લંડનઃ ચૂંટણીમાં ધાર્યા મુજબના પરિણામો મેળવી નહિ શકવાથી નેતાગીરી જાળવવાં વડા પ્રધાન થેરેસા મેએ પોતાના વિવાદાસ્પદ એજન્ડા સાથે સમાધાન કરવાની ફરજ પડી છે. બેકબેન્ચર્સ સાથે તાકાતનો મુકાબલો કરતા અગાઉ તેમણે પોતાની કેબિનેટનું સમર્થન મેળવવાં ભારે કિંમત ચુકવવી પડી છે. તેમણે પોતાના મેનિફેસ્ટોને રદ કરી ટ્રિપલ લોક ઓન પેન્શનની નાબૂદી, ફોક્સ હન્ટિંગ પ્રતિબંધ, વિન્ટર ફ્યુલ એલાવન્સ તેમજ નવી ગ્રામર સ્કૂલ્સ સહિતની અનેક યોજનાઓ અભરાઈએ ચડાવવી પડશે. હાર્ડ બ્રેક્ઝિટ નીતિનો પણ અંત આવશે તેમ કહેવાય છે.
નવી સરકારની આગામી સપ્તાહની ક્વીન્સ સ્પીચમાં બ્રેક્ઝિટ અને આતંકવાદઅને કટ્ટરવાદનો સામનો કરવાના સંકીર્ણ એજન્ડા પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ચોતરફથી ઘેરાયેલાં વડા પ્રધાને સંકેત આપ્યો હતો કે મેન્ટલ હેલ્થ, હાઉસિંગ અને નવા ટેકનિકલ ક્વોલિફિકેશન્સ અંગેના કાયદા ઉમેરાશે પરંતુ, ‘ડીમેન્શિયા ટેક્સ’ તરીકે ઓળખાયેલી વિવાદાસ્પદ સોશિયલ કેર નીતિઓ અતિશય હળવી બનાવાશે.
થેરેસા મે પ્રિઝનર ઓફ કેબિનેટ?
આંતરિક સૂત્રોએ વડા પ્રધાનને પોતાની જ કેબિનેટના કેદી ગણાવ્યા હતા. ભારે છૂટછાટ મેળવ્યાં પછી મિનિસ્ટરોએ થેરેસાને ટેકો જાહેર કરી દીધો હતો અને સાંસદોએ પણ તેમને દૂર કરવાની માગણીમાંથી પીછેહઠ કરી હતી. વડા પ્રધાનપદ માટે દાવેદાર ગણાયેલા બોરિસ જ્હોન્સને થેરેસાને ટેકો નહિ આપી તેમના બળવાની સંભાવનાના અહેવાલોને વાહિયાત ગણાવ્યા હતા. જોકે, કેબિનેટ મિનિસ્ટર્સના રોષના કારણે સલાહકારો ફિઓના હિલ અને નિક ટિમોથીનું રાજીનામું લઈ લેવાયું હતું. વડા પ્રધાન થેરેસા મેએ નિર્ણયપ્રક્રિયાને કેબિનેટ અને પક્ષમાં વ્યાપક બનાવવાની પણ ખાતરી આપી હતી.
બોરિસ જ્હોન્સનના બળવાનું સૂરસુરિયું
એક સમયે થેરેસા મેને ટેકો નહિ આપવાની જાહેરાત કરનારા ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સનના મુખમાંથી આ વખતે પણ કોળિયો ઝૂંટવાઈ ગયો હતો. ટોરી પાર્ટી માટે આઘાતજનક પરિણામો પછી જ્હોન્સનના સમર્થકોએ સંભવિત નેતૃત્વ પડકાર અંગે સાંસદોનું સમર્થન મેળવવા પ્રયાસ આરંભ્યો હતો. પાંચ કેબિનેટ મિનિસ્ટર્સે તેમને પોતાના સમર્થનની ઓફર કરી હોવાનું પણ કહેવાય છે. જોકે, બ્રેક્ઝિટ પ્રક્રિયા સંદર્ભે સરકારને ખરાબ સંજોગોમાં મૂકવાનો દોષ તેમના માથે આવશે તેવી મિત્રોની ચેતવણી પછી જ્હોન્સને આ પ્રયાસ પડતો મૂક્યાનું મનાય છે.
જ્હોન્સને જણાવ્યું હતું કે,પ્રજા હવે ચૂંટણીઓથી કંટાળી છે. લોકોને લાગે છે કે આ બધુ વધારે પડતું છે. રાજકારણીઓ આગળ વધે અને બ્રેક્ઝિટ પ્રક્રિયા અને લોકોની પ્રાથમિકતાઓ સફળતાપૂર્વક પાર પાડે તેમ તેઓ ઈચ્છે છે. આ માટે થેરેસા મે શ્રેષ્ઠ વ્યક્તિ છે.’
મેએ પરાજિત સાંસદોની માફી માગી
થેરેસા મેએ ક્વીનની મુલાકાતમાં તેમને માહિતી આપી હતી કે તેઓ હાર્ડ લાઈન પાર્ટી ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (DUP)ના ટેકા સાથે લઘુમતી સરકાર રચવાનો પ્રયાસ કરશે. શરુઆતમાં તો થેરેસાએ લેબર પાર્ટી સામે પરાજિત સાંસદો પ્રત્યે કોઈ સહાનુભૂતિ કે દેશ અને બ્રેક્ઝિટ મંત્રણાઓને અરાજકતાપૂર્ણ હાલતમાં ધકેલનારા પરિણામો વિશે પશ્ચાતાપ પણ દર્શાવ્યો ન હતો. આના કારણે પણ સાંસદો રોષે ભરાયા હતા. જોકે, પાછળથી મેએ પરાજિત સાંસદોની માફી માગી પરિણામો વિશે મંથન કરવા ખાતરી આપી હતી. એક સમયે થેરેસા મે રાજીનામું આપવાનું હોવાની અફવાઓ પણ ફેલાઈ હતી જેના કારણે બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિસ તાકીદે નંબર-૧૦ દોડી ગયા હતા. આ પછી, ડાઉનિંગ સ્ટ્રીટે થેરેસા મે વડા પ્રધાનપદે રહી સરકાર રચવા પ્રયાસ કરશે તેવું નિવેદન આપ્યું હતું. મિસિસ મેનાં વડા પ્રધાન પદ વિશે આટલી બધી ધમાચકડી ચાલવા છતાં માત્ર એક કેબિનેટ મિનિસ્ટર ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ક્રિસ ગ્રેલિંગ તેમના બચાવમાં આગળ આવ્યા હતા.

