નેઈમન માર્કસે ભગવાન ગણેશના કફલીંક્સ બજારમાંથી પાછા ખેંચ્યા

Wednesday 05th May 2021 03:17 EDT
 
 

નેવાડાઃ અમેરિકન હિંદુ સમુદાયના વિરોધ પછી ડલાસ ખાતે હેડક્વાર્ટર ધરાવતી લક્ઝરી ફેશન રિટેલર નેઈમન માર્કસે હિંદુ દેવ ગણેશજીના આકારના કફલીંક્સ બજારમાંથી પાછા ખેંચ્યા હતા. હિંદુ રાજનેતા રાજન ઝેડના નેતૃત્વ હેઠળના વિરોધમાં કફલીંક્સને 'ખૂબ અયોગ્ય' ગણાવાયા હતા.

૯૪૦ ડોલરની કિંમતના અમેરિકન બનાવટના ગણેશ કફલિંક્સ નેઈમન માર્કસ અને બર્ગડોર્ફ ગુડમેનની વેબસાઈટ્સ પરથી ખસેડી લેવાયા હતા. ઝેડે હિંદુ સમુદાયની ચિંતા સમજવા બદલ નેઈમન માર્કસ ગ્રૂપનો આભાર માન્યો હતો. જોકે, ગ્રૂપ તરફથી સત્તાવાર માફીની રાહ જોવાઈ રહી છે.

યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઝમના પ્રમુખ ઝેડે સૂચવ્યું હતું કે નેઈમન માર્કસ ગ્રૂપ જેવી કંપનીઓએ તેમના સિનિયર એક્ઝિક્યુટિવ્સને ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતાની ટ્રેનિંગ માટે મોકલવા જોઈએ જેથી તેઓ જ્યારે નવી પ્રોડક્ટ્સ બજારમાં મૂકે અથવા એડવર્ટાઈઝિંગ કેમ્પેઈન શરૂ કરે ત્યારે તેમને ગ્રાહકો અને કોમ્યુનિટીઝની લાગણીઓની સમજ હોય.

ઝેડે જણાવ્યું હતું કે હિંદુ ધર્મમાં ગણેશજી ખૂબ પૂજનીય છે. તેઓ મંદિરો અથવા ઘરના પૂજાસ્થાનમાં પૂજવા લાયક છે. તેમનો ઉપયોગ કોઈના શર્ટની શોભા વધારવા માટે કરી શકાય નહીં. હિંદુ ધર્મગ્રંથો અથવા દેવી-દેવતાઓ અથવા પ્રતીકોનો અયોગ્ય ઉપયોગ કોમર્શિયલ અથવા અન્ય હેતુસર થાય તે યોગ્ય નથી કારણ કે તેનાથી હિંદુઓની લાગણી દુભાય છે. ઝેડે ઉમેર્યું હતું કે આ પ્રકારે હિંદુ દેવી દેવતાનું મહત્ત્વ ઓછું થતા હિંદુઓની લાગણી દુભાય છે.

રોડિયમ સાથેના સ્ટર્લિંગ સિલ્વર પ્લેટેડ ગણેશ કફલિંક્સ પરનું ચિત્રણ હાથથી કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો હતો. તે પ્રક્રિયામાં સાત કલાકનો સમય લાગતો હોવાનું જણાવાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter