયું છે.
જુલાઈ ૨૦૨૦માં ન્યુકેસલમાં ડાન્સ સિટી ખાતે ચીફ એક્ઝિક્યુટિવ અને આર્ટિસ્ટિક ડિરેક્ટર તરીકે જોડાયેલા આનંદ ભટ્ટે જણાવ્યું હતું કે,‘સૌપ્રથમ તો હું મારા ગુરુજનો અને વડીલોનો આભાર માનું છું જેમણે મને મારી આ યાત્રામાં માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા છે. હું નૃત્યની શક્તિ અને લોકોના જીવન અને કોમ્યુનિટીઝને રુપાંતરિત કરવામાં જે ભૂમિકા તે ભજવી શકે તેના વિશે ભારે ઉત્કટતા ધરાવું છું. સેંકડો લોકોએ આ યાત્રામાં પોતાનો સમય સમર્પિત કર્યો છે આથી, આ સહુનો આભાર. આ પ્રકારે મારી કદર થઈ છે તેનાથી હું વિનમ્ર્રતા અનુભવું છું અને કારકિર્દીના આ તબક્કે હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે ત્યારે મને આત્મવિશ્વાસ અને ઊર્જાને ઉત્તેજન મળ્યું છે. હું માનું છું કે સ્થાનિક પ્રતિભા વિશ્વના કોઈ પણ સ્થળની સમકક્ષ છે.’
આનંદે લેસ્ટરમાં પોતાની પ્રથમ ડાન્સ સ્કૂલ ‘દેશી મસ્તી’ની સ્થાપના ૨૦૦૩માં કરી હતી જ્યાં, તેમણે સૌથી વધુ બૂગી વૂગી નેશનલ ચેમ્પિયન્સને તાલીમ આપી હતી. આકાશ ઓડેદરા સાથે તેમની કામગીરીએ લેસ્ટરને વિશ્વસ્તરીય સંસ્થાઓની હરોળમાં બેસાડ્યું હતું. વિશ્વની સૌથી મોટી બોલીવૂડ ડાન્સ સ્કૂલ શૈમાક દાવર ઈન્ટરનેશનલ સાથે પાર્ટનરશિપના પગલે લેસ્ટરની સંસ્થા સમગ્ર દેશમાં માન્ચેસ્ટરથી ડાર્ટફોર્ડ સુધી હેડક્વાર્ટર બની હતી જ્યાં સપ્તાહમાં ૧૦૦૦થી વધુ લોકો આવતા હતા.


