નેશનલ ઈન્સ્યોરન્સ ફાળાના કાપમાં વિલંબઃ લાખો વર્કર્સના ગાલે તમાચો

Tuesday 07th November 2017 04:42 EST
 
 

લંડનઃ ચાન્સેલર ફિલિપ હેમન્ડે વચનમાંથી પીછેહઠ કરતા લાખો સેલ્ફ એમ્પ્લોઈડ વર્કરને તેમના નેશનલ ઈન્સ્યોરન્સ બિલમાં ૧૪૮ પાઉન્ડની રાહત ગુમાવવી પડશે. ક્લાસ ટુ નેશનલ ઈન્સ્યોરન્સ (NIC)ના ફાળા આગામી એપ્રિલથી નાબૂદ થવાના હતા. જોકે, સરકારે આ યોજનામાં એક વર્ષના વિલંબની જાહેરાત કરવાથી ૩.૪ મિલિયન વર્કર્સના ગાલ પર તમાચો વાગ્યો છે. આ વિલંબથી સરકારને આશરે ૨૦૦ મિલિયન પાઉન્ડની બચત થશે.

તત્કાલીન ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ૨૦૧૬માં પ્રતિ સપ્તાહ ૨.૮૫ પાઉન્ડ અથવા વાર્ષિક ૧૪૮ પાઉન્ડનો ફાળો ધરાવતા ક્લાસ ટુ નેશનલ ઈન્સ્યોરન્સની યોજના રદ કરવાની જાહેરાત કરી હતી. સ્વ-રોજગાર ધરાવતા લોકોએ ક્લાસ ટુ અને ક્લાસ ફોર નેશનલ ઈન્સ્યોરન્સ બંનેના ફાળા ભરવાના રહેશે. ક્લાસ ફોર NICમાં ૮,૧૬૪ પાઉન્ડથી વધુ કમાણી માટે ૯ ટકા અને ૪૫,૦૦૦ પાઉન્ડથી વધુ કમાણી માટે ૨ ટકાનો ફાળો ભરવાનો થાય છે.

સરકારે જણાવ્યું હતું કે સ્વરોજગારીમાં ૬,૦૨૫થી ૮,૧૬૪ પાઉન્ડ વચ્ચે કમાણી કરતા લોકોએ માત્ર ક્લાસ ટુ NIC ભરવાના થાય છે. જો ફાળો રદ કરવામાં આવે તો નીચી આવક ધરાવનારા સરકારી પેન્શન એકત્ર કરવાની પાત્રતા ગુમાવી શકે છે જેથી નિવૃત્તિ બાદ તેઓ વધુ ગરીબીનો ભોગ બનશે તેવી ચિંતાના પરિણામે આ વિલંબ કરવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter