નેટ માઈગ્રેશનમાં ૧૦૬,૦૦૦થી વધુનો ધરખમ ઘટાડો

Wednesday 06th December 2017 06:37 EST
 
 

લંડનઃ યુકેમાં ઐતિહાસિક બ્રેક્ઝિટ મતના પગલે ૨૦૧૪ પછી નેટ માઈગ્રેશનમાં ૧૦૬,૦૦૦થી વધુનો ધરખમ ઘટાડો નોંધાયો છે. લાંબા ગાળાનું ઈમિગ્રેશન ઘટવા સાથે સ્થળાંતરમાં સામાન્ય વધારો થયો છે. જોકે, નેટ માઈગ્રેશન દર હજુ વાર્ષિક ૨૩૦,૦૦૦નો રહ્યો છે. બીજી તરફ, બ્રિટિશ નાગરિકતા માટે અરજી કરનારા ઈયુ નાગરિકોની સંખ્યા બમણાથી પણ વધી છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા અનુસાર ઈયુ રેફરન્ડના ત્રણ વર્ષમાં નેટ માઈગ્રેશન સૌથી તળિયે રહ્યું છે છતાં હજુ તે ૨૩૦,૦૦૦ જેટલું છે. ઈયુ રેફરન્ડમ પછી પણ પાંચ ટકાના વધારા સાથે ૧૪૩,૭૩૫ વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરવા યુકે આવે છે.

બ્રેક્ઝિટ વોટ અગાઉના ૧૨ મહિનામાં ૩૩૬,૦૦૦ લોકો યુકે આવ્યાં હતાં. રેકોર્ડ ૧૯૬૪માં શરુ કરાયા પછી કોઈ પણ ૧૨ મહિનાના ગાળામાં આ સૌથી મોટો ૧૦૬,૦૦૦નો ઘટાડો છે. આ ઘટાડામાં ત્રીજો હિસ્સો ઈયુ નાગરિકોનો છે. આમ છતાં, ઈમિગ્રેશન ૧૦૦,૦૦૦ની નીચે લાવવાના સરકારનો લક્ષ્યાંક પરિપૂર્ણ થતો નથી. EU8 દેશો (ઝેક રીપબ્લિક, ઈસ્ટોનિયા, હંગરી, લેટવિયા, લિથુઆનિઆ, પોલેન્ડ, સ્લોવેકિઆ અને સ્લોવેનિયા)માંથી નેટ માઈગ્રેશન ૪૨,૦૦૦થી ઘટીને ૮,૦૦૦ જ્યારે રોમાનિયા અને બલ્ગેરિયાથી ૬૨,૦૦૦થી ઘટીને ૪૧,૦૦૦ થવા પામ્યું છે.

સપ્ટેમ્બરમાં પૂર્ણ થયેલાં વર્ષમાં બ્રિટિશ નાગરિકતા માટે અરજી કરનારા ઈયુ નાગરિકોની સંખ્યા બમણાથી પણ વધીને ૩૨,૮૫૬ થઈ છે. કામની શોધમાં યુકે આવતાં લોકોની સંખ્યામાં ૪૩ ટકાનો વધારો થયો છે જ્યારે નિશ્ચિત નોકરી સાથે યુકે આવનારા લોકોની સંખ્યા સ્થિર રહી છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter