નોકરીઓમાં ભેદભાવનો શિકાર બનતા વંશીય લઘુમતી ઉમેદવારો

Wednesday 23rd January 2019 01:39 EST
 
 

લંડનઃ છેક ૧૯૬૦ના દાયકાથી અશ્વેત અને સાઉથ એશિયન મૂળના બ્રિટિશરોએ નોકરી મેળવવા સંઘર્ષ કરવો પડે છે તેમાં હજુ કોઈ બદલાવ આવ્યો નથી. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની ન્યૂફિલ્ડ કોલેજના સેન્ટર ફોર સોશિયલ ઈન્વેસ્ટિગેશનના નિષ્ણાતોનો અભ્યાસ જણાવે છે કે શ્વેત બ્રિટિશ મૂળના સરેરાશ ૨૪ ટકા ઉમેદવારોને નોકરીદાતા તરફથી હકારાત્મક પ્રતિભાવ સાંપડે છે તેની સરખામણીએ તેમના જેવા જ સીવી અને કવર લેટર્સ હોવાં છતાં ૧૫ ટકા વંશીય લઘુમતી ઉમેદવારને જ હકારાત્મક પ્રતિભાવ મળે છે. બ્રિટિશ મૂળના વ્હાઈટ ઉમેદવારની સરખામણીએ વંશીય લઘુમતી ઉમેદવારે હકારાત્મક પ્રતિભાવ મેળવવા ૮૦ ટકા વધુ અરજીઓ મોકલવી પડે છે.

આ સંશોધકોએ છેક ૧૯૬૯થી કરાતા અભ્યાસોની તેમના પરિણામો સાથે સરખામણી કરતા જણાયું હતું કે અશ્વેત બ્રિટિશરો અને ખાસ કરીને પાકિસ્તાની સહિતના સાઉથ એશિયનો સાથે આવો ભેદભાવ લગભગ ૫૦ વર્ષમાં પણ બદલાયો નથી. સંશોધકોએ નવેમ્બર ૨૦૧૬થી ડિસેમ્બર ૨૦૧૭ વચ્ચે લોકપ્રિય રીક્રુટમેન્ટ પ્લેટફોર્મ્સ પર કરાયેલી સોફ્ટવેર એન્જિનીઅર્સ, માર્કેટિંગ, શેફ્સ અને શોપ આસિસ્ટન્ટ્સ સહિતની મેન્યુઅલ અને નોન-મેન્યુઅલ નોકરીઓની જાહેરાત સામે લગભગ ૩૨૦૦ અરજી મોકલી હતી.

તદ્દન સરખા રિઝ્યુમ્સ અને કવરિંગ લેટર્સ સાથેની અરજીઓમાં નોકરીદાતાઓ દ્વારા સરેરાશ ૨૪ ટકા શ્વેત બ્રિટિશ અરજદારોને પોઝિટિવ રિસ્પોન્સ મોકલાયો હતો, જ્યારે ૧૫ ટકા લઘુમતી વંશીય અરજદારોને સારો પ્રતિભાવ મળ્યો હતો. તમામ વંશીય લઘુમતી અરજદારોએ તેઓ બ્રિટનમાં જન્મેલા છે અથવા છ વર્ષની વય પહેલા આ દેશમાં આવ્યા હોવાનું અને બ્રિટનમાં શિક્ષણ તથા તાલીમ મેળવ્યાનું સ્પષ્ટ જણાવ્યું હતું.

શ્વેત લઘુમતીઓ સહિત વંશીય લઘુમતી ઉમેદવારોએ એમ્પ્લોયર્સ પાસેથી પોઝિટિવ રિસ્પોન્સ મેળવવા બ્રિટિશ મૂળના શ્વેત અરજદાર કરતાં ૬૦ ટકા વધુ અરજી મોકલવી પડી હતી. મૂળ પશ્ચિમ યુરોપીય અને અમેરિકી અરજદારો સાથે બહુમતી ગ્રૂપ જેવો જ વ્યવહાર કરાયો હતો. પાકિસ્તાની મૂળના અરજદારોએ વધુ ૭૦ ટકા તથા નાઈજિરિયન તેમજ મિડલ ઈસ્ટર્ન અને નોર્થ આફ્રિકન (MENA) અરજદારોએ અનુક્રમે વધુ ૮૦ અને ૯૦ ટકા અરજીઓ મોકલવી પડી હતી. જોકે, ભારતીય મૂળના ઉમેદવારો સાથે ભેદભાવનું પ્રમાણ ઓછું જણાયું છે. આ સંદર્ભે સંશોધકોએ ખુલાસો કર્યો હતો કે તેમના અભ્યાસમાં ભારતીય નામ સાથેના લોકો ઘણાં ઓછાં હોવાથી ચોક્કસ તારણ આપી શકાય તેમ નથી. સંશોધકોએ જણાવ્યું હતું કે નોંધપાત્ર મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોમાંથી આવતા લોકો સાથે ભેદભાવનું પ્રમાણ વધુ રહ્યું હતું, જે તાજેતરના અભ્યાસોમાં મજબૂત મુસ્લિમવિરોધી વલણોનો પડઘો પાડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter