નોર્ધર્ન આયર્લેન્ડમાં ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં શાળાઓ ખોલવાની તૈયારી

Saturday 30th May 2020 00:32 EDT
 
 

 લંડનઃ ઈંગ્લેન્ડમાં જૂન મહિનાના આરંભે શાળાઓ ખોલવા મુદ્દે વિવાદ ચાલે છે ત્યારે નોર્ધર્ન આયર્લેન્ડમાં ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં શાળાઓ ખોલવાની તૈયારી કરવા જણાવાયું છે. એજ્યુકેશન મિનિસ્ટર પીટર વેઈરે જણાવ્યું હતું કે કોવિડ-૧૯નો પ્રસાર ધીમો પાડવામાં સારી પ્રગતિ જણાશે તો સપ્ટેમ્બરમાં તબક્કાવાર મોટા ભાગના ક્લાસીસ ફરી શરુ કરી દેવાશે, જેમાં ઓનલાઈન કે રિમોટ લર્નિંગ અને ક્લાસમાં લેસન્સનું મિશ્રણ રહેશે.

માર્ચમાં લોકડાઉનના કારણે શિક્ષણકાર્ય બંધ કરી દેવાતાં લેશન્સના સમયને પૂર્ણ કરવા પ્રાઈમરી શિક્ષકોને પૂરતો સમય મળી રહે તે માટે ઓટમના પાછલા ભાગમાં  બે સપ્તાહ પછી પોસ્ટ-પ્રાઈમરી સ્કૂલ્સમાં પ્રવેશની પરીક્ષાઓ લેવાનાર છે. એજ્યુકેશન મિનિસ્ટર વેઈરે જણાવ્યું હતું કે કોવિડ પહેલા હતી તે રીતે રાબેતા મુજબ શાળાઓ નહિ ચાલે પરંતુ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને તબીબી દૃષ્ટિએ સલામત નિયમનોના પ્રતિબિંબ સાથે નવું સામાન્ય શિક્ષણ બની રહેશે. વિદ્યાર્થીઓ માટે શાળામાં હાજરી અને ઘરમાં અભ્યાસનું મિશ્રણ બની રહેશે.

તેમણે જણાવ્યું હતું કે અસલામત અને વંચિત વિદ્યાર્થીઓને રિમોટ લર્નિંગ માટે આગામી મહિનાઓમાં ૨૪,૦૦૦ જેટલા સાધનો આપવામાં આવશે. અત્યારે ૧૫૦૦ નિરાધાર તેમજ ચાવીરુપ વર્કર્સના બાળકો દરરોજ ૨૦૦૦ શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફની દેખરેખ હેઠળ ૪૫૦ શાળામાં અભ્યાસ કરે છે.

મિનિસ્ટરે જણાવ્યું હતું કે શાળાઓને તબક્કાવાર ફરી ખોલવામાં આવશે, જેમાં ઓગસ્ટના અંત ભાગમાં ચાવીરુપ ધોરણોના જૂથોથી શરુઆત કરાશે અને તે પછી સપ્ટેમ્બરના આરંભથી તમામ વિદ્યાર્થીઓ માટે તબક્કાવાર જોગવાઈ કરાશે. આ બધું તબીબી માર્ગદર્શન અને સલામતીની સલાહ અનુસાર જ થશે. બીજી તરફ, પ્રાઈવેટ પ્રોવાઈડર્સે ગ્રામર સ્કૂલ્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતાં P7 વિદ્યાર્થીઓમાં એકેડેમિક સિલેક્શન પ્રોસેસમાં વિલંબિત સમયપત્રક સાથે આગળ વધવા નિર્ણય કર્યો છે. કેથોલિક આર્ચબિશપ ઓફ આર્માઘ રેવ. એમોન માર્ટિને બાળકોના શ્રેષ્ઠ હિતમાં આ વર્ષે પરીક્ષાઓ સસ્પેન્ડ કરવાની માગણીને સમર્થન આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter