નેવાડાઃ ઓસ્ટ્રેલિયામાં સ્વિસ મલ્ટિનેશનલ ફૂડ કંપની નેસ્લે દ્વારા ઉત્પાદિત વિવિધ ખાદ્યપદાર્થોમાં બીફ (ગોમાંસ)ના ઉપયોગ થયાને જાહેર ન કરાવાથી હિન્દુઓમાં રોષ વ્યાપ્યો છે અને આ ઉત્પાદનો તત્કાળ પાછા ખેંચી લેવાની સાથે સત્તાવાર માફીની માગણી પણ કરી છે.
નેવાડાસ્થિત હિન્દુ રાજનેતા અને યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઈઝમના પ્રમુખ રાજન ઝેડ દ્વારા જણાવાયું છે કે નેસ્લે દ્વારા ઓસ્ટ્રેલિયામાં ઉત્પાદિત એલેન્સ લોલીઝ જેવી કેટલીક લોકપ્રિય ફૂડ આઈટમ્સમાં ગોમાંસનો ઉપયોગ થતો હોવાનું જાણી હિન્દુઓને ભારે આઘાત લાગ્યો અને તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. હિન્દુઓ માટે ગોમાંસનો વપરાશ ધાર્મિક માન્યતાથી વિપરીત છે કારણકે ગાયમાં દેવતાઓનો વાસ છે અને તે પવિત્ર ગણાય છે.
ઓસ્ટ્રેલિયાના હિન્દુઓ વર્ષોથી આ ખાદ્યપદાર્થો ઉપયોગમાં લે છે, પરંતુ નેસ્લે દ્વારા પેકેજીસ/બોક્સીસ પર ફૂડમાં વપરાયેલા તત્વોની યાદીમાં બીફનો સ્પષ્ટ ઉલ્લેખ કરાતો નથી. નેસ્લેના ઉત્પાદનોમાં જિલેટીન તત્વનો ઉલ્લેખ કરાય છે, પરંતુ તેના સ્રોત વિશે જણાવાતું નથી. કંપનીનો સંપર્ક સાધવામાં આવતા નેસ્લે ઓસ્ટ્રેલિયા કન્ઝ્યુમર એંગેજમેન્ટ સર્વિસીસ દ્વારા જણાવાયું હતું કે એલેન્સ લોલીઝમાં તત્વ તરીકે બીફ જિલેટીનનો ઉપયોગ કરવામાં આવે છે.